ભુજ, તા. 15 : કચ્છમાં છેલ્લા એકાદ સપ્તાહથી
ઠંડીએ પોતાનું આધિપત્ય જમાવ્યું છે, પરંતુ છેલ્લા બે દિવસથી પવનની ગતિ નહીંવત હોવાને કારણે ઠંડીની અસર ઘટી હોવાનું
અનુભવાયું છે. રણ પ્રદેશના માકપટ્ટ સહિત મોટાભાગના વિસ્તારોમાં સવારે ભેજનાં ઊંચાં
પ્રમાણ અને ઝાકળનાં કારણે ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભુજમાં
ભેજ સવારે 84 તથા સાંજે
29 ટકા નોંધાયો હતો. ભુજમાં મહત્તમ
તાપમાન 29.7 તથા ન્યુનતમ 12.4, નલિયામાં પણ અનુક્રમે 29.2 તથા લઘુતમ 9.6, કંડલા પોર્ટ 29.6 અને 11.5, કંડલા એરપોર્ટ 28.6 સામે 7.9, માંડવી 28 સામે 12, મુંદરા 28 સામે 11, રાપર 26 સામે 10, ખાવડા 26 સામે નવ ડિગ્રી નોંધાયું હતું.
પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં અનેક જગ્યાએ પશ્ચિમ કચ્છ-માકપટ વિસ્તાર સહિતના
વિસ્તારોમાં ભારે ધુમ્મસનું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું. મોડી રાતથી પડેલી ઝાકળવર્ષાનાં
પગલે વહેલી સવાર સુધી ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. સવારના સમયે જોગિંગ અને વોકિંગ
કરવા જતા નાગરિકોને ઠંડી તથા ઝાકળનો વિશેષ અનુભવ થયો હતો. વાહનચાલકોને પણ ધુમ્મસના
કારણે મુશ્કેલી પડી હતી. ધીણોધર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. વિથોણ વિસ્તારમાં
પણ પ્રથમ ઝાકળવર્ષાથી 50 ફૂટ સુધી
ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. ઝાકળવર્ષા બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળી હોવાનું
લોકોએ જણાવ્યું હતું. બપોરે તાપને કારણે ઝાકળના પ્રભાવે પાણીના નેવા વહેતા જોવા મળતાં
વરસાદી ઝાપટું પડયું હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ઝાકળિયા હવામાનથી શાકભાજી
જેવા ઉપહારોનો ઉતારો વધુ આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. ગઢશીશાથી રામપર-વેકરા વચ્ચે
પણ ઝાળકભીનો માહોલ જોવા મળ્યો હતો. પોષ માસમાં ત્રેવડી મોસમનો અનુભવ થયો હતો. રાત્રે
ઠંડી, સવારે ઝાકળ અને બપોરે ગરમીનો અહેસાસ થયો હતો.
રાપર અને ખાવડામાં નીચા પારે નવથી 10 ડિગ્રી જેટલી ઠંડી નોંધાતાં વાગડ પંથક તેમજ રણકાંધીનાં સીમાવર્તી
ગામડાં રાત્રે થરથર્યાં હતાં. આહીરપટ્ટી, પાવરપટ્ટી સહિત પંથકનું ગ્રામીણ જનજીવન ઠારમાં ઠર્યું હતું.