• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

મુંદરા કસ્ટો. ડેથ કેસના મહત્ત્વના સાક્ષી પર હિચકારો હુમલો

ભુજ, તા. 15 : કચ્છની સાથો-સાથ સમગ્ર ગુજરાતમાં જે-તે સમયે ભારે ચકચાર મચાવનારા મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણના સાક્ષી વિજયસિંહ જાડેજા ઉપર અજ્ઞાત શખ્સો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસ મહત્ત્વના તબક્કે પહોંચ્યો છે, ત્યારે પેરોલ જમ્પ કરી ફરાર આરોપી શક્તિસિંહ ગોહિલ સાથે આ હુમલાના તાણાવાણા જોડાયેલા હોવાના આક્ષેપ સાથે ચારણ સમાજ રોષે ભરાયો છે. ગઈકાલે મુંદરા પોલીસ મથકે અજિતસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી 13મીના રાત્રે ઘરે જતા હતા, ત્યારે સફેદ ડિઝાયર કારમાં અજાણ્યા ત્રણ શખ્સ આવ્યા હતા અને લાકડાંના ધોકા, લોખંડના પાઈપ વડે ફરિયાદીને માર મારી `તું તારી મર્યાદમાં રહેજે, નહીંતર જાનથી મારી નાખશું', તેવી ધમકી આપી નાસી ગયા હતા. એક તરફ મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના ફરિયાદી દેવરાજ રતન ગઢવી અને મહત્ત્વના સાહેદ એવા હતભાગી વિજયાસિંહ એક જ ઓફિસમાં બેસીને વકીલાતનો વ્યવસાય કરે છે, જ્યારે બીજી તરફ શક્તાસિંહ ગોહિલ હાલ ફરાર છે, ત્યારે વિજયાસિંહ પર હુમલો થવાની આ સમગ્ર ઘટનાના તાણાવાણા શક્તાસિંહ તરફ સ્પષ્ટપણે જોડાયેલા હોવાનો આક્ષેપ ચારણ સમાજે કર્યો છે. ઉક્ત ફરાર આરોપી શક્તાસિંહ તેની સાથેના અસામાજિક તત્ત્વોની મદદથી આવી રીતે આ કામના અન્ય સાહેદોને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી કે હુમલો કરાવીને તેમના જાનમાલ પર ખતરો ઊભો કરીને સમગ્ર કેસ નબળો પાડી દેવાની હાલ નીચ ચેષ્ટા કરી રહ્યાનોય રોષ ચારણ સમાજે દર્શાવ્યો છે. ઘટનાની ગંભીરતાને લક્ષમાં લઈને મુંદરા તાલુકા ચારણ સમાજ દ્વારા આ બનાવને કડક શબ્દોમાં રોષભેર વખોડીને રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી, રાજ્યના ડીજીપી, આઈજી કચ્છ, એસપી પશ્ચિમ કચ્છ અને પોલીસ ઈન્સ્પેક્ટર મુંદરાને આ અનુસંધાને આવેદનપત્ર પાઠવીને આ બનાવ પછવાડે જવાબદાર એવા શક્તાસિંહ અને તેના મળતિયાઓની તાત્કાલિક ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવવામાં આવે અને તમામ સાહેદોની સલામતી અને જાનમાલની રક્ષા કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. અખિલ કચ્છ ચારણ સભા પૂર્વ પ્રમુખ વિજયભાઈ ગઢવી, મુંદરા ચારણ સમાજ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, સ્થાનિક અગ્રણીઓ ડોસાભાઈ સવાભાઈ બાટિયા, માણેકભાઈ ગિલવા, વિશ્રામભાઈ રાજદે ગઢવી, વાલજીભાઈ ટાપરિયા સહિતના અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું હતું. ઉપરાંત આજે માંડવી ચારણ બોર્ડિંગ ખાતે મળેલી સામાજિક બેઠકમાં પણ વર્તમાન પ્રમુખ દેવરાજભાઈ કસરનભાઈ ગઢવીની અધ્યક્ષામાં આ બનાવને  આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. બીજીતરફ આ હુમલાને લઈને બાર એસોસીએશ દ્વારા પણ મુંદરા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી. બાર પ્રમુખ જનક સોલંકી, મંત્રી વિમલ મહેતા તેમજ મોટી સંખ્યામાં વકીલોની સહી સાથેના પત્રમાં જણાવાયું હતું કે, કાયદાના ભય વિના થયેલા આવા હિચકારા હુમલાને ગંભીરતાથી લેવામાં આવે, ગુનો આચરનારા ઇસમોને તાત્કાલિક ઝડપવામાં આવે તથા આવી જાહેર જગ્યા ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે. આ રજૂઆતમાં બાર હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ જોડાયા હતા. 

Panchang

dd