• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

કચ્છને મહત્ત્વનું મંત્રીપદ મળતાં વિકાસનો નવો અધ્યાય

કેરા (તા. ભુજ), તા. 15 : કચ્છના રાજકારણમાં ત્રિકમભાઇ છાંગાને મંત્રીપદની નવાજેશ જિલ્લાના વિકાસનો નવો અધ્યાય છે, તેવી લાગણી કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે 100 જેટલી સંસ્થાએ યોજેલા જાહેર અભિવાદન સમારોહમાં ગુરુવારે વ્યક્ત થઇ હતી. પ્રતિભાવમાં ઋણ ચૂકવવાની ખાતરી ભાવભેર અપાઇ હતી. `સંસ્કૃતિ, ધર્મ સાથે વિકાસ'ના રોડમેપ ઉપર જ્યારે સવાયા કચ્છી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અગ્રેસર છે, ત્યારે સારાં કાર્યમાં રોડાં નાખવાવાળાથી સાવધાન રહેવાની જરૂર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વિકાસ માટે સરહદી કચ્છ જિલ્લાની ચિંતા કરે છે, જે કાર્ય 20-25 વર્ષ પહેલાં થવા જોઇતાં હતાં, તે હવે આરંભવાં પડે છે. તે જેની પણ કચાશ હોય હવે એક-એક દિવસ મહત્ત્વપૂર્ણ છે. આપણે સાથે મળી દરેક કાર્યો કરવાનાં છે. સેડાતાથી મુંદરા અને સ્મૃતિવનથી આ બંને બાયપાસ સરકારે મંજૂર કર્યા છે. ગામના પ્રશ્નો માટે આપણે લોકસંવાદ કરશું તેવી વાત કરતાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના મંત્રી ત્રિકમભાઇ છાંગાએ કચ્છના વિકાસનો નવો અધ્યાય આરંભાયાની લાગણી  વ્યકત કરી હતી. કેરાથી અંજારપટ્ટીની 100 જેટલી સંસ્થ, જેમાં ગ્રામ પંચાયતો, સામાજિક, ધાર્મિક, સેવાભાવી સંસ્થાઓનો સમાવેશ થતો હતો. તેવડા જાજરમાન કાર્યક્રમમાં શ્રી છાંગાનાં ઓવારણાં લેવાયાં હતાં. કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે ચાંદીની તલવાર અર્પણ કરી શિક્ષણવિદ્ સ્થાનિક ધારાસભ્ય એવા મંત્રીનાં ઓવારણાં લીધાં હતાં. સ્વામિનારાયણ મંદિરો, મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, ગાદી સંસ્થાન, ભુજ મંદિરના સંતો, ગુરુકુળો, ગુજરાત રાજ્ય અને કચ્છ જિલ્લા શિક્ષક સંઘ, દરેક જ્ઞાતિવર્ગની સામાજિક સંસ્થાઓએ હરખભેર અભિવાદન કર્યું હતું. કેરા, કુંદનપર, ચુનડી, દહીંસરા, નારાણપર (રાવરી-પસાયતી), સૂરજપર, ગજોડ, ગોડપર, કોટડા, વડઝર, ઝુમખા, ટપ્પર, ભારાપર, સેડાતા, મેઘપર, વરલીપટ્ટીથી અંજાર સુધીનાં ગામોએ  ત્રિકમભાઇનાં મંત્રીપદને વધાવ્યું હતું. શિયા ઇસ્નાસરી જમાતો, વૈષ્ણવ સમાજ, કોલી-જોગી, મેઘવાળ, દરજી, સોની, જિલ્લા સરકારી વકીલ સંગઠન, કચ્છ ઇતિહાસ પરિષદ, મદરેસા જમાત, મેઘવંશી મારૂ વણકર સમાજ, વણકરોની સહકારી મંડળી, રબારી, દરજી, આહીર સમાજના અનેક પ્રતિનિધિઓએ સન્માન કર્યું હતું. પ્રારંભે અગ્રણી રવજીભાઇ કેરાઇએ સૌને આવકારતાં કચ્છને મળેલું પ્રતિનિધિત્વ દૃષ્ટિવંત છે, એમ કહી ગુણાનુવાદ કર્યો હતો, તો ચોવીસીના અગ્રણી નવીનભાઇ પાંચાણીએ  વર્ષોથી અટકેલાં કામ છાંગા સાહેબને નેતૃત્વ મળ્યા સાથે ઉકેલાયાં છે તે વાતથી લોકો રાજી છે. તે માતબર સંસ્થાઓના રાજીપામાં પ્રતિબિંબિત થયાની વાત કરી હતી. તાલુકા પ્રમુખ વિનોદભાઇ વરસાણી, તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાણીએ  ટોપ ટુ બોટમ ભાજપની સરકાર હોવાથી કાર્યો થઇ રહ્યાં છે અને ત્રિકમભાઇના નેતૃત્વમાં વધુ ને વધુ કાર્યો થશે તેની ખાતરી આપી હતી. આવનાર જિલ્લા-તાલુકાની ચૂંટણીઓમાં ભ્રમ ઊભો કરનારા સામે ચેતવા ટકોર કરાઇ હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓની હાજરીવાળા કાર્યક્રમમાં સિંદૂરિયો રંગ છવાયો હતો. ભુજ તાલુકા ક્ષત્રિય સમાજ, પાંચાડાના લેવા પટેલ સમાજો, ગોસ્વામી સમાજ સૌએ એકસૂરે શિક્ષિત-દીક્ષિત નેતૃત્વને વધાવ્યું હતું. પ્રારંભે ટ્રસ્ટના પ્રાંગણમાં સમર્થ શિક્ષણવિદ્ એવા સંત શાત્રી ધર્મજીવન સ્વામીની પ્રતિમાની વંદના શિક્ષણમંત્રીએ  કરી હતી. કેરા સરપંચ મદનગિરિ ગોસ્વામી, ગિરિરાજસિંહ જાડેજા, વિજયરાજસિંહ જાડેજા (વિજુભા), દહીંસરા અગ્રણી કિશોરભાઇ પિંડોરિયા, નારાણપરના ભરતભાઇ ગોર, પ્રેમજી હાલાઇ, લક્ષ્મણભાઇ કાબરિયા, ગૌરક્ષણ, પાણી સમિતિઓ, કેરા મંદિર પ્રમુખ હરીશ ખેતાણી, કુંદનપર- નારાણભાઇ કેરાઇ, માવજી હાલાઇ, દાતા ઘનશ્યામભાઇ ટપ્પરિયા, અબજીબાપા હનુમાનજી ટ્રસ્ટના ગોવિંદભાઇ વેકરિયા, હરિવદન જેસાણી, કોટડાના અગ્રણી રાજેશભાઈ સાધુ, ચોવીસીના હરીશ ભંડેરી સહિતના અનેક જોડાયા હતા. સંસ્થાના પ્રમુખ દેવેન્દ્ર વાઘજિયાણી, ઉપપ્રમુખ ડો. દિનેશ પાંચાણી, મંત્રી વસંત પટેલ, ધીરજ લાધાણી, અરવિંદ ભુવા, સુરેશભાઇ ભુવા, નરેન્દ્ર ભોજાણી, હરીશ ખેતાણી, શૈલેશ ભુવા, ખજાનચી વિનોદ રવજી કેરાઇ, મુકેશભાઇ વેકરિયા સહિતના તમામે આયોજન વ્યવસ્થા સંભાળી હતી. નરેન્દ્ર વાઘજિયાણી, રાજા રબારી, ઇન્દુમતિબેન, કેરા-કુંદનપર પંચાયત સભ્યો મંજુલાબેન કેરાઇ, શાંતાબેન, મહિલા પાંખ, શૈક્ષણિક સ્ટાફ, શિક્ષક સમાજના નયનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા સહિતના અનેક શિક્ષકો-સંગઠનોએ ઉત્સાહભેર કચ્છી મંત્રીને પોંખ્યા હતા. છાત્ર-છાત્રાઓએ સ્વાગતગીત રજૂ કર્યું હતું. સંસ્થાના વિકાસ-ઇતિહાસની ડોક્યુમેન્ટ્રી રજૂ કરાઇ હતી. થયેલા-થનાર શિક્ષણ વિકાસનો ચિતાર મંત્રી વસંત પટેલે આપ્યો હતો. દાતા સામજીભાઇ દબાસિયા, કે. કે. જેસાણી, રવજીભાઇ વરસાણી, કાંતિભાઇ કેરાઇ, ધનજીભાઇ વરસાણી `દરબાર' સહિતના સૌ સહયોગીઓની સહિયારી નોંધ લેવાઇ હતી. 

Panchang

dd