• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

નાગલપરમાં પાણી-ગટરનાં વિકાસકામો બિનગુણવત્તાયુક્ત કરાતાં હોવાના આરોપ

અંજાર, તા. 15 : તાલુકાના નાગલપર ગામમાં  આવેલી કલ્પવૃક્ષ સોસાયટી તથા નીલકંઠ સોસાયટીને  જોડતી પાણી તથા ગટર લાઈન નાખવાની કામગીરીમાં લોટ પાણી ને લાકડાં હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી.  લાઈન નાખવાની કામગીરી  દરમ્યાન નક્કી કરેલા તકનીકી ધોરણોનું પાલન થતું ન હોવાનું તેમજ ગુણવત્તા અંગે  બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. સ્થાનિકોએ ફરિયાદ  કરતાં જણાવ્યું હતું કેઆ કામગીરી દરમ્યાન ઉપયોગમાં લેવાનાર માલ નબળી ગુણવત્તાનો છેનિયમ મુજબ ઊંડાઈ  તથા યોગ્ય લેવલ  રાખવામાં આવ્યું નથી. કામ પૂર્ણ થયા બાદ રસ્તા અને આસપાસના વિસ્તારોને પૂર્વવત્ સ્થિતિમાં ન લાવવામાં આવતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ પ્રકલ્પમાં ભ્રષ્ટાચારના આરોપ પણ લોકો  દ્વારા કરાયા હતા. નબળી કામગીરીનાં કારણે ભવિષ્યમાં ગટર ઊભરાવા, પાણી લીકેજ, દુર્ગંધ ફેલાવા, રસ્તા ધસી પડવા તથા આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાવાની  ભીતિ વ્યકત કરાઈ હતી. આ ઉપરાંત ફરીથી ખોદકામ કરવાની ફરજ પડે તો જાહેર નાણાંનો  ખર્ચ  વ્યર્થ થશે તેવી રજૂઆત  પણ  કરવામાં આવી હતી. આ મુદ્દે અગાઉ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ મુદ્દે લોકોએ  નાગલપર પંચાયત કચેરીમાં વિરોધ વ્યક્ત કરી પોતાની વ્યથા  ઠાલવી હતી. સોસાયટીના રહીશોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી સંબંધિતો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો  આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી  ઉચ્ચારાઈ હતી.   

Panchang

dd