ગાંધીનગર, તા. 15 : અંજાર તાલુકાનાં મેઘપર કુંભારડીના
મકલેશ્વરનગર-1માં વીજ થાંભલામાંથી પતંગ કાઢવા જતા વીજશોક
લાગતાં ભૂમિકગિરિ નીલેશગિરિ ગોસ્વામી (ઉ.વ. 20) નામના યુવાને જીવ ખોયો હતો. બીજીબાજુ ભચાઉના ચોપડવામાં અગાઉ
ઝેરી દવા પી લેનારા અશોક બાબુ લોદરિયા (ઉ.વ. 50)એ છેલ્લા શ્વાસ લીધા હતા. ભુજ સમીપેનાં હરિપરમાં 23 વર્ષીય યુવાન સન્ની રાજુ કોલીએ
આજે સવારે જીવનનો અંત આણ્યો હતો. ગઇકાલે મકરસંક્રાંતિ નિમિત્તે સૌ કોઇએ છત ઉપર ચડીને
આ ઉત્સવને મનાવ્યો હતો, જ્યારે મકલેશ્વરનગર-1માં યુવાનનાં મોતને પગલે શોકનું મોજું ફરી વળ્યું હતું. અહીં રહેનારા
ભૂમિકગિરિ નામના યુવાન પોતાનાં ઘર પાસે હતો, ત્યારે વીજ થાંભલામાં પતંગ અટવાઇ ગયો હતો, જેને કાઢવા
આ યુવાને સળિયા વડે પ્રયત્ન કર્યો હતો, જેમાં તેને વીજશોક લાગતાં
તે ગંભીર રીતે ઘવાયો હતો. આ યુવાનને સારવાર અર્થે અંજારની હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ
પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઉત્સવના પર્વ નિમિત્તે યુવાનનાં મોતને પગલે ભારે
ગમગીની પ્રસરી હતી. બીજીબાજુ ચોપડવામાં આપઘાતનો બનાવ બન્યો હતો. અહીં રહેનારા અશોક
લોદરિયા નામના આધેડે પોતાનાં ઘરે ગત તા. 11/1ના સવારના અરસામાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને
વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તા. 13/1ના તેમણે સારવાર દરમ્યાન છેલ્લા
શ્વાસ લીધા હતા. બનાવ પાછળનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીતરફ ભુજ
સમીપેના હરિપર ગામના કોલીવાસમાં રહેતો યુવાન સન્ની કોલીએ આજે સવારે 8.30 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય
કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. સન્નીને તેના પિતા રાજુભાઇ સારવાર અર્થે ભુજની જી.કે.
જનરલ હોસ્પિટલમાં લઇ આવતા ફરજ પરના તબીબે મૃત
જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાઇ હતી.