ખાદ્ય પદાર્થ કે ગૃહ ઉપયોગી વસ્તુઓ ગણતરીની મિનિટોમાં ગ્રાહકોના
ઘરઆંગણે પહોંચાડતા લોકોને કેન્દ્ર સરકારના એક નિર્ણયથી રાહત થઈ છે. હવે પછી તેઓ કોઈ
પણ વસ્તુ `ફક્ત દસ જ મિનિટમાં' ક્યાંય પહોંચાડવાના તણાવથી મુક્ત છે. જો કે,
તેમની સમસ્યા અને સંઘર્ષનો આ અંત નથી. ફક્ત થોડો શ્વાસ લેવાનો સમય તેમને
મળ્યો છે. તેમની દોડ યથાવત્ છે. `િગગ વર્કર્સ' એટલે કે સ્વીગી, ઝોમેટો, બ્લિન્કિટ
જેવી કંપનીઓમાં કામ કરતા ડિલિવરીબોય - વસ્તુઓ પહોંચાડતા કર્મચારીઓએ થોડા દિવસો પહેલાં
પોતાની મુશ્કેલીઓ અને કેટલાક ન મળતા અધિકારોની માંગ કરીને હડતાળ કરી હતી. કેન્દ્ર સરકારનાં
શ્રમ મંત્રાલયે આ બાબતને ગંભીરતાથી લીધી છે. આવા કામદારોની સલામતીને ધ્યાને રાખીને
હવે નક્કી થયું છે કે, કોઈ પણ કંપની કોઈ વસ્તુ દસ મિનિટમાં ઘરે
પહોંચી જશે તેવો દાવો નહીં કરી શકે. કામદારોએ આ વસ્તુ પહોંચાડવા માટે સમયનાં બંધનમાં
કામ કરવાનું નહીં રહે. સામાન્ય લાગે તેવી આ બાબત ગંભીર છે. ઘરે પિઝા, પાંઉભાજી કે પછી કરિયાણુ મગાવતા ગ્રાહકોને એમ હોય કે ગરમ અથવા તાજી વસ્તુ ઝડપથી
ઘરે આવી જાય છે, તો હોટેલ કે દુકાન સુધી શા માટે જવું
? વાસ્તવિકતા થોડી અલગ હોય છે. વસ્તુ પહોંચાડનાર કર્મચારી દસ મિનિટમાં
વસ્તુ પહોંચાડવા માટે ઝડપથી વાહન ચલાવે છે, ટ્રાફિક સિગ્નલ બંધ
હોય તો આગળ ઊભવા કે લાલ લાઈટ થાય તે પહેલાં ક્રોસ કરી જવા ઝડપથી વાહન ચલાવે છે. નિશ્ચિત
સ્થળે પહોંચવા માટે તેના મગજ ઉપર સતત દબાવ રહે છે, ઝડપથી વાહન
ચલાવવાથી જીવનું પણ જોખમ. આપેલું સરનામું શોધવું, ડિલિવરી કરવી,
અન્ય ઓર્ડર સ્વીકારીને ફરી પહોંચવું આ તેમની રોજિંદી ઘટમાળ અત્યંત તણાવપૂર્ણ
છે. આટલું કર્યા પછી પણ આર્થિક વળતર તો સંતોષકારક નહીં જ. આ પ્રકારે કામ કરતા અનેક
કામદારોને પગાર નહીં, પરંતુ પ્રોત્સાહક ભથ્થું મળે છે એટલે જેટલી
ઝડપથી તેઓ કામ કરે તેટલા રૂપિયા મળે. કેન્દ્રીયમંત્રી
મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ ક્વિક સર્વિસ ઈ- કોમર્સ પ્લેટફોર્મ `િબ્લન્કિટ'એ તમામ બ્રાન્ડમાંથી દસ મિનિટમાં ડિલિવરીનો દાવો
હટાવી દીધો છે. સંસદનાં શિયાળુ સત્રમાં `આપ'ના સાસંદ રાઘવ
ચઢ્ઢાએ પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. જો કે, ગ્રાહકો પણ બધા એવા
નથી જેઓ દસ મિનિટનો આગ્રહ રાખે. એક સર્વેક્ષણ અનુસાર 62 ટકા લોકો કહે છે, અમને આટલી ઝડપી આ વસ્તુઓ જોઈએ છે, પરંતુ કેટલીક જ વસ્તુ, બધી વસ્તુમાં ઝડપી ડિલિવરીની જરૂર
નથી, જ્યારે 38 ટકા લોકોએ આ `અલ્ટ્રાફાસ્ટ ડિલિવરી'ને બિનજરૂરી ગણાવી છે. કામદારોને ચોક્કસ રાહત થઈ છે, તણાવ હવે નહીં રહે. છતાં તેમની સામે કેટલાક પડકાર છે જેમ કે, ઓછું વળતર, આખો દિવસ શહેરોના વિવિધ વિસ્તારમાં વાહન ચલાવવાનો
માનસિક દબાવ, ગ્રાહકોને અપેક્ષા અનુસાર વસ્તુ ન મળે તો કંપની
ઉપરનો રોષ તેઓ આ કામદારો ઉપર ઠાલવે તેવું તો ઘણું બધું છે. સરકારે હવે આ ડિલિવરી કર્મચારીઓ
માટે સમયમર્યાદા દૂર કરાવ્યાનાં સારાં પગલાં-પહેલ બાદ ઓછામાં ઓછાં વળતરની નીતિ નક્કી
કરવા માટે કંપનીઓ ઉપર દબાણ કરવું જોઈએ. પ્રત્યેક ઓર્ડર પૂર્ણ થયે મળતું વળતર અને થોડું
ભથ્થું તો નજીવી રકમ કહેવાય. આ ઇન્સેન્ટિવ સિસ્ટમ જ ઝડપી ડિલિવરી માટે આ કામદારોને
દોડવા મજબૂર કરે છે. આ તમામ બાબતે હવે જાગૃતિની આવશ્યકતા છે. આવી ઘર સુધીની સેવા,
આ કામદારો શહેરીજીવનનો તો અભિન્ન હિસ્સો બની ગયા છે. તેમની સુખાકારી
અને સમાધાન માટે સૌએ સાથે મળીને વિચારવું રહ્યું.