• રવિવાર, 09 નવેમ્બર, 2025

પાંચમી ટી-20 રદ્દ; ભારતની ઓસી સામે શ્રેણીજીત

નવી દિલ્હી, તા. 8 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ વરસાદને કારણે ધોવાઈને રદ્દ થતાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 2-1થી ટી-20 શ્રેણી જીત થઈ હતી. ગાબાના મેદાનમાં રમાયેલી મેચમાં વરસાદના કારણે કોઈ પરિણામ આવ્યું નહોતું. ભારતે 4.5 ઓવરમાં કોઈપણ નુકસાન વિના 52 રન કર્યા હતા. બાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો અને મેચ આગળ રમાઈ શકાઈ નહતી. મુકાબલો રદ થવાની સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. વરસાદના કારણે રમત રોકવામાં આવી ત્યારે ભારતનો સ્કોર 4.5 ઓવરમાં 52 રન અને શૂન્ય વિકેટ હતો. ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા 13 બોલમાં 23 રન અને શુભમન ગિલ 16 બોલમાં 29 રન કરીને અણનમ રહ્યા હતા. બન્ને ટીમ વચ્ચે કેનબરા ટી20 મેચ પણ વરસાદના કારણે ધોવાઈ હતી. પછી ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ટી20 મેચ ચાર વિકેટે જીતી હતી. ભારતીય ટીમે જોરદાર વાપસી કરતાં હોબાર્ટ (5 વિકેટે) અને ગોલ્ડ કોસ્ટ (48 રને) ટી20મા ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી હતી. 2008 બાદથી ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના ઘરમાં ભારત સામે ટી20 શ્રેણી જીતી શકી નથી. ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને શુભમન ગિલ અને અભિષેક શર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે અર્ધસદીની ભાગીદારી થઈ હતી. અભિષેકને ચાર ઓવરમાં બે જીવનદાન મળ્યા હતા જ્યારે શુભમન ગિલ શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો. જો કે અંતે વરસાદે મેચ ઉપર પાણી ફેરવી દીધું હતું. આ મુકાબલા માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં મિડલ ઓર્ડર બેટ્સમેન રિંકૂ સિંહ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યારે તિલક વર્માને રેસ્ટ અપાયો હતો. બીજી તરફ મેજબાન  ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં ટી20 ક્રિકેટમાં કુલ 37 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતીય ટીમે 22 મેચમાં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 12 મુકાબલામાં જીત મળી છે. આ ઉપરાંત ત્રણ મેચનું પરિણામ આવી શક્યું નથી. 

Panchang

dd