જયપુર, તા. 13 : રાજસ્થાન રોયલ્સ ટીમનો મુખ્ય
કોચ રાહુલ દ્રવિડ હાલ ઇજાગ્રસ્ત છે. આમ છતાં તેઓ કાંખઘોડીના સહારા ટીમના કેમ્પમાં જોડાયા
છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળે છે કે, દ્રવિડ ગોલ્ફ કાર્ટ પર સવાર થઇને મેદાનમાં પહોંચે છે. તેમના પગમાં પ્લાસ્ટર
છે. તે કાંખઘોડીના સહારે ઉતરે છે. આ પછી તેઓ ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળે છે.
રાજસ્થાન રોયલ્સે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ઇજાગ્રસ્ત હોવા છતાં દ્રવિડે
કોચિંગ કાર્ય શરૂ કરી દીધું છે. તેમણે આજે કેમ્પમાં ટીમના યુવા ઓપનિંગ બેટર યશસ્વી
જયસ્વાલને કેટલીક બેટિંગ ટેકનીકની સમજ આપી હતી. આ પછી મધ્યમ ઝડપી બોલર તુષાર દેશપાંડે
સાથે પણ ચર્ચા કરી હતી. રાહુલ દ્રવિડને આ ઇજા કર્ણાટકના ક્રિકેટ એસો.ની એક સ્થાનિક
મેચ દરમ્યાન થઇ હતી. રન દોડતી વખતે તેમના પગના સ્નાયૂ ખેંચાઇ ગયા હતા, ત્યારે દ્રવિડે 28 દડામાં 29 રન કર્યાં હતા. આ મેચમાં તેનો
પુત્ર અન્વય પણ સામેલ હતો. તેણે 22 રન કર્યાં
હતા.