નવી દિલ્હી, તા. 25 : પહેલગામના
નરસંહાર બાદ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય દળોના હાથે પછડાટ ખાઈ ચૂકેલાં પાકિસ્તાનમાં
હવે ભારતની આગામી ત્રિશૂલ કવાયતને લીધે ફફડાટ ફેલાયો છે. ભારતે 30મી ઓક્ટોબરથી 10 નવેમ્બર દરમ્યાન કચ્છની અટપટી
સિરક્રીક સહિતના વિસ્તારમાં સેના, નૌકાદળ
અને વાયુસેનાની મોટી અને વ્યાપક ત્રિશૂલ કવાયતની જાહેરાત કરી છે. સિરક્રીકથી જેસલમેર
સુધી 10,000થી 28,000 ફૂટ સુધીનું હવાઈ ક્ષેત્ર બંધ
કરવામાં આવ્યું છે, ત્યારે પાકે
પોતાના મધ્ય અને દક્ષિણ ક્ષેત્રના કેટલાક હવાઈ રૂટ બંધ કરી નાખ્યા છે અને 28 તથા 29 ઓક્ટોબરના નોટિસ ટુ એરમેન
(નોટેમ) જારી કરી છે.અહીં એ નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ દશેરાના અવસરે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કચ્છમાં
જાંબાઝ જવાનોને સંબોધન દરમ્યાન પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, સિરક્રીક વિસ્તારમાં તે કોઈ પણ અવળચંડાઈ કરશે તો તેને એવો જવાબ આપવામાં આવશે
કે તેના ઈતિહાસ અને ભૂગોળ બદલાઈ જશે, હવે સિરક્રીક સહિતના વિસ્તારોમાં
જ ભારતની ત્રણેય પાંખની વ્યાપક કવાયત દળોની સજ્જતા ચકાસવાની સાથે નાપાક શત્રુને એક
મજબૂત સંદેશ પણ મનાય છે, ત્યારે પણ પાક ઉચાટમાં આવ્યું છે. સંરક્ષણના નિષ્ણાત ડેમિયન સાઈમોને સેટેલાઈટ
તસવીરો સાથે જણાવ્યું છે કે, ભારતની આ કવાયત તાજેતરનાં વર્ષોની
સૌથી મોટી અને નોંધપાત્ર હશે. ભારત પાકને એવો સંદેશ પણ આપશે કે, તેની લશ્કરી યંત્રણા સજ્જ છે અને ગમે ત્યારે, ગમે ત્યાં
હુમલો કરવા સક્ષમ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, તેના દેશે અચાનક
તેના મધ્ય અને દક્ષિણ હવાઈ ક્ષેત્રમાં ઘણા હવાઈ માર્ગો પર પ્રતિબંધો લગાવી દીધા છે.
પાકિસ્તાન દ્વારા જારી કરાયેલ આ પ્રતિબંધ 28 અને 29 ઓક્ટોબરથી
અમલમાં રહેશે. ઇસ્લામાબાદે પ્રતિબંધો માટે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી, પરંતુ સંરક્ષણ નિષ્ણાતો માને છે કે,
આ પગલું લશ્કરી કવાયત અથવા શત્ર પરીક્ષણ સાથે સંબંધિત હોઈ શકે છે. ભારતે
એક વ્યાપક ત્રિ-સેવા (સેના, નૌકાદળ અને વાયુસેના) કવાયત ત્રિશૂલની
જાહેરાત કરી હતી, જે
30 ઓક્ટોબરથી 10 નવેમ્બર દરમિયાન સિરક્રીક તથા
રાજસ્થાનની પાકિસ્તાન સાથેની સરહદો પાસે યોજાશે. સિરક્રીક વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદના
પશ્ચિમ કાંઠે સ્થિત છે અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. સૂત્રો
અનુસાર, આ કવાયત દરિયાઈ સુરક્ષા, સંયુક્ત જમીન અને હવાઈ કામગીરી અને સંભવિત દુશ્મન પ્રવૃત્તિઓના સંકલિત પ્રતિભાવ
પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિરક્રીક પાકના સૌથી મહત્ત્વના બંદરીય શહેર કરાચીથી બહુ નજીક
છે, ત્યારે આ કવાયતથી પાકની ચિંતા વધી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા
અનુસાર પાક સિરક્રીક વિસ્તારમાં પોતાની લશ્કરી હાજરી મજબૂત બનાવી રહ્યું હતું,
જેને લીધે રાજનાથે ભુજ ખાતેથી પાકને કડક ચેતવણી આપવી પડી હતી. કવાયત
ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા સંયુક્ત પ્રયાસો પર
ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જય
(જોઈન્ટનેસ, એક્શન ફોર ઇનોવેશન, આર્મી,
એરફોર્સ, નેવી) વિઝનને મજબૂત બનાવવાનો છે. કવાયત
વિસ્તાર પાકિસ્તાન સરહદની નજીક છે, જ્યાં એરસ્પેસ 28,000 ફૂટ સુધી આરક્ષિત કરવામાં આવ્યું
છે. મીડિયા અહેવાલ અનુસાર આ કવાયતમાં ખાડી ક્ષેત્રથી રણ સુધી આક્રમક દાવપેચ થશે. ગુપ્તચર
દેખરેખ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સાયબર ક્ષમતાઓનું પ્રદર્શન
કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભારત-પાકિસ્તાન
સરહદ નજીકના વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા ત્યારે આ માહિતી બહાર આવી હતી. જેસલમેરમાં,
તેમણે તનોટરાય માતા મંદિરની મુલાકાત લીધી અને 60 વર્ષ જૂના યુદ્ધના ઘા જોયા
હતા. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી અને યુદ્ધ કુહાડી કમાન્ડર મેજર જનરલ આશિષ ખુરાના
પણ સંરક્ષણ પ્રધાન સાથે હાજર હતા. કવાયત દરમ્યાન કરાચીથી જેસલમેર, જોધપુર અને અમદાવાદ સુધી બધું આવરી લેવામાં
આવશે. 28 હજાર ફૂટ સુધીની હવાઈ સીમા
ખાલી કરાશે. આનો અર્થ એ છે કે, યુદ્ધવિમાન,
મિસાઇલ પરીક્ષણ અથવા ડ્રોન સ્વોર્મ, કંઈપણનું પરીક્ષણ
થઈ શકે છે.