નવી દિલ્હી, તા. 21 : દિવાળીના
બીજા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે, એમસીએક્સ પર ટ્રાડિંગ
દરમિયાન, એક કિલો ચાંદીના ભાવમાં 8000 રૂપિયાનો
ઘટાડો થતાં ચાંદીનો ભાવ 1.5 લાખ રૂપિયાથી નીચે આવી ગયો હતો.
આ પહેલાં દિવાળીના દિવસે આઈબીજેએ પર ચાંદીના ભાવમાં 11000 રૂપિયાનો
ઘટાડો થયો હતો. બીજી તરફ ભારતીય શેરબજારમાં આ વર્ષના મુહૂર્ત ટ્રાડિંગ સત્રમાં
નજીવો સુધારો થવા સાથે બજાર સકારાત્મક અંકો પર બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 62.97 અંક
(0.07 ટકા) વધીને 84,426.34 પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી-50 ઈન્ડેક્સ
25.45 પોઈન્ટ (0.10 ટકા) વધીને 25,868.60 પર
બંધ થયો હતો. એક મીડિયા હેવાલ મુજબ,
શુક્રવારે એમસીએક્સ પર ચાંદીનો ભાવ 1.70 લાખ
રૂપિયાને વટાવી ગયો હતો, પરંતુ 20 ઓક્ટોબરે બજાર ખુલતાંની સાથે
ઘટીને 1.53 લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો.
ગઈકાલે એમસીએક્સ પર ટ્રાડિંગ બંધ થયું ત્યારે 1 કિલો ચાંદીનો ભાવ રૂા. 1.58 લાખથી
વધુ હતો, પરંતુ
મંગળવારે તેની કિંમત રૂા. 8,000થી વધુ ઘટતાં ચાંદી તેના વિક્રમી
ઉચ્ચતમ સ્તરથી રૂા. 20,000 પ્રતિ કિલો ઘટી ગઈ છે. બીજી તરફ
દિવાળીના શેરબજારના મુહૂર્ત ટ્રાડિંગ સત્રની શરૂઆત સારા વધારા સાથે થઈ હતી.
સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર લીલા નિશાનમાં ખુલ્યા હતા, જ્યારે બાકીના બે લાલ
નિશાનમાં ખુલ્યા હતા. જ્યારે નિફ્ટી-50ની 50માંથી 49 કંપનીઓના
શેર વધારા સાથે ટ્રેડ થવા લાગ્યા હતા અને માત્ર 1 કંપનીના શેર ઘટાડા સાથે ખુલ્યા
હતા. નોંધનીય છે કે, દરવર્ષે દિવાળીના અવસરે શેરબજારમાં થનારા મુહૂર્તના સોદાનો સમય સાંજના છથી
સાત વાગ્યા સુધીનો હોય છે, જ્યારે ચાલુ વર્ષે વિવિધ કારણોને
ધ્યાનમાં રાખી મુહૂર્ત ટ્રેડિંગ સત્રનો સમય 1.45 વાગ્યાનો કરાયો હતો.