તંત્રી સ્થાનેથી.. દીપક માંકડ : દિવાળી
ભારતીય જનજીવનને સર્વાધિક સ્પર્શનો લોકઉત્સવ બની રહ્યો છે. આ એવો તહેવાર છે જે
ભારતવર્ષમાં, વિદેશમાં એક સાથે ઊજવાય છે. સમય અત્યારે કસોટીકારક છે. બિહારમાં વિધાનસભા
ચૂંટણી જાહેર થઈ ચૂકી હોવાથી રાજકીય તખતો ગરમાગરમ છે. આવતાં વર્ષે દેશના સાથી
મોટાં રાજ્ય ઉત્તરપ્રદેશમાં ચૂંટણી થવાની છે. ઉત્તરપટ્ટાના બિહારનો લોકમિજાજ
ભવિષ્યને લગતા સંકેતો આપશે. દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2047 સુધી
વિકસિત રાષ્ટ્ર બનવાના નિર્ધાર સાથે આગળ ધપી રહ્યો છે. પહેલગામ હુમલા પછી સંયમિત
પણ સજ્જડ પ્રતિક્રિયારૂપ `ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતનું સામર્થ્ય
અને મિજાજ દુનિયાએ જોઇ લીધો. દેશ-વિદેશમાં ભારતનો વધતો પ્રભાવ, મોદીની સ્ટેટમેનશિપથી વિશ્વના અનેક નેતા ભયભીત છે. લાંબો સમય પશ્ચિમી જગતે
પોતાનું ધાર્યું કર્યું, પશ્ચિમ એશિયાના ભારત સહિતના વિકસિત
દેશો અમેરિકા-બ્રિટન જેવા દેશોની સહાય પર નભતા, વિદેશનીતિ
પ્રભાવિત રહેતી... આજે સિનારિયો પલટી ચૂક્યો છે. મોદી મક્કમતાથી ટ્રમ્પને `નો' કહી દે છે. અમેરિકામાં
ભારતીય વ્યવસાયીઓ કે છાત્રોને પીછેહટ કરાવતો નીતિ બદલો આપણા પ્રત્યેથી ઈર્ષ્યા
પ્રેરિત જ છે.
ભારત કદી ઝૂક્યું નથી
અયોધ્યામાં રામરાજ્યની સ્થાપના
થઈ એ પહેલાં પ્રભુ શ્રીરામે પણ આકરી પરીક્ષામાંથી પસાર થવું પડયું હતું. ટેરિફ
બોમ્બ છતાં ભારત ઝૂક્યું નથી. મોદી સરકારે જીએસટીમાં મોટી રાહત જાહેર કરી દીધી છે.
ગરીબ, મધ્યમવર્ગથી
માંડીને અમીર વર્ગ ખુશ છે. બજારમાં રોનક દેખાવા લાગી છે. આ પગલાં પાછળ વિચક્ષણ
ગણતરી છે, ઘરેલુ ઉત્પાદનોને વેગ આપવાની, શા માટે વિદેશી ચીજોનો મોહ રાખવો. ભારતના યુવાનો, વિજ્ઞાનીઓ,
સંશોધકો-પ્રોફેશનલ્સ પ્રતિભાશાળી છે. આપણા ઉત્પાદનો ગુણવત્તાયુક્ત
રહેશે, તો વિદેશથી આયાતની જરૂરત જ નહીં રહે, નરેન્દ્રભાઈ મોદીએ લોકલ ફોર વોકલ સાથે સ્વદેશીનું આપેલું સૂત્ર સૌએ
આત્મસાત કરી લેવાની જરૂર છે. સ્થાનિક બજારને ધમધમતી રાખવા માટેની ખાસ યોજના સરકારે
તૈયાર કરી છે. પશ્ચિમ જગતના અહંકાર પર આ દિવાળીએ પહેલું તીર છૂટી ચૂક્યું છે.
અત્યારનો સમય - કમસે કમ એક દાયકો 2047ના સમૃદ્ધ ભારતનો રોડમેપ તૈયાર
કરવાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ સપનું સાકાર કરવા માટે દરેક નાગરિકે પોતાનો
ધર્મ બજાવવો પડશે, પૂરી નિષ્ઠા-પ્રામાણિકતા અને પ્રખર રાષ્ટ્રભક્તિ સાથે. ભારત વિશ્વની વિરાટ
બજાર છે. અહીંની ખરીદશક્તિ અછાની નથી.
કચ્છ કેન્દ્રવર્તી વિકાસ ક્રિપ્ટ
ભારતની વિકાસયાત્રાની ક્રીપ્ટ
તૈયાર છે, તેમાં
ગુજરાત અને કચ્છે ચાવીરૂપ ભૂમિકા ભજવવાની છે. દીપોત્સવી તહેવારો પૂર્વે જ
વાયબ્રન્ટ ઈન્વેસ્ટર સમિટનો શુભારંભ થઈ ચૂક્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના
નેતૃત્વ હેઠળ ગુજરાતે આ વાયબ્રન્ટમાં નવતર પહેલ કરી છે. અત્યાર સુધી વાયબ્રન્ટ
સમિટ ફક્ત ગાંધીનગર મહાત્મા મંદિર પૂરતી સીમિત રહેતી.. આ વખતે રાજ્યના ચાર વિભાગ
પાડીને સ્થાનિકે આયોજન થઈ રહ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ
તંત્રીઓ સાથેની બેઠકમાં જે કહ્યું હતું એ કચ્છ માટે ઘણું મહત્ત્વનું છે. તેમણે
કહ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમગ્ર દેશ માટે દીવાદાંડી પુરવાર થઈ છે. સમૃદ્ધ ગુજરાત,
સમૃદ્ધ રાષ્ટ્રનો ગેટ વે છે... વાયબ્રન્ટ વિચાર ક્લીક થઈ ગયો હવે આ
પ્રયાસ રાજ્યના દરેક ખૂણા સુધી લઈ જવાશે. રિજિયન સાથે પ્રાદેશિક ક્ષેત્રો સમૃદ્ધ
બનશે, તો આપોઆપ
ગુજરાત મજબૂત થશે. યુવાનો-મહિલાઓને સ્થાનિકે રોજગારી મળશે.
વાયબ્રન્ટનો ઉમદા દૃષ્ટિકોણ
વિચાર ખૂબ ઉમદા છે. ગુજરાતના
દરેક ક્ષેત્રની પોતાની વિશિષ્ટતા છે. સામર્થ્ય છે. ઉત્તર ગુજરાત મસાલા અને ડેરી
પ્રોડક્ટની ભૂમિ, સૌરાષ્ટ્રમાં મશિન ટૂલ્સ લઘુ ઉદ્યોગો ને સિરામિક ઉદ્યોગના વિકાસની ભરપૂર
તકો છે. કચ્છ પ્રવાસન, સજીવ ખેતી ઉત્પાદનો, હસ્તકળાથી સમૃદ્ધ છે. વળી દુનિયાભરના મહાકાય ઉદ્યોગગૃહો કચ્છમાં ધમધમતાં
થયાં છે.
વિદેશ પરની નિર્ભરતા ઓછી કરીને
પોતીકી ક્ષમતા પિછાણી તેને વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડવાનું વિચારબિંદુ, વાયબ્રન્ટના કેન્દ્રમાં
છે.
હવે થોડી કચ્છની વાત. ઈશ્વર
કૃપાએ વધુ એક ચોમાસું સારું રહ્યું. વરસાદની તાલુકાવાર સરેરાશ ઉપર-નીચે રહી. વળી
મેઘરાજાએ નવરાત્રિ સુધી ધામા નાખતાં ખેડૂતોની ગણતરીમાં ગરબડ જરૂર થઈ. આ ધરતી હંમેશ
પાણીની પ્યાસી રહી છે. કચ્છીજણ પાણીની કિંમત સમજે છે. એટલે વધુ વરસાદ થાય તો પણ
લોકો મેઘરાજાને કોષતા નથી. લગાતાર સારાં ચોમાસાં ઉપરાંત કચ્છે છેલ્લા અઢી દાયકાથી
ઔદ્યોગિક વિકાસ જોયો. હવે ગ્રીન ઊર્જા અને માળખાંકીય ક્ષેત્રે કચ્છ નવી છલાંગ
લગાવવા જઈ રહ્યું છે.
રેલવે ક્ષેત્રે ક્રાંતિ
રોડ-રસ્તાનું નેટવર્ક મજબૂત બની
રહ્યું છે. એ સાથે રેલવે લાઈનોનોય કચ્છમાં
વિસ્તાર થઈ રહ્યો છે. પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત કેન્દ્ર સરકારે
દેશલપર, તુણા,
હાજીપીર, વાયોર અને લખપતને સાંકળતા 145 કિલોમીટર
લંબાઈની નવી રેલવે લાઈનના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રૂા. 2526 કરોડની
આ પરિયોજનાથી પશ્ચિમ કચ્છના વિકાસનો નવો સૂરજ ઊગશે. કચ્છના ખનિજ ઉદ્યોગ અને
પ્રવાસનને જબ્બર ફાયદો થશે.
કચ્છ હવે એકમાત્ર જિલ્લો ન
રહેતાં દેશ માટે ઊર્જામથક બની રહ્યું છે. અદાણી પછી રિલાયન્સ જંગી મૂડીરોકાણ
ઠાલવીને રણ વિસ્તારમાં ગ્રીન એનર્જી ઉત્પાદનમાં આવી રહ્યું છે. દીનદયાળ પોર્ટ
ટ્રસ્ટે ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે મોટી પહેલ કરી છે એની પણ નોંધ લેવી રહી.
ઓપરેશન સિંદૂર
આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિના
મહત્ત્વનું કેન્દ્ર બનવા સાથે સુરક્ષાની
દૃષ્ટિએ કચ્છની સંવેદનશીલતા વધી છે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને કચ્છ તરફ
નિષ્ફળ ડ્રોન હુમલા કર્યા હતા. સીમાવર્તી પ્રદેશની રાષ્ટ્રવાદી જનતાએ વધુ એકવાર
હિંમતભેર સ્થિતિનો સામનો કરીને સજાગતા દર્શાવી હતી. આપણી બહાદૂર ફોજે `કર્મણ્યેવાધિકારસ્તે
મા ફલેષુ કદાચન' મંત્રનો મહિમા પાકિસ્તાનને સમજાવી દીધો છે. વડાપ્રધાન શ્રી મોદી અને
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કચ્છની ધરતી પર પાકિસ્તાનને ચોખ્ખો હિસાબ કહ્યો કે...
ભારતના નરબંકા જવાનોના હાથ વાર કરવા સળવળી રહ્યા છે... તારું શું થશે એ તારા
(પાકના) હાથમાં છે.
કચ્છમિત્રની ભૂમિકા
દિવાળી વેકેશન સાથે કચ્છમાં
પ્રવાસન ધમધમવા લાગ્યું છે. કચ્છમિત્રએ પ્રજાભિમુખ અખબાર તરીકે પોતાની ભૂમિકા વધુ
વિસ્તારી છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને બીજા દાતાના સહકારથી ગ્લોબલ કચ્છ સાથે
રહીને ભૂખી તથા કાસવતી નદીને પુનર્જીવિત કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ
ધરવામાં આવી રહ્યો છે. સાથે કચ્છમાં પ્રવાસીઓ બારેમાસ આવતા થાય એ પ્રકારની
માળખાકીય સુવિધા વિકસે, રુટ તૈયાર થાય એવા ઉમદા હેતુસર હોસ્પિટાલિટી એસોસીએશન સાથે રહીને પ્રવાસન
કોન્ક્લેવ પણ યોજવામાં આવી રહ્યો છે.
સર્વાંગી વિકસિત કચ્છ, સશક્ત અર્થતંત્ર,
શુદ્ધ આબોહવા, સમૃદ્ધ પર્યાવરણ કચ્છનું સપનું
છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા અને ટ્રસ્ટી મંડળનાં
માર્ગદર્શન હેઠળ કચ્છમિત્રને આ લક્ષ્ય સિદ્ધ કરવા નવી ભૂમિકામાં સક્રિય કર્યું છે.
પ્રકાશના પર્વે ઈશ્વરને
પ્રાર્થના કરીએ કે, આવનારું વર્ષ ભરપૂર વરસાદ સાથે સુખ-સમૃદ્ધિ લાવે. `સ્વદેશી
અપનાવીએ' એ
મંત્ર સાથે ઉન્નત ભારત, અગ્રેસર ગુજરાત, વિકસિત કચ્છનો સંકલ્પ પૂરો કરવાની દિશામાં ઝડપભેર આગળ વધીએ એ જ કામના.
અંધકાર થયા દૂર
કાળી રાતની સાથે
નવી સવાર ઊગી
દિવાળીના ઉજાશે
સૌને નૂતન વર્ષની ઢગલાબંધ
શુભેચ્છા..