• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

બિહારની ચૂંટણી રસાકસી તરફ

લોકસભાની ચૂંટણીમાં નીતીશકુમારના પક્ષે એનટીએ- નરેન્દ્રભાઈની સરકારને સમર્થન આપ્યું ત્યાર પછી બિહાર પ્રાંતમાં પ્રથમવાર યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી રસપ્રદ તો રહેવાની જ હતી, પરંતુ હવે ત્યાં બન્ને તરફ રસાકસી કે રસ્સાખેંચ શરૂ થઈ છે. એનડીએમાં મુખ્યમંત્રી પદ માટે શોર શરૂ થયો છે. સામે મહાગઠબંધનમાં તો સીટની ફાળવણી માટે જ વિખવાદ શરૂ થઈ ગયો છે. બિહારની ચૂંટણી પ્રતિષ્ઠાની પારાશીશી બની રહેવાની છે. એનડીએમાં તો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ કોઈ પણ બાજી સંભાળવા સક્ષમ છે. ત્યાં કોઈ વિવાદ થશે તો પણ તરત શમી જવાની સંભાવના વધારે છે. નીતીશકુમાર કે અન્ય કોઈ પણ ઘટકદળના સદસ્ય કંઈ પણ કરે કે કહે આખરે હાથ ભાજપનો ઉપર રહેશે, પરંતુ સામે મહાગઠબંધનમાં તો તડા વધ્યા તો કોઈ સાંધી શકશે નહીં, વિજય તો દૂરની વાત છે બિહારમાં નોંધપાત્ર બેઠકો પણ મેળવવી હશે તો તેણે સંયમથી વર્તવું પડશે. ચૂંટણી જ્યાં સુધી જાહેર નહોતી થઈ ત્યાં સુધી બધું બરાબર હતું. તારીખો આવી ત્યારથી બિહારની રાજનીતિમાં ગરમી અનુભવાઈ. મહાગઠબંધનના  નેતાઓમાં પહેલાં સંપ હતો. વોટચોરીના આક્ષેપ સાથે તેમણે અભિયાન ચલાવ્યું, પરંતુ હવે અંદર-અંદર તકરાર છે. બેઠકોની વહેંચણીના મામલાને પાછળ ઠેલવામાં આવ્યો. ઉમેદવારીપત્રો ભરવાની પ્રથમ તબક્કાની તો તારીખ પણ જતી રહી. મહાગઠબંધનમાં આરજેડીની જીદ હોવા છતાં મુખ્યમંત્રી પદ માટે નામ જાહેર કરવા કોંગ્રેસ રાજી નથી. આ ગઠબંધનમાં રહેલા સીપીઆઈના સભ્યો તેજસ્વી યાદવનું સમર્થન કરે છે, પરંતુ સત્તાવાર રીતે તેમને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાવવા સામે તેઓનો વાંધો છે. એન.ડી.એ. તરફથી ગૃહમંત્રી અમિત શાહ અને પછી ચિરાગ પાસવાન બન્ને કહી ચૂક્યા કે, ચૂંટણીનાં પરિણામો પછી ધારાસભ્યો મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે. ત્યાર પછી જેડીયુના પ્રવક્તાએ કહ્યું કે, મુખ્યમંત્રી તો નીતીશકુમાર જ બનશે. આ મુદ્દે ચર્ચા સારી એવી ચાલી. ગુજરાતમાં નવા મંત્રીમંડળનો શપથવિધિ હતો તેની આગલી સાંજે જ અમિતભાઈએ બિહારની પણ મુલાકાત લેવી પડી. જો કે, એનડીએ માટે આવા પ્રશ્નોનો ઉકેલ પ્રમાણમાં સહેલો છે. સવાલ મહાગઠબંધનનો છે. બિહારની ચૂંટણી સંદર્ભે તેણે ઘણા સમય અગાઉથી આયોજન કર્યું, પરિશ્રમ કર્યો. ચૂંટણીપંચ સામે પણ સીધા ઘર્ષણમાં ઊતર્યા. હવે જ્યારે શંખ ફૂંકાયો છે ત્યારે જ તિરાડ પડી છે. મહાગઠબંધનની આંતરિક લડાઈનો વિરોધ કેટલી બેઠકો ઉપર અસર કરે છે તે જોવાનું રહેશે. એનડીએમાં ભૂતકાળનો અનુભવ ધ્યાને લઈએ તો એલજેપી અને જેડીયુ ઘણી બેઠકો ઉપર સામસામે આવવાની શક્યતા છે. ભાજપ અને જેડીયુ મુખ્યમંત્રી પોતાના બને તે માટે સાથીપક્ષની જ કેટલીક બેઠકો વધવા દે છે તે પણ અગત્યનું છે.

Panchang

dd