ભુજ, તા. 25 : બે-અઢી માસ પૂર્વે શહેરના એરપોર્ટ રોડ
પર આશાપુરા નગરનાં ગીતા કોટેજિસમાં સુખપરના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની
દંડ ફટકારી ત્રણ લાખ માંગીને 60 હજાર પડાવ્યાના
બનાવમાં ત્રણ મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ચકચારી કેસમાં નાસતી મહિલા
આરોપી નીતાબેન નાથાલાલ પટેલ (રહે. આશાપુરા નગર, ભુજ)ને સામખિયાળીથી પોલીસે ઝડપી પાડી હતી. આ ચકચારી હનીટ્રેપની પાંચ ઓગસ્ટના
નોંધાયેલી ફરિયાદની ટૂંક વિગત એવી છે કે, સુખપરના વૃદ્ધને આરોપી
હેમલતા ઉર્ફે સોનુએ ફોન કરી મોહજાળમાં ફસાવી વૃદ્ધને એકાંતમાં મળવા બોલાવ્યા હતા. ફરિયાદ
નોંધાવ્યાના દોઢેક માસ અગાઉ આરોપી મુસરાબેન પઠાણ (રહે. ગીતા કોટેજિસ, આશાપુરા નગર, ભુજ)ના કબજાનાં મકાનમાં લઈ જઈ ત્યાં અગાઉથી
ગોઠવાયેલાં ષડયંત્ર મુજબ મુસરાની સ્વખુશીથી ફરિયાદી સાથે અંગત પળો દરમ્યાન આરોપીઓ કમલેશ
દયાપ્રસાદ વર્મા, ભગવતકુમાર ઓમપ્રકાશ રાણા અને ટૂંકાવાળવાળી અજાણી
મહિલા ત્યાં આવી પહોંચી તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ફરિયાદીને દંડા વડે માર મારી
કમલેશે તેની કમર પર લટકાવેલી રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે આરોપી
મુસરાએ બળજબરીની કોશિશ અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી ડરી ગયેલા ફરિયાદી
પાસે ત્રણ લાખની માગણી કરી હતી અને ફરિયાદી પાસેથી બળજબરીથી 60 હજાર પડાવી લીધા હતા. આ ફરિયાદ
બાદ આરોપી કમલેશ, ભગવત અને મુસરાબેન
મજીદખાન પઠાણ (રહે. ત્રણે આશાપુરા નગર, ગીતા કોટેજિસ,
ભુજ)ની પોલીસે ધરપકડ કરી લીધી હતી. દરમ્યાન આ ચકચારી કેસમાં નાસતી ફરતી
મહિલા આરોપી નીતાબેન નાથાલાલ પટેલ (રહે. હનુમાન મંદિર પાસે, આશાપુરા
નગર, ભુજ)વાળી હાલ સામખિયાળી બાજુ હોવાની પોલીસને બાતમી મળતા
એલસીબીની ટીમે સામખિયાળીનાં બસ સ્ટેશન પાસેથી નીતાબેનને હસ્તગત કરી એ ડિવિઝન પોલીસને
સોંપવામાં આવ્યાં છે.