ભુજ, તા. 25 : મુંદરા તાલુકાનાં મોટી ભુજપુરનો
એક પરિવાર નવાં વર્ષે સવારે ઘર બંધ કરી સંબંધીને શુભેચ્છા પાઠવવા ગયો હતો અને બપોરે
પરત આવતાં ઘરમાં ખાતર પડયાની ઘટના સામે આવી હતી. તસ્કરો બંધ ઘરના બન્ને રૂમના દરવાજાનાં
તાળાં તોડી તિજોરીના બોક્સમાંથી રૂા. 1.87 લાખના સોના-ચાંદીનાં ઘરેણા ઉઠાવી ગયા હતા. આ ઘરફોડ ચોરી અંગે
મુંદરા પોલીસ મથકે, મોટી ભુજપુરના
જબલપુર વાડી વિસ્તારમાં નર્મદા કેનાલની બાજુમાં રહેતા ખેડૂત એવા નારણભાઈ હરદાસભાઈ ગાંગિયા
(ગઢવી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 22/10ના નવાં વર્ષે સવારે આઠેક વાગ્યે તેમનો તથા ભાઈનો પરિવાર ઘર
બંધ કરી સાળાનાં ઘરે મંગરા ગયા હતા અને અન્યોને નવાં વર્ષની શુભેચ્છા પાઠવી બપોરે બારેક
વાગ્યે ઘરે પરત આવતાં ઘરના બન્ને રૂમનાં તાળાં ન હતા અને કડી મારેલી હતી. ઘરનો દરવાજો
ખોલતા તિજોરી ખુલ્લી હતી. કોઈ અજાણ્યા ચોર ઈસમો સાડા ત્રણ તોલાની સોનાની ઝરમર કિં.
રૂા. 1,05,000 અને દોઢ તોલાના કાનનાં પાંદડા
કિં. રૂા. 45,000 ઉપરાંત ચાંદીનાં નેવર, બે પોંચી, બે ઝાંઝર અને
રોકડા રૂા. 26000 એમ કુલ રૂા.
1,87,000ની ચોરી કરી લઈ ગયા હોવાની
ફરિયાદ મુંદરા પોલીસ મથકે નોંધાવાઈ છે.