• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

કંડલા : નકટી પુલ ગમે ત્યારે બેસી જવાનો ભય

ગાંધીધામ, તા. 20 : દેશના અવ્વલ નંબરના પોર્ટ કંડલાના દીનદયાળ બંદર ઉપર દરરોજ હજારોની સંખ્યામાં તોતિંગ વાહનો આવતાં-જતાં હોય છે. કંડલા બાજુ જવા નકટી પુલનો ઉપયોગ કરાય છે, પરંતુ તે જર્જરિત થઇ?જતાં તે ગમે ત્યારે બેસી જવાની સંભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે. જો આવું થાય તો મોટી જાનહાનિ કે માલહાનિ થવાની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. દેશના અવ્વલ નંબરના બંદર તથા અહીં આવેલા ટેન્ક ટર્મિનલોમાં દરરોજ હજારોની સંખ્યામાં તોતિંગ વાહનો આવ-જા કરતાં હોય છે. આવા માલવહન વાહનોની સાથોસાથ ડી.પી.એ., ઇફકો તથા ખાનગી કંપનીની બસો કર્મચારીઓને લઇ જતી-આવતી હોય છે તેમજ છકડા, રિક્ષા, દ્વિચક્રીય વાહનો પણ દોડતાં હોય છે. કંડલા જવા માટે મચ્છુનગરવાળા કે નકટી પુલવાળા માર્ગનો વાહનચાલકો ઉપયોગ કરતા હોય છે. મચ્છુનગરવાળા રોડ ઉપર રેલવે ફાટક તથા તૂટેલા માર્ગના કારણે વાહનો નકટી પુલવાળા માર્ગ પરથી પસાર થતાં હોય છે. વરસો પહેલાં બનાવેલો નકટી પુલ હાલમાં જર્જરિત હાલતમાં છે, તેના નીચેના સળિયા પણ બહાર આવી ગયા છે. કોઇ મોટું વાહન પસાર થાય ત્યારે નીચેના ભાગેથી પોપડાં પડતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કંડલાથી ગાંધીધામ જવાના માર્ગ ઉપર પુલની એકબાજુ બેસી ગઇ?હોવાનું પણ બહાર આવ્યું હતું. આવામાં કર્મચારીઓ ભરીને જતી બસ કે તોતિંગ વાહન ત્યાંથી પસાર થાય ત્યારે જો આ પુલ તૂટી જાય તો ભારે જાનહાનિ કે માલહાનિ થવાની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. આવું થાય તે પહેલાં આ પુલની મરંમત કરવા અથવા નવો બનાવવા લોકોમાં માંગ ઊઠી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang