ગાંધીધામ, તા. 23 : અહીંની સ્ટર્લિંગ રામકૃષ્ણ
સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રામકૃષ્ણ
સેવા ટ્રસ્ટ અને ગાંધીધામ શહેર ટ્રાફિક પોલીસના સહયોગથી મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું
હતું. નાગરિકોમાં માર્ગ સલામતી જાગૃતિ અને
આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવાના હેતુથી રોટરી સર્કલ ખાતે આયોજિત
કાર્યક્રમમાં લોકોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ પહેલ અંતર્ગત 1000થી વધુ સેફ્ટી બેલ્ટનું દ્વિચક્રી વાહનચાલકોને વિતરણ કરાયું હતું. આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે
સલામતીનાં સાધનો પહેરવાના મહત્ત્વ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વેળાએ સ્ટર્લિંગ હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા
નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું પણ આયોજન કરાયું
હતું. આ વેળાએ આરોગ્ય સુખાકારીની પાયાની બાબતો અંગે પણ લોકોને સમજ આપવામાં આવી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલના ફેસિલિટી ડાયરેક્ટર અભિષેક
શર્માએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતી
અનો સારું સ્વાસ્થ્ય એક બીજા સાથે જોડાયેલા છે. સેફ્ટી બેલ્ટ રસ્તા ઉપર જીવન બચાવે
છે, જ્યારે નિયમિત આરોગ્ય તપાસ રોગનાં નિવારણમાં મદદ કરે છે, તેવું કહી નાનાં નિવારક પગલાં જીવન
બચાવવામાં નોંધપાત્ર ફરક લાવી શકે છે તેવું
ઉમેર્યું હતું. હોસ્પિટલના એમ.ડી. અને સી.ઈ.ઓ. સંતોષ મેરઠે કહ્યું હતું કે, જાગૃતિ એ નિવારણ તરફનું પ્રથમ પગથિયું છે. માર્ગ સલામતી, આરોગ્ય સંભાળ અને સમુદાય માટે સુખાકારીને પ્રોત્સાહન આપવા આ પ્રકારના જાગૃતિ
કાર્યક્રમ યોજવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ પૂર્વ કચ્છ પોલીસવડા સાગર
બાગમાર, રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ મોહન ધારશી ઠક્કર, નંદલાલ ગોયલ, ગંગારામ ઠક્કર, દેવેન્દ્ર બંસલ, શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.