• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

કે.કે.એમ.એસ.-અંજાર અને રાયધણપર હાઈસ્કૂલને મળ્યું શ્રેષ્ઠ શાળાનું સન્માન

ભુજ/અંજાર, તા. 23 : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય અને જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓ જાહેર કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલને (શહેરી) વિસ્તાર અને સરકારી હાઈસ્કૂલ રાયધણપરે (ગ્રામ્ય) કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. બંને શાળાને એક-એક લાખનું ઈનામ આપવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે બન્ને શાળાને અભિનંદન પાઠવ્યાં હતાં. જિલ્લાના વર્ગ-2 આચાર્યો, બી.આર.સી. અને સી.આર.સી. કો. ઓર્ડિનેટર તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષકની ટીમ દ્વારા શાળાઓની મુલાકાત લઈ વિગતો ચકાસવામાં આવેલી ત્યારબાદ જિલ્લાની પસંદગી સમિતિ દ્વારા ગુણાંકન રાજ્યકક્ષાએ મોકલવામાં આવ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, રાજ્યકક્ષા)એ બંને શાળાને અભિનંદન પાઠવ્યાં હતાં. આ શાળાના ભુતપૂર્વ વર્ગ-2 આચાર્ય શિવુભા એસ. ભાટીના નેતૃત્વ હેઠળ શાળાએ આ સિદ્ધિ મેળવી છે. તેવું ઈન્ચાર્જ આચાર્ય જ્યોતિબેન ગુંસાઈએ જણાવ્યું હતું. શાળાના ભુતપૂર્વ આચાર્ય શ્રી ભાટીના નેતૃત્વમાં વર્ષ 2018-19માં લોડાઈ હાઈસ્કૂલને આ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. સરકારી હાઈસ્કૂલને પુરક સુવિધાઓ આપવામાં બી.કે.ટી. કંપનીએ અનુદાન આપ્યું હતું. ગામ લોકો અને વાલીગણ વતી રમેશ આહીર, કરશન આહીર, માદાભાઈ બરાડિયા વગેરેએ આભાર વ્યક્ત કર્યો હતો. શાળાનું પરિણામ, સ્વચ્છતા, શાળામાં ભૌતિક સુવિધાઓ, અભ્યાસ સંલગ્ન પ્રવૃત્તિઓ, ખેલકૂદ સહિતના વિષયમાં  જિલ્લા અને રાજ્યકક્ષાની સિદ્ધિઓ, અભ્યાસ ઉપરાંતના અન્ય વિષયો ઉપર સહઅભ્યાસ  સહિતના માપદંડોને  કેન્દ્રમાં મૂકી મુલ્યાંકન હાથ ધરાયુ હતું, જેમાં જિલ્લાકક્ષાએ શહેરી વિસ્તારની શ્રેષ્ઠ શાળા તરીકે કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલનું નામ જાહેર કરાયું હતું.  શિક્ષણ ક્ષેત્રે સતત ગુણવતા, શિસ્ત અને નવીનતા સાથે છેલ્લાં 64 વર્ષથી  કાર્યરત ગુજરાતની સૌથી મોટી કન્યાશાળા  કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં હાલમાં 1500 જેટલી વિદ્યાર્થિની અભ્યાસ કરી રહી છે.  

Panchang

dd