• રવિવાર, 08 નવેમ્બર, 2026

ગાંધીધામની બજારમાં દિવાળીનો ચળકાટ

કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 7 : કચ્છના લલાટે વધુ એક કાળામુખા દુષ્કાળ, વૈશ્વિક કક્ષાએ વિવિધ મોરચે અસ્થિરતા મંદી અને મોંઘવારીના માર વચ્ચે  હર્ષ અને ઉત્સાહના  દીપોત્સવી પર્વમાં અવનવી ઝળહળતી  લાઈટોથી સજ્જ ગાંધીધામની બજારમાં ઓનલાઈન ખરીદીનાં આક્રમણ વચ્ચે છેલ્લી ઘડીએ બજારનો રાજા  ખરીદી કરવા માટે નીકળતાં સ્થાનિક દિવાળીની ખરીદીની રોનક પાછી આવી હોવાનું  ચિત્ર ઉપસ્યું હતું. છેલ્લા લાંબા સમયથી ગાંધીધામની મુખ્ય બજારમાં સારા વેપારની પ્રતીક્ષા કરી રહ્યા હતા. નોકરિયાત વર્ગના ખિસ્સામાં પગાર સાથે બોનસ ઉમેરાયુ હતું. નાના  અને મધ્યમવર્ગ સહિતના લોકો સ્થાનિક બજારમાં ખરીદી માટે  નીકળ્યો હતો. મુખ્ય બજારમાં આવેલા દીવડા, ગૃહસુશોભન સહિતની ચીજવસ્તુઓની ખરીદીમાં આકર્ષણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત  મુખ્ય બજારમાં આવેલી વચલી બજારમાં કપડાં, અવનવી લાઈટો,  ઝુમ્મર, ભગવાનને શણગારવાની વસ્તુઓ વિગેરેમાં લોકોનો  ધસારો જોવા મળ્યો હતો તેમજ  છેલ્લી ઘડીએ  મહિલા, પુરુષો તથા બાળકોનાં વત્રો ખરીદી માટે લોકોએ રીતસરની દોટ મૂકી હોવાનાં દૃશ્યો જણાયાં હતાં. ઓનલાઈન ખરીદીમાં સારા વળતર  આપવાની હરીફાઈ વચ્ચે સ્થાનિક વેપારીઓ પણ ગ્રાહકોને આકર્ષણ અને સારું વળતર સહિતની યોજનાઓ સાથે મેદાનમાં ઉતર્યા હતા. મોબાઈલ તથા ઈલેક્ટ્રોનિક આઈટમની ખરીદી  માટે લોકો પસંદગી કરતા નજરે પડયા હતા. તો બીજી બાજુ  સોના-ચાંદીના ભાવોમાં ઘટાડો થતાં   વિભિન્ન પ્રકારની લાઈટો સાથે જીવંત બનેલી સોના-ચાંદીની દુકાનોમાં પણ ખરીદી માટે લોકોની ચહલપહલ જણાઈ હતી. આ ઉપરાંત રોજિંદી જીવન જરૂરિયાત વસ્તુઓના મોલ, કપડાંના મોલ, ઈલેક્ટ્રિકલ મોલમાં ગ્રાહકો ખરીદી માટે ઊમટી પડયા હતા. ટાગોર રોડ ઉપર આવેલી ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરેન્ટમાં પણ પસંદગીની વાનગી આરોગવા માટે સ્વાદપ્રેમીઓ પ્રતીક્ષા કરતા પણ ધ્યાને આવ્યા હતા. દીપોત્સવી પર્વની શરૂઆતના તબક્કાના માહોલમાં  બજારમાં સુનકાર ભાસતો  જોવા મળ્યો હતો, જેને લઈને સ્થાનિક વેપારીઓમાં ચિંતા  પ્રસરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ઘરાકી નીકળી  પડતાં વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd