• રવિવાર, 08 નવેમ્બર, 2026

ગાંધીધામના ટાગોર રોડ ફ્લાયઓવર નીચેનો અંડરપાસ અકસ્માત સર્જે તે પહેલાં બંધ કરો

ગાંધીધામ, તા. 7 : સંકુલની જીવાદોરી સમાન અને ચોવીસે કલાક ધમધમતા ટાગોર રોડ પર ઋષભ ટાયરથી સેક્ટર 1-એ સુધી આવેલા ફ્લાયઓવર નીચે બનાવવામાં આવેલો નાનો અંડરપાસ હાલ વાહનચાલકો તથા રાહદારીઓ માટે જીવલેણ અકસ્માત ઝોન બની રહ્યો હોવાની ગંભીર ફરિયાદ ઊઠી છે. શહેરના જાગૃત નાગરિક દ્વારા જાહેર હિતમાં આ અંડરપાસને સત્વરે બંધ કરવાની માંગ સાથે વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગાંધીધામના નાગરિક સુરેશ ગુપ્તા (બંસલ) દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર, આશરે પાંચેક વર્ષ પૂર્વે ટાગોર રોડ ફ્લાયઓવર હેઠળ ઋષભ ટાયરથી સેક્ટર 1-એ વચ્ચે એક નાનો અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે, હાલ આ માર્ગ વાહનચાલકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. મુખ્ય સર્વિસ રોડ પરથી પસાર થતાં વાહનોની ગતિ ખૂબ જ વધારે હોય છે. તેવામાં અંડરપાસમાંથી અચાનક બહાર નીકળતા રાહદારીઓ, કે રખડતા પશુઓ સર્વિસ રોડ પર આવતાં વાહનો સમયસર નજરે ચડતા નથી, જેથી ક્ષણભરમાં ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. આ ઉપરાંત, આ સ્થળે રાત્રિના સમયે પૂરતા પ્રકાશની વ્યવસ્થા નથી તેમજ કોઈ યોગ્ય ચેતવણી દર્શાવતાં સાઇનબોર્ડ પણ લગાવવામાં આવ્યાં નથી. અંધકાર અને સાઇનબોર્ડના અભાવે રાત્રિ દરમિયાન અહીંથી પસાર થવું જોખમી બની જાય છે. આ ઉપરાંત બંધ ગટર લાઇનના ખાડાઓ વાહનચાલકો માટે જોખમી બન્યા છે. તાજેતરમાં જ રેલવે સ્ટેશન રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ અંડરપાસ ખાતે પણ કોઈ નિર્દોષ નાગરિક જીવ ગુમાવે તે પહેલાં સત્વરે પગલાં લેવા જરૂરી બન્યાં છે. આ મુદ્દે પોલીસ પ્રશાસન, માર્ગ અને મકાન વિભાગ  સ્થાનિક પાલિકા તંત્ર તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અપીલ કરવામાં આવી છે કે, અધિકારીઓ સ્થળ પર જઈ જાતતપાસ કરે અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી જાહેર હિતમાં આ અંડરપાસને તાત્કાલિક અસરથી બંધ કરવા યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરાઈ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd