રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : દિવાળી અને નૂતન વર્ષના
પર્વ પ્રસંગે આપણે કેવી લાગણી અનુભવીએ છીએ ? ઉમંગ કે ગમગીની ? આશાવાદનો ઉત્સાહ કે નિરાશાવાદની હતાશા
? આ પ્રશ્નના જવાબમાં આપણે યાદ રાખવું જરૂરી છે કે અમાવાસ્યાના ઘોર અંધકાર
ઉપર પ્રકાશના વિજયનું આ પર્વ છે, મહાઉત્સવ છે અને આ વિજય માટે
માત્ર એક માટીનાં કોડિયાનું એક કિરણ પૂરતું છે. એક કિરણના આધારે અનેક કિરણોના દીવા
પ્રજ્વલિત થઈ શકે છે. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં પણ એક કિરણ
રેલાવનારો દીપક અંધકાર ઉપર વિજય મેળવી શકે છે. વિજયોત્સવનો આરંભ કરી શકે છે. વિડંબના
એ છે કે આપણે વીજળી - વિદ્યુતશક્તિથી અંધકાર ઉપર વિજય મેળવ્યો છે. દિવસ - રાતની ભેદરેખા
ભૂંસી નાખી છે ! આ આપણો ભ્રમ છે - વિજય જ્ઞાનનો નહીં, વિજ્ઞાનનો
છે અને આ વિજય - પ્રકાશ આપે છે, ઊર્જા નહીં. અને `અંધકાર ઉપર વિજય મેળવવા ઊર્જા અર્થાત્ શક્તિ
અનિવાર્ય છે. તાજેતરમાં અંધકારનો એક નવો અવતાર શરૂ થયો છે - અરાજકતા. શક્તિની ઊર્જા
નહીં, પણ સત્તા મેળવવા માટે આ `અંધકાર'નું શત્ર અજમાવાઈ રહ્યું છે ! અને તેને પરાજિત કરવા માટે પ્રકાશ અર્થાત્ જ્ઞાન
- જરૂરી જનજાગૃતિ અનિવાર્ય છે. અત્યારે `તુફાન ઔર દિયા' જેવી સ્થિતિ છે. સમાજમાં - દેશભરમાં આ સંઘર્ષમાં યુવાશક્તિને ગેરમાર્ગે દોરવાના
પ્રયાસ શરૂ થયા છે. જેન-ઝી, ત્રીસ વર્ષથી ઓછી વયના યુવાવર્ગનો
અસંતોષ - રોષ સમજી શકાય છે. આ સમસ્યા - પડકાર સામે હવે શાસકો જાગ્યા છે, પણ અરાજકતાનું લક્ષ્ય યુવાવર્ગનાં કલ્યાણ - વિકાસના બદલે એમને સત્તાની શતરંજમાં
`પ્યાદાં'
બનાવવાનું છે. તેની સામે જનજાગૃતિ અને સાવધાની એકમાત્ર ઉપાય છે. વિષ્ણુપુરાણમાં
અષ્ટલક્ષ્મીનો ઉલ્લેખ છે : જેમાં ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી,
સંતાનલક્ષ્મી, વીર અને વિજયલક્ષ્મી. દિવાળીનાં
પર્વ દરમિયાન આપણે આ અષ્ટલક્ષ્મીનું પૂજન -અર્ચન કરીએ છીએ. વાસ્તવમાં વ્યક્તિ ઉપરાંત
સમાજ અને રાષ્ટ્ર માટે પણ તેનું મહત્ત્વ છે. શાસનતંત્રની આર્થિકનીતિ અને શાસનનાં કેન્દ્રમાં
આ વિષય છે. આજે આપણી સરકારનું લક્ષ્ય ભારતીય અર્થતંત્રને વિશ્વમાં ત્રીજી મહાસત્તા
બનાવવાનું છે અને હવે વિશ્વના અર્થશાત્રીઓ સ્વીકારે છે કે ભારત લક્ષ્યસિદ્ધિ તરફ ઝડપથી
આગળ વધી રહ્યું છે. ધનલક્ષ્મીની કૃપા થઈ રહી છે. ધાન્યલક્ષ્મી પણ પ્રસન્ન છે. એક સમય
હતો, જ્યારે આપણે અમેરિકા પાસેથી દાનમાં મળેલા લાલ ઘઉં અને યુરોપીય
દેશો પાસેથી મળેલા દૂધના પાઉડર તથા `બટરઓઈલ' ઉપર નિર્ભર
હતા. હરિયાળી ક્રાંતિ પછી અનાજ ઉત્પાદન વધવા લાગ્યું. કપરા કાળ - કોરોના દરમિયાન દવા
- વેક્સિન જ નહીં, ઘઉં પણ વાજબી ભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં મોકલ્યા
છે. ઘરઆંગણે કરોડો પરિવારોને વિનામૂલ્યે અનાજ - રાશન હજુ પણ પૂરું પાડવામાં આવે છે
! કૃષિક્ષેત્રના સુધારા સામે અવરોધ ઊભા કરાય છે, પણ કિસાનોને
કિફાયતી વળતર મળે અને એમનાં બેન્ક ખાતાંમાં રકમ ડાયરેક્ટ જમા થાય છે. વીર અને વિજયલક્ષ્મીનો
સાક્ષાત્કાર આપણે જોયો છે. આઝાદી પછીનાં લગભગ
પચાસ વર્ષ સુધી આપણે ગરીબી દૂર થવાની આશાએ હતા અને સૂત્રો સાંભળ્યા અને પોકાર્યાં.
હવે વિશ્વ બેન્કના નિષ્ણાતોના અભ્યાસ અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2011થી 2023 દરમિયાન લગભગ 50 કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર
આવ્યા છે અર્થાત્ આટલી મોટી સંખ્યામાં ગરીબોનો ઉદ્ધાર થયો છે ! અલબત્ત, વસતિવધારો પણ થઈ રહ્યો છે, તેથી ટકાવારીની દૃષ્ટિએ આપણને અસંતોષ થાય, પણ વાસ્તવિક
- વ્યવહારમાં હકીકત સંતોષકારક ગણવી - સ્વીકારવી જોઈએ. મોદી સરકારે શાસનની ત્રીજી મુદ્દત
શરૂ થઈ, ત્યારે આર્થિક સુધારાની ગાડી - એક્સપ્રેસ વધુ ગતિશીલ
બનાવવાની જાહેરાત કરી હતી અને એ દિશામાં પ્રગતિ થઈ રહી છે. ભારતીય અર્થતંત્ર આગામી
વીસ વર્ષમાં વિશ્વમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનશે તે નિશ્ચિત છે, પણ વિદ્યમાન મહાસત્તાની ઈજારાશાહી જોખમમાં હોવાથી અવરોધ ઊભા થઈ રહ્યા છે. અમેરિકાના
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ આક્રમણ શરૂ કર્યું અને ભારતે તેના સફળ પ્રતિકાર
માટે વિશ્વના અન્ય સંખ્યાબંધ દેશો સાથે વ્યાપાર કરાર કર્યા. રશિયા પાસેથી ક્રૂડતેલની
ખરીદી જારી રાખીને ભારત સાર્વભૌમ છે તેની ખાતરી કરાવી. સદ્ભાગ્યે - અને આપણી દૃઢતા
- મક્કમ નિર્ધારનાં પરિણામે આપણું અર્થતંત્ર સદ્ધર રહ્યું છે. ટ્રમ્પની આક્રમક વૃત્તિ
અને પ્રવૃત્તિને બ્રેક લાગી છે. એમણે ચારે બાજુએ અજંપો અને અશાંતિ સર્જવાની શરૂઆત કરી,
પણ હવે બ્રેક લાગવાની આશા છે. પણ, આપણા `સ્વદેશી'
વિપક્ષી નેતા વિદેશી હાથમાં રમી રહ્યા છે. અમેરિકાનાં ટેરિફ આક્રમણનો
વિરોધ કરવાને બદલે પેટ્રોલ - ડીઝલ, ખાતર મોંઘાં થાય, અછત સર્જાય - ભાવવધારાનાં કારણે અજંપો - અશાંતિ સર્જાય એવા પ્રયાસ અને પ્રચાર
કરી રહ્યા છે, પણ ભારત સરકારે પાણી પહેલાં પાળ બાંધી છે. ભારતની
સંસદીય લોકશાહીમાં સત્તા મેળવવામાં એકમાત્ર માર્ગ જનાદેશ - ચૂંટણી છે, પણ નકારાત્મક વલણ નીતિઓનાં કારણે વિપક્ષો સફળ થયા નથી. હવે એમને શંકા,
ભય છે કે હજુ ભાજપ - એનડીએ સરકારની લોકપ્રિયતા અકબંધ છે અને એક રાષ્ટ્ર
- એક ચૂંટણી થાય તો મોદીને હટાવી નહીં શકાય ! તેથી સંસદના બદલે શેરીના સંઘર્ષથી સત્તા
મેળવવાના પ્રયાસ શરૂ થયા છે. મતદારયાદીઓની ફેરતપાસ શરૂ થઈ તેનો વિરોધ થયો અને ચૂંટણીપંચ,
ચૂંટણી કમિશનર તથા મશીનોમાં, ન્યાયતંત્રમાં અવિશ્વાસ
જગાવીને અશાંતિ - અંધાધૂંધી ફેલાવવા માગે છે. ચૂંટણીમાં જીતવાની આશા નહીં હોવાથી આવી
અરાજકતા ઊભી થાય તો - સરકારની નિષ્ફળતાનો પ્રચાર કરીને સત્તા મળી શકશે એમ માને છે,
પણ ભસ્માસુરની જેમ `અરાજકતા'ના સર્જકો
જ તેનો શિકાર બનશે. પણ અરાજકતાના પ્લાન સામે જનજાગૃતિ અનિવાર્ય છે. અંધકારનાં આક્રમણને
ખાળવા - નિષ્ફળ બનાવવા માટે જનતાએ સાવધાન રહેવું પડશે. હવે બાજી પલટાઈ રહી છે. ઈરાને
પણ હોર્મુઝ ખાડી મારફત ભારતનાં તેલવાહક જહાજોને અવર - જવરની છૂટ આપી છે. નૂતન વર્ષનો
આરંભ આપણે આશાવાદ અને આત્મવિશ્વાસથી કરી રહ્યા છીએ. આગામી વીસ વર્ષ માટે આપણાં લક્ષ્ય
અને મંત્ર એક જ હોય - હમ હોંગે કામિયાબ... બી વિલ - મેરા ભારત મહાન - નાં નિર્માણ આડે
આવતા તમામ અવરોધ - વિરોધને પરાજિત કરીને સમૃદ્ધ ભારતનું નિર્માણ થશે જ. રાજકીય અસ્થિરતા
અને અરાજકતાના અંધકાર સામે આત્મવિશ્વાસનાં પ્રકાશ કિરણો વિજયોત્સવ ઊજવશે.