ભારતમાં ધાર્મિક પ્રવાસનું ચલણ દિવસાદિવસ વધી રહ્યંy છે. દેશભરમાં ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓની
સંખ્યા સતત વધતી રહી છે. આમાં ઉત્તરાખંડના દુર્ગમ પર્વતીય વિસ્તારના ધર્મસ્થાનો પર
દર્શનના મર્યાદિત દિવસોને લીધે શ્રદ્ધાળુઓનો બેહિસાબ ધસારો રહે છે. આ પર્વતીય ધર્મસ્થાનકો સુધી પહોંચવાના માર્ગો ભારે
વિકટ હોવાથી યાત્રાળુઓની સુવિધા માટે હવે હેલિકોપ્ટરોની સેવાની ઉપલબ્ધિ પણ નોંધપાત્ર
રીતે વધી છે. હાલત એવી છે કે, હેલિકોપ્ટરો
દ્વારા આ યાત્રા કરવા માટે ભારે પડાપડી થતી રહે છે, પણ કમનસીબે
આ સેવા માટે અનિવાર્ય એવા સલામતીના ધોરણો તરફ ભાગ્યે જ કોઈ ધ્યાન અપાય છે. હાલત એવી
છે કે, પર્વતીય વિસ્તારોમાં કોઈ નિયંત્રણ વગર ઊડતાં હેલિકોપ્ટરો
હવે ભારે જોખમી બની ગયાં છે. ગયા સપ્તાહે બદ્રીનાથથી દેહરાદૂન જતાં એક હેલિકોપ્ટરને
અકસ્માત નડતાં પાઈલટ સહિત છ જણનાં મોત થયાં હતાં. મરણ પામેલામાં બેંગ્લુરુના પાંચ યાત્રી
હતા જે બદ્રીનાથ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
આ ગમખ્વાર બનાવે વધુ એક વખત બતાવી આપ્યું છે કે, સેવાઓના
વિકાસમાં ટેકનિકલ ચકાસણીની તસ્દી લેવાતી નથી. તાજેતરના વર્ષોમાં હેલિકોપ્ટર સંબંધિત
અકસ્માતોની સંખ્યા ઉત્તરાખંડમાં વધી છે. ગયાં વર્ષે જુલાઈ મહિનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે
સંસદમાં માહિતી આપી હતી કે, 2020 બાદ દેશમાં હેલિકોપ્ટરની 12 દુર્ઘટના થઈ હતી જેમાંથી એકલા ઉત્તરાખંડમાં જ સાત થઈ હતી. આ બનાવોમાં 30 જણના જીવ ગયા હતા, જેમાંથી ઉત્તરાખંડમાં 22 જણનાં મોત થયાં હોવાના આંકડા સામે આવી ચૂક્યા છે. ચિંતાની બાબત
એ છે કે, ધાર્મિક પર્યટનના સ્થળોએ હેલિકોપ્ટર સેવાના
વિકલ્પને ભારે ઉત્તેજન અપાઈ રહ્યંy છે, પણ આ સેવાને
સલામત બનાવવા પર કોઈ તસ્દી લેવાતી હોવાનું જણાતું નથી. સ્પષ્ટ છે કે, હેલિકોપ્ટરના
સંચાલન માટે ખાનગી કંપનીઓએ મોટાપાયે મંજૂરી અપાયા બાદ તેના વહીવટ અને સંચાલનના નિયમોના
પાલન માટે કોઈ વ્યવસ્થા સરકારી વિભાગો દ્વારા કરાતી નથી. વળી હિમાલયના વિસ્તારોમાં હવામાન ગમે તે ઘડીએ પ્રતિકૂળ બની જતું હોવા છતાં ઉતારુઓના ધસારાને લીધે
ઉડ્ડયનને રોકવા પર ભાગ્યે જ કોઈ ધ્યાન આપતું હોય છે. હાલત એવી હોય છે કે, વધુ ને વધુ ઉડ્ડયન કરાવવા કંપનીઓ હેલિકોપ્ટરોને સતત ઊડતાં રાખે છે અને તેમને
થોડા સમય માટે બંધ કરીને એન્જિન સહિતની ચકાસણી પર ધ્યાન આપવાની તસ્દી લેતા નથી. આના પરિણામે નાના-મોટા અકસ્માતો સતત વધતા રહે છે
અને ખાસ તો તાકીદના સમયે હેલિકોપ્ટરને લેન્ડ કરવાની ફરજ પડતી હોવાના કિસ્સા પણ વધી
રહ્યા છે. મોટા અકસ્માતો ચોપડે ચડે છે, પણ નાના-નાના બનાવો ભાગ્યે
જ જાહેર થતા હોય છે. ખરેખર તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્યના વહીવટી તંત્રે આ
હેલિકોપ્ટર સેવાની મંજૂરી આપવાની સાથોસાથ સલામતીના કડક નિયમો અમલી કરવાની વ્યવસ્થા
ગોઠવવા પર પણ સતત ધ્યાન આપવું જોઈએ. વળી હવામાનમાં જરા પણ જોખમ જણાય તો તાકીદે ઉડ્ડયનો
અટકાવવાની સત્તા સ્થળ પર કોઈ જવાબદાર અધિકારીને આપવી જોઈએ. આ સેવાને સલામત બનાવવા પ્રામાણિક
પ્રયાસ નહીં થાય તો યાત્રાળુઓ તેનો ઉપયોગ કરતાં પહેલાં 10 વખત વિચાર કરશે.