• રવિવાર, 08 નવેમ્બર, 2026

ભચાઉ વિભાગ સંશોધન કેન્દ્ર દ્વારા 60 ખેડૂતને કૃષિ કિટનું વિતરણ કરાયું

ભચાઉ, તા. 7 : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ યોજના હેઠળ કચ્છ જિલ્લાના નર્મદા નહેર કમાન્ડ વિસ્તારમાં આવતાં વિવિધ ગામોના 60 જેટલા ખેડૂતને રવી પાક નિદર્શન માટે કૃષિ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક કૃષિના અભિગમ સાથે જોડીને રવી પાકોનાં ઉત્પાદનમાં વધારો કરવા પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. આર. એમ. ચૌહાણ તથા વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા અને સહ-સંશોધન વૈજ્ઞાનિક ડો. આર. એમ. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આ નિદર્શન કિટનું વિતરણ કરાયું હતું. આ કિટમાં વિવિધ રવી પાકો જેવાં કે જીરૂં, રાયડો, રજકો અને ઘઉંના બિયારણ ઉપરાંત જૈવિક ખાતરો, એન.પી.કે. બેક્ટેરિયા, ટ્રાઇકોડર્મા, બ્યુવેરિયા બેસિયાના, હાઇડ્રોજેલ, જીવામૃત કિટ અને વર્મીકમ્પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ કિચન ગાર્ડાનિંગ કિટ, રોપા અને બિયારણ તેમજ પીળી સ્ટીકી ટ્રેપનું પણ વિતરણ થયું હતું. કાર્યક્રમમાં સહભાગી રહેલા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. યોગેશ રાઠવા તથા વરિષ્ઠ રિસર્ચ ફેલો રાજ પરવાડિયાએ કિટમાં સમાવિષ્ટ સામગ્રીનો યોગ્ય વપરાશ અને પાક ઉત્પાદન દરમિયાન રાખવાની કાળજીઓ અંગે ખેડૂતોને સ્થળ પર જ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, સ્થાનિક સંસાધનો અને જૈવિક માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડી જમીનની ફળદ્રુપતા વધારવા અંગે માહિતગાર કરાયા હતા. કાર્યક્રમના ભાગરૂપે ખેડૂતોને વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે કાર્યરત ફૂડ પ્રોસાસિંગ યુનિટ, બાયોગેસ યુનિટ અને પ્રાકૃતિક ખેતી યુનિટની મુલાકાત કરાવી આ એકમોની કામગીરી અને ઉપયોગિતા વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ પહેલ દ્વારા ખેડૂતોને રવી પાકમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી વધુ ઉત્પાદન મેળવવા સચોટ સહાય મળી રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd