અમેરિકાને ફરી મહાન બનાવવાના ટ્રમ્પના મનસૂબાને અમેરિકનોએ જ
નકારી કાઢયો છે. મધ્યસત્ર ચૂંટણીમાં ખમવી પડેલી હારથી ટ્રમ્પને ભલે જરાસરખું જ આશ્ચર્ય
થયું હોય, પણ તેઓ મોળા પડયા નથી. આ પરાજયથી ખુદને અળગા
કરી લેતાં કહ્યું છે કે, મતપત્ર પર હું નહોતોને એટલે આવું થયું
નહીંતર અમે જોરદાર જીત મેળવી હોત. યાદ રહે મોટા ભાગની ચૂંટણીપ્રચાર રેલીમાં ટ્રમ્પે
મતદારોને અપીલ કરી હતી કે, મતપત્રક પર હું છું એમ સમજીને મતદાન
કરજો અને છતાં તેમની રિપબ્લિકન પાર્ટીએ અમેરિકન કોંગ્રેસનાં બંને ગૃહ-સેનેટ અને હાઉસ
ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી ગુમાવી દીધી છે. મતદાર ગમે ત્યાંનો હોય તેની સામે કોઈનું
કંઈ ચાલતું નથી, એ વધુ એકવાર પૂરવાર થયું છે. આ ચૂંટણીનું પરિણામ
ભલે ડેમોક્રેટ્સની તરફેણમાં આવ્યું હોય, પણ એમાં તેમના માટે સકારાત્મકતા
કરતાં ટ્રમ્પ માટે નારાજગી મોટા કારણ તરીકે સામે આવી છે. આ પરિણામોએ ફરી દેખાડી આપ્યું
છે કે, સરકારો મોટી-મોટી વાતો કરે, પોતાનાં
કાર્યો-નીતિઓનાં બણગાં ફૂંકે એનાથી મતદારો ભરમાતા નથી અને સામાન્ય નાગરિકોના રોજબરોજનાં
જીવન પર આ નીતિઓની અવળી અસર પડતી હોય, તો પાઠ ભણાવતા પણ અચકાતા
નથી. રિપબ્લિકન્સના ગઢ ગણાતા ટેક્સાસ, કનાસા, ઓહાયો, સાઉથ કેરોલિના, આઈયોવા અને
કેન્ટુકીમાં દાયકાઓનું વર્ચસ તૂટયું છે અને હવે ટ્રમ્પની પ્રેસિડન્સીના છેલ્લાં બે
વર્ષનો ગાળો સ્થાનિક પડકારો તથા મહાભિયોગના પ્રસ્તાવ અને તેમના પોતાના જ પક્ષના પ્રતિનિધિઓના
બદલાતાં વલણ જેવી બાબતોથી સભર રહેશે. દુનિયાભરમાં સરકારો સામે ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો
જેવું અમેરિકામાં ભલે નથી થયું, પણ આ પરિણામોથી અમેરિકનોએ પોતાનો
ઈરાદો તો સ્પષ્ટ કરી નાખ્યો છે. 2024માં અમેરિકનોએ ડોનાલ્ડ ટ્રમ્પને બીજીવાર રાષ્ટ્રપ્રમુખ તરીકે
તક આપી એમાં અમેરિકાને ફરી મહાન બનાવવાનાં વચન કરતાં અર્થતંત્રની ગાડી પાટે ચડે એ બાબત
વધુ મહત્ત્વની હતી. છેલ્લાં બે વર્ષમાં યુએસ જીડીપીમાં વૃદ્ધિ થઈ છે અને શેરબજારમાં
પણ ચડતી કળા છે. છતાં ટ્રમ્પની આડેધડ ટેરિફ વીંઝવાની અને ઈરાન સામે યુદ્ધ મોરચો ખોલવાની
નીતિઓની આડઅસરનો બોજ નાગરિક નામની કન્યાની કેડ પર આવ્યો. આ ઓછું હોય તેમ ત્રણ વર્ષમાં
પહેલીવાર યુએસ ફેડને વ્યાજદર વધારવાની ફરજ પડી. અમેરિકા મહાન બનવાનું એક કોરાણે રહી
ગયું, પણ અમેરિકનની તાણ વધી એ નક્કી. વિચારધારા અને
આદર્શવાદ પેટ ભરેલું હોય એ પછી જ સારા લાગે. અર્થતંત્રનું ચિત્ર ફૂલગુલાબી દેખાય છે,
પણ સામાન્ય માણસ માટે પરિસ્થિતિ ગંભીર છે તથા તવંગર વધુ સદ્ધર થઈ રહ્યાની
લાગણી છે. પરિણામ આપણી સામે છે. લોકોનાં મનમાં શું ચાલી રહ્યું છે અને તેઓ ખરેખર શું
ઈચ્છે છે એ વાચવામાં ટ્રમ્પ થાપ ખાઈ ગયા છે, એવું માનવાની જરૂર
નથી, કેમ કે ટ્રમ્પે ક્યારેય લોકોની પરવા કરી જ નથી, એવી લાગણી છે અને એ સાચી પણ છે. 2024 પહેલાં અમેરિકનોને લાગતું હતું કે, બહારના લોકો આપણી નોકરીઓ પર તરાપ મારે છે અને
એ લાગણીને ભડકાવવામાં ટ્રમ્પે કોઈ કસર રાખી ન હોતી. જો કે, બે
વર્ષના તેમના શાસનકાળમાં તેમનો આ અનુયાયી વર્ગ ઓસરી-ઓગળી જવા સાથે હતાશ-હતોત્સાહિત
પણ થયો છે. મહિલાઓ, અશ્વેતો, યુવાનો તથા
ખેડૂતો ટ્રમ્પથી વિમુખ થયા છે અને પહેલીવાર મુસ્લિમ વ્યક્તિ અબ્દુલ અલ-સઈદ અમેરિકાની
સેનેટમાં ચૂંટાઈ આવી છે, તો ભારતીય મૂળના અડધો ડઝન પ્રતિનિધિઓ
વટભેર બન્ને ગૃહોમાં પહોંચ્યા છે. 2024માં જે મતદારો ટ્રમ્પની પડખે હતા, તેઓ તેમની સામે થયા છે, દરેકનાં કારણો જુદાં-જુદાં છે, પણ કારક એક જ છે. બન્ને
ગૃહોમાં ડેમોક્રેટ્સના દબદબાને કારણે હવે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પહેલીવાર તેમની
સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. પહેલી ટર્મમાં ડેમોક્રેટ્સ નિયંત્રિત
હાઉસમાં બેવાર ઈમ્પિચમેન્ટનો પ્રયાસ થયો હતો અને બન્ને પ્રસંગે રિપબ્લિકન બાહુલ્ય સેનેટે
તેમને બચાવી લીધા હતા. આ વખતે બન્ને ગૃહોમાં ડેમોક્રેટ્સની બહુમતી છે એટલે ફરી આ પ્રસ્તાવ
લવાય એવી શક્યતા છે અને ખાતરી છે કે, ટ્રમ્પ નહીં જ જાય છતાં
તેમની સામે પડકાર ઊભો થશે. જો કે, ટ્રમ્પ કૂણાં પડશે કે રાજકીય
રીતે પરિપક્વ થશે અને વિદેશનીતિમાં સંયમિત બનશે કે સ્થાનિક સમસ્યાઓ પ્રત્યે ઉદાર-જાગરૂક
થશે એવી આશા રાખવી વધુ પડતી છે. આગામી 100 દિવસ મહત્ત્વના રહેશે, કેમ કે ટ્રમ્પનો ટ્રેક-રેકોર્ડ જોતાં તેઓ શાંત તો નહીં જ બેસે અને ડેમોક્રેટ્સને
પણ મતદારોએ દેખાડેલા વિશ્વાસની સામે કંઈક કરી દેખાડવું પડશે. વળી, ડેમોક્રેટ્સ પાસે બે તૃતીયાંશ બહુમતી નથી એટલે ગૃહોના નિર્ણયોને ફેરવવાનો વિટો
પાવર ટ્રમ્પ પાસે છે જ અને તેનો ઉપયોગ પહેલાં કાર્યકાળમાં પણ વ્યાપકપણે કર્યો જ હતો.
જો કે, રાષ્ટ્રપ્રમુખનો વિટો પાવર સંપૂર્ણપણે અંતિમ નથી હોતો
અને પહેલી ટર્મમાં પણ સંરક્ષણ ખરડા બાબતે બન્ને ગૃહોએ તેમના આ નિર્ણયને ઊલ્ટાવ્યો હતો.
ઘવાયેલા ટ્રમ્પ આમ છતાં વિશ્વ માટે જોખમી તો છે જ અને ગિન્નાઈને તેઓ ઈરાન પર દાઝ ઉતારશે
એવું અનેક નિરીક્ષકોનું માનવું છે. જો કે, આવું પગલું તેમની વિરુદ્ધ
મહાભિયોગની દરખાસ્ત બહુ ઝડપથી લાવી મૂકશે. ભારત માટે ડેમોક્રેટિક પાર્ટીનો વિજય ક્રૂડતેલના
ભાવમાં ઘટાડાના સ્વરૂપમાં આવી શકે છે. આયાત બિલમાં ઘટાડો, રૂપિયા
પર તાણ ઓછી થવી તથા મોંઘવારી પર અંકુશ આવશે. જો કે, ટેરિફ નીતિમાં
તરત કોઈ તળિયાઝાટક ફેરફાર નહીં થાય, કેમ કે આ બાબત રાષ્ટ્રપ્રમુખના
હસ્તક હોય છે. ઈરાન યુદ્ધનો અંત આવે અને રશિયન ક્રૂડ આયાત પર યથાસ્થિતિ જળવાઈ રહે તથા
દ્વિ-પક્ષી વેપાર કરાર આગળ વધે એવી અપેક્ષા દીપોત્સવી પર્વની શરૂઆતે સર્જાઈ છે. જો
કે, ટ્રમ્પને ઝટકો લાગ્યો હોવા છતાં તેઓ બદલાઈ જશે, એવી અપેક્ષા તેમના દોઢ કાર્યકાળનો ઈતિહાસ જોતાં વધુ પડતી ગણાશે.