માંડવી, તા. 7 : શહેરની ધકાણ હોસ્પિટલ પાસે
માર્ગ પર ઉભરાતી ગટરના પગલે લોકોને મુશ્કેલી પડી રહી છે. મળતી માહિતી મુજબ માંડવીની
ધકાણ હોસ્પિટલ પાસે અવાર-નવાર ગટર ઉભરાય છે. માંડ બે દિવસ ગંદા પાણી બંધ રહે છે અને
ત્યારબાદ સતત 10-12 દિવસ સુધી ગટર ઉભરાવાના કારણે
માથું ફાડી નાખતી દુર્ગંધ વાળા ગંદા પાણી જાહેર માર્ગો પર આવી જતાં શહેરીજનોને આવન-જાવનમાં
પારવાર મુશ્કેલી પડે છે. લોકો આ માર્ગેથી સ્વામિનારાયણ મંદિર તથા અન્ય દેવાલયો તરફ
જતા હોય છે. વધુમાં જ્યોતેશ્વર પાર્ક તરફ જતા લોકો પણ આ માર્ગે જાય છે. હાલે દીપોત્સવી
તહેવારો ચાલી રહ્યા છે અને લોકોનો દેવ દર્શન માટે વિશેષ ધસારો રહે છે. આવી સ્થિતિમાં
લોકોને આવન-જાવનમાં મુશ્કેલી પડે છે. લાંબા સમયની આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ
લાવવામાં આવે તેવી માંગ પ્રદિપ કે. દોશીએ કરી છે.