• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

ગાંધીધામમાં તિરંગાયાત્રાના રૂટ ઉપર સફાઈ માટે અલાયદી ટીમ, ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા અપાઈ સૂચના

ગાંધીધામ, તા. 11 : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામ ખાતે આગામી તા. 14ના યોજાનારી તિરંગાયાત્રાના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટરે ગાંધીધામની મુલાકાત લીધી હતી અને રૂટ સહિતનું નિરીક્ષણ કરીને સંબંધીત વિભાગોને જરૂરી સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર-કચ્છ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે `િતરંગાયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા સવારે 9 વાગ્યે શરૂ થશે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તિરંગાયાત્રાના સમગ્ર રૂટની રૂબરૂ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. મહાત્મા ગાંધી પ્રતિમા (ગાંધી માર્કેટ)થી શરૂ થઈ મુખ્ય બજાર, ભાઈપ્રતાપ સર્કલ અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા થઈ ઝંડાચોક સુધીના રૂટની સમીક્ષા કરી હતી. યાત્રાના સુચારુ આયોજન અને સંકલન માટે માર્ગોની સફાઈ માટે અલાયદી ટીમ, ટ્રાફિક મેનેજમેન્ટ અને રૂટ ડાયવર્ઝન, સામાજિક સંસ્થાઓના સ્ટોલ અને સ્ટેજ, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ તિરંગાયાત્રા કાર્યક્રમમાં નાગરિકો, બીએસએફ સહિત મિલિટરી અને પેરામિલિટરી ફોર્સીસ, શાળાના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ જવાનો અને વિવિધ સમાજના લોકો ઉત્સાહભેર જોડાશે. આ મુલાકાત દરમિયાન અંજાર પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી, યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd