ભુજ, તા. 11 : થોડા દિવસો પૂર્વે જ શહેરની
જી. કે. જનરલ હોસ્પિટલનાં સંકુલમાં આવેલી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની
સરકારી કચેરીને કોર્ટના ઐતિહાસિક હુકમ બાદ તાળાં લાગ્યાં હતાં. આ બાદ હવે જિલ્લા ઉદ્યોગ
કેન્દ્રની કચેરી પર પણ કોર્ટની ગાજ વરસી હોય તેવો તાલ સર્જાયો છે. આજે બપોરે જિલ્લા
ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં ભુજ કોર્ટના બેલિફ સહિતના કર્મચારીઓ કચેરીના ફર્નિચર, કોમ્પ્યુટર સહિતની મિલકતની જપ્તીની કાર્યવાહી
કરવા આવતાં ધમાચકડી મચી હતી. આ બાબત મીડિયા સુધી પહોંચી હતી. ઘટના સ્થળેથી પ્રાપ્ત
વિગતો મુજબ 2001ના ભૂકંપ
બાદ નાના ઉદ્યોગકારોને બેઠા કરવા સરકારે સબસિડી સાથે ઓછા દરે લોનની યોજના જાહેર કરી
હતી જે પ્રક્રિયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત થતી હતી. ગાંધીધામના એક વેપારીએ આવી
આઠથી નવ લાખની લોન લીધી હતી, જેમાંની
સબસિડીના એકથી દોઢ લાખ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રે બેંકમાં જમા કરાવ્યા બાદ બાકીની સબસિડી
ચૂકવી ન હતી. આથી અરજદારે વ્યાજ સહિત બાકીની લોન રકમ બેંકને ચૂકતે કરી હતી. આ બાદ જિલ્લા
ઉદ્યોગ કેન્દ્રે અરજદારને ચૂકવેલી સબસિડી પરત આપવા નોટિસ આપી હતી. આથી અરજદારે ગાંધીધામ
કોર્ટમાં ધા નાખી હતી અને કેસ જીતી ગયા હતા. કોર્ટે અરજદારને બાકી સબસિડી વ્યાજ સહિત
ચૂકવવા આદેશ કર્યો હતો, પરંતુ આ આદેશની તામીલ ન થતાં અરજદારે
ફરી કોર્ટમાં રજૂઆત કરતાં આઠ વર્ષ પૂર્વે ગાંધીધામ કોર્ટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીની
મિલકત જપ્તીનો હુકમ કર્યો હતો પરંતુ કોઇ કારણસર આવી કાર્યવાહી શક્ય બની ન હતી. અંતે
ગાંધીધામ કોર્ટે આકરા તેવર બતાવી મિલકત જપ્તીની કાર્યવાહી અંગે ભુજ કોર્ટને જાણ કરતાં
આજે કર્મચારીઓ અમલવારી અર્થે પહોંચ્યા હતા, પરંતુ વાતચીતના અંતે
આ કાર્યવાહી આજના અને કાલના દિવસ માટે મુલતવી રહ્યાનું સામે આવ્યું છે. આવતીકાલે તા.
12/8ના કેન્દ્ર દ્વારા નાણાં ચૂકતી
અંગે લેખિતમાં રજૂઆત થશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.