• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

પોરબંદરમાં ભડકાઉ નિવેદન બદલ કચ્છમાં પડઘા પડયા

ભુજ, તા. 11 : સૈયદ - સાદાત સમાજ, પવિત્ર માહે મોહર્રમ તાજિયા નિર્માણ અને ઝિયારતમાં શ્રદ્ધા ધરાવતા કરોડો સુફી શ્રદ્ધાળુઓ તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજની ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચાડી, સામાજિક સૌહાર્દ અને કોમી એકતા ડોહળવાનો હિન પ્રયાસ કરનાર પોરબંદરના મૌલવી અબ્દુલસત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પશ્ચિમ કચ્છ-ભુજના જિલ્લા પોલીસ અધિક્ષક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ કચ્છ મોહર્રમ અને તાજિયા કમિટીના પ્રમુખ, ધર્મગુરુ તથા સુફી સ્કોલર પીર સૈયદ કૌશરઅલીશાહ હાજી મખદુમઅલી બાપુ (રહે. મોટા સલાયા, માંડવી) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદી મુજબ, ગત તા. 20 જુલાઈ 2026ા રાત્રિના પોરબંદરના મેમણવાડા સ્થિત તાજુસરીયા હોલ (જમાતખાના) ખાતે હૈદરી યંગ કમિટી દ્વારા એક જાહેર કાર્યક્રમમાં અનેક સામાજિક - ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોની વચ્ચે મુખ્ય વક્તા અબ્દુલસત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલવી (રહે. નગીના મસ્જિદ પાસે, એસ.વી.પી. રોડ, પોરબંદર) એ હિન્દી ભાષામાં અત્યંત વિવાદસ્પદ, ધાર્મિક વિદ્વેષ ફેલાવનાર અને ઉશ્કેરણીજનક પ્રવચન આપ્યું હતું. આરોપી સત્તાર મૌલવીએ પયગંબર સાહેબ હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ના સીધા વંશજો એટલે કે સમગ્ર સૈયદ-સાદાત સમાજ પ્રત્યે અત્યંત અદબ વગરની, હલકી અને કટાક્ષયુક્ત ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે જાહેર મંચ પરથી વારંવાર જ્ઞાતિગત અપમાન કરતા વાકયો કહ્યા હતા. આ ઉપરાંત ભારતની પ્રાચીન ગંગા-જમુની તહેજીબ, સર્વધર્મ સંભાવ અને કોમી એકતાના પ્રતિક સમો પવિત્ર મોહર્રમ અને તાજિયા નિર્માણ/ઝિયારત અને તેની મન્નતો (માનતાઓ) વિશે અત્યંત નિર્લજ્જ અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આ આખું વિવાદસ્પદ ભાષણ પોતાની યુટયૂબ ચેનલ પર લાઈવ ઓડિયો તરીકે અપલોડ કર્યું હતું. ઓડિયો/વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર ગુજરાતના સૈયદ સાદાત સમાજ, મોહર્રમ કમિટીઓ અને સુફી શ્રદ્ધાળુઓમાં ભારોભાર આક્રોશ વ્યાપી ગયો છે. રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી અગાઉ પણ આવા દેશહિત વિરોધી અને કોમી તણાવ પેદા કરતા વિવાદોમાં સંડોવાયેલા રહેલા છે. ભારત દેશની આંતરિક શાંતિ, ભાઈચારો અને સુરક્ષાને ડોહળવા માટે આ કથિત મૌલવી પાછળ રાષ્ટ્રવિરોધી કે વિદેશી રેડિકલ ગ્રુપો / સંસ્થાઓનું આર્થિક અને વૈચારિક કાવતરું હોવાની પૂરેપુરી સંભાવના છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે. આથી ગંભીર કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે. આવેદનપત્ર સ્વીકારતી વખતે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી હતી. તેમણે રજૂ કરેલા ડિજિટલ પુરાવા અને અરજીની ગંભીરતાને ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તટસ્થ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ આવેદનપત્ર આપવા વખતે સાથે સૈયદ નસીબશાહ, ગનીભાઈ કુંભાર, હારૂનભાઈ જત, અબ્બાસભાઈ નોડે (પ્રમુખ, ભુજ શહેર મોહર્રમ તાજિયા કમિટી), ઈકબાલભાઈ ધોબી, શબ્બીરભાઈ મેમણ, અહમદભાઈ ખલીફા, સલીમભાઈ લાડક, અલીઅસગરશા સૈયદ, અબુબખરભાઈ તુરિયા સાથે પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Panchang

dd