ભુજ, તા. 11 : માંડવી અને ભુજમાં ખોરાક અને
ઔષધ નિયમન તંત્રે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ પનીરનો 20 કિલો જથ્થો નાશ કરાયો હતો અને
ત્રણ નમૂના લેબમાં મોકલાયા હતા. કોડાય ગામ, ડી- માર્ટ અને રિલાયન્સ મોલ સહિતની પેઢીઓમાં ફૂડ સેફટી વિભાગે કાર્યવાહી કરી
હતી. ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે શરૂ કરવામાં
આવેલી કડક ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ તેજ
કરવામાં આવી છે. આજે માંડવી અને ભુજ તાલુકામાં ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ તથા એસ.બી.
પટેલની ટીમે વિવિધ હોટેલો, ડેરી પ્રોડક્ટ્સના વિક્રેતાઓ તેમજ
મોટા શાપિંગ મોલ્સ પર અચાનક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. માંડવી તાલુકાના કોડાય ગામ
સહિત વિવિધ વિસ્તારો તેમજ ભુજ તાલુકામાં આવેલી હોટેલો, પનીર અને
દૂધની બનાવટોનું વેચાણ કરતી પેઢીઓ તથા `ડી-માર્ટ' અને `િરલાયન્સ' જેવા મોટા સુપર સ્ટોર્સ અને મોલ્સમાં પણ ચાકિંગ
હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સંગ્રહ અને નિયમોના પાલન અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માંડવી તાલુકામાંથી આરોગ્ય માટે અયોગ્ય
અને શંકાસ્પદ જણાયેલા પનીરના 3 નમૂના વધુ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવા માટે એકત્રિત
કરવામાં આવ્યા હતા. આ સાથે જ સ્થળ પર મળી આવેલો અંદાજે 20 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો
જથ્થો તંત્ર દ્વારા તરત જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું
કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ કે ઉત્પાદકો
સામે કડક વલણ અપનાવવામાં આવશે. સરકારી પ્રયોગશાળામાંથી લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમભંગ
કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, આગામી
દિવસોમાં કચ્છ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે દરોડા અને ચાકિંગની કામગીરી
ઝુંબેશરૂપે ચાલુ રાખવામાં આવશે.