બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 10 : પશ્ચિમ બન્નીના
ભિટારા-છસલા નજીકના ઘાસિયાં મેદાનો વચ્ચે દેશનાં પ્રથમ ચિત્તા સંરક્ષણ અને કેન્દ્રની
તૈયારીઓ આટોપવા કામગીરી ચાલી રહી છે. આગામી થોડા સમયમાં ચિત્તાનાં પગરણ માટેના આયોજન
પણ ગોઠવાઈ રહ્યાં છે, પરંતુ કાચા
રસ્તા અને વીજ વ્યવસ્થા અંગે અત્યાર સુધી કોઈ કામગીરી થઈ નથી. મધ્યપ્રદેશના કુનો નેશનલ
પાર્કમાં ચિત્તાને સફળતાપૂર્વક વસાવ્યા બાદ હવે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તા મંડળ અને
ચિત્તા સંચાલન સમિતિએ ચાર આફ્રિકન ચિત્તાઓને કચ્છના બન્ની ઘાસિયાં મેદાનોમાં સ્થળાંતરિત
કરવાની પરવાનગી મળ્યા બાદ પશ્ચિમ બન્નીના ભિટારા-છસલા નજીક લગભગ 600 હેક્ટર જેવા મોટા ઘાસિયા વિસ્તાર
વચ્ચે ચિત્તા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર નિર્માણ થઈ રહ્યું છે. સત્તાવાર સૂત્રો પાસેથી
જાણવા મળતી માહિતી મુજબ વિશાળ વિસ્તારમાં ચારે બાજુ ઊંચી લોખંડી જાળીની દીવાલ ઊભી કરવામાં
આવી છે. આ કેન્દ્રમાં ચિત્તા મુક્તપણે વિચરી શકે તે માટે અલગ-અલગ વિભાગો કરી દરેક વિભાગને
પણ ચારેબાજુ મજબૂત અને ઊંચી લોખંડી જાળીરૂપ દીવાલ ઊભી કરવામાં આવી છે. દરેક વિભાગોને
રસ્તાઓ સાથે સાંકળવામાં આવ્યા છે. દરેક વિભાગ કુદરતી ઘાસથી છવાયેલો છે. સાથે ચિત્તા
અને તેના શિકાર હરણ માટે પાંચ-પાંચ પાણીની કુંડી,
ઘાસના છાપરાં, નાની તલાવડીઓ ઉપરાંત એ સમગ્ર વિસ્તાર
પર શિકાર કરવા માટે ચિત્તો દૃષ્ટિ દોડાવી શકે તે માટે માટીના ટેકરા સહિતની કામગીરી
આટોપવામાં આવી છે. વિશાળ વિસ્તારમાં લોખંડી સુરક્ષા કવચથી સજ્જ-ધજ્જ કેન્દ્રના દરેક
વિભાગોમાં ખાસ વિશિષ્ટ પ્રકારના સી.સી.ટી.વી. કેમેરાની ગોઠવણી થઈ છે જેને લઈ આ કેન્દ્રમાં
વિચરતા ચિત્તા અને હરણની ગતિવિધિ પર નજર રાખી શકાશે. ચિત્તા સેન્ટર પર પહોંચવા માટે
હાલનો રસ્તો લોરિયાથી ભીરંડિયારા, ધોરડો, ભિટારા અને વાયા છસલા થઈને જઈ શકાય છે. ભિટારાથી વાયા છસલા થઈને ચિત્તા સેન્ટર
સુધી 12 કિ.મી.નો રસ્તો સાવ જર્જરિત
અને ખખડધજ છે. ખાસ કરીને ચોમાસાની મોસમમાં રણમાં પાણી ભરાયાં પછી આ કાચા રસ્તે કેન્દ્ર
સુધી પહોંચવું મુશ્કેલ રૂપ છે. જેને લઈ માર્ગ અવર-જવર માટે કઠિન પણ એટલો જ છ. વળી બન્ની
પંથકની જમીન અને તેની માટી ખૂબ જ ચીકણી અને ઝીણી હોઈ વિસ્તારમાંથી નવો રસ્તો બનાવવો
મુશ્કેલ હોવાથી સમયનો પણ વ્યય થઈ શકે છે ત્યારે
ડામર કામ જરૂરી બન્યું છે. દરમ્યાન આ કેન્દ્ર સરહદી કચ્છ જિલ્લા માટે જ નહીં સમગ્ર
રાજ્ય માટે ગૌરવરૂપ છે. કેન્દ્રમાં ચિત્તા
લાવવા માટેની મોટાભાગની તૈયારીઓ થઈ ચૂકી છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગ આખરી ઓપ
આપવા કામે લાગ્યો છે, પણ અહીં જે
રીતે રસ્તાનના વાંધા છે તેમ વીજ વ્યવસ્થાનો પણ આજ સુધી અભાવ છે. અત્યાર સુધી કેન્દ્રમાં
થયેલી કામગીરી સોલાર પ્લેટો ગોઠવીને કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્ર પર નજર રાખવા સી.સી.ટી.વી.
કેમેરાને સતત કાર્યરત રાખવા, કેન્દ્રની ઓફિસની કામગીરી કરવા,
વિભાગોમાં ઈલે. મોટરથી પાણી પહોંચાડવું તેમજ અહીં રહેતા કર્મચારીઓની
સુવિધા માટે વીજ પુરવઠો અતિજરૂરી છે, પરંતુ ગમે તે કારણોસર આ
સુવિધા પૂરી થઈ નથી. જાણવા મળેલ માહિતી મુજબ વીજતંત્ર દ્વારા થોડા સમય પહેલાં વીજ થાંભલા
ઊભા કર્યા બાદ કામગીરી થંભી ગઈ છે. આમ જરૂરી માળખાંકીય સવલતના અભાવે આ કેન્દ્રની ચાલી
રહેલ કામગીરી પર અસર થઈ શકે તેવું જાણકારોએ કહ્યું હતું.
ચેતરે જો વાડો
ભરપૂર ઘાસિયાં મેદાનો વચ્ચે આવેલા ચિત્તા સંવર્ધન કેન્દ્રમાં
અને તેની આસપાસ જીજવો સહિત દેશી ઘાસના ભંડાર છે. બન્નીમાં વનવિભાગે ખાઈ ખોદી સંપાદિત
કરેલ ઘાસના પ્લોટ હોય કે પછી સ્થાનિક લોકો દ્વારા દબાણ થયેલી ખેતી કરવાની જમીન ખુલ્લી
કરી હોય તે તમામને સ્થાનિક લોકો વાડા તરીકે ઓળખે છે. તે જ રીતે આ ચિત્તા સંવર્ધન કેન્દ્રને
છસલા, ભગાડિયા, લુણા,
સેરવો, સરાડા સહિત ગામોના માલધારી લોકો ચેતરે જો
વાડો તરીકે ઓળખે છે. લોકજાગૃતિ જરૂરી ચિત્તા સેન્ટર દેશી ઘાસથી ભારે સમૃદ્ધ છે. આ સેન્ટરના
નિર્માણ પછી આસપાસના સ્થાનિક લોકોમાં આજે પણ કેટલીક ગેરસમજ જોવા મળે છે. સેંકડો એકર
ઘાસધારી જમીન હસ્તગત થતાં ચરિયાણ વિસ્તારમાં મોટી ઘટ જરૂર થઇ છે, પરંતુ અહીં જે રીતે પશુપાલન વિસ્તારને ધ્યાને રાખી શિકારી જીવ ચિત્તા માટે
જે સુરક્ષાની દીવાલ ઊભી થઇ છે, તેને જોતાં અહીં ચરિયાણ માટે વિચરતી
લાખેણી ભેંસોના જાન માટે કોઇપણ ખતરો નથી. આ વાસ્તવિકતાને સ્થાનિક માલધારીઓને સમજાવવી
જરૂરી છે. જેના માટે સંબંધિત વિભાગોએ સ્થાનિક અગ્રણીઓ અને લોકો સાથે લોકજાગૃતિ શિબિરો
અને માર્ગદર્શન અંગેના કાર્યક્રમો ગોઠવવા જરૂરી છે.
હાલે 700 હરણ
નિરોણા, તા. 10 : કચ્છનાં બન્નીમાં ચિત્તાના
આગમનની દહાડ ગુંજે છે. બન્ની ચિત્તા સંવર્ધન કેન્દ્રમાં આ પ્રાણીને આવકારવાની તમામ
તૈયારીઓ થઇ ચૂકી છે. આ પંથક મહેમાન ગતિ માટે આમ પણ જાણીતો છે, ત્યારે આ રાની જાનવરના ભોજન માટે અગાઉથી જ વ્યવસ્થા
થઇ ચૂકી છે. માસાંહારી આ જાનવરને કાયમી ધોરણે કેન્દ્રમાં શિકાર મળી રહે તે માટે દેશના
અન્ય સ્થળોએથી 600થી 700 ચિત્તલ અને કાળિયાર હરણને અહીં
છોડવામાં આવ્યાં છે. જે હાલ વાતાવરણને અનુકૂળ થઇ વિચરી રહ્યાં છે. કેટલાક માદા હરણ
સગર્ભા બની નવા બચ્ચાને પણ જન્મ આપ્યો હોવાનું જાણવા મળે છે.