ગાંધીધામ, તા. 26 : ગાંધીધામ મહાનગરપાલિકાની સ્વભંડોળની
મર્યાદિત આવક વચ્ચે દર મહિને લાખો રૂપિયાનો વીજળીનો ખર્ચ આવી રહ્યો છે, જેની સીધી અસર તો ભંડોળમાંથી કરવાનાં થતાં કામો
ઉપર ઉપરાંત કચેરીના વહીવટ ઉપર પડી રહી છે. મુખ્ય કચેરીનો વીજ વપરાશ ચારગણો વધી ગયો
છે. અગાઉ કચેરીનું લાઈટ બિલ 30,000થી 35,000 આવતું
હતું, તેના બદલે હાલમાં સવા લાખ રૂપિયાની આસપાસ વીજબિલ
આવી રહ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકાનો દર
મહિનાનો લાઈટ બિલનો ખર્ચ 35 લાખથી વધુનો
છે. 12,00,000ની આસપાસ સ્ટ્રીટ લાઇટનું બિલ
આવી રહ્યું છે, તો પાણીના છ ટાંકાનું 20 લાખ રૂપિયાનું બિલ આવે છે.
અલગ-અલગ બગીચાઓનો 1.50 લાખથી બે
લાખ રૂપિયા લાઈટ બિલ આવી રહ્યું છે, જ્યારે 11 ગામડાઓનું
વીજબિલ નહીંવત છે અને લાખની આસપાસનું જ બિલ આવે છે,
પણ શહેરી વિસ્તારનો બોજ વધારે છે. દર મહિને વીજ બિલનો 35 લાખથી વધુનો ખર્ચ આવે છે. ખાસ
કરીને છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા કચેરીનો ખર્ચ વધી ગયો છે. હાલના સમય લગભગ સવા
લાખ રૂપિયાની આસપાસનું લાઈટ બિલ આવે છે. મોટા ભાગની કચેરીઓમાં એસી છે. ઉપરાંત સતત પંખા
અને લાઈટો ચાલુ રહે છે. તત્કાલીન સમયે કદાવર પદાધિકારીઓએ લગભગ ઓફિસોમાં એસી લગાવ્યા
હતા, તેનું પરિણામ હાલના સમયે લાઇટ બિલના સ્વરૂપમાં
આવી રહ્યું છે. સોલારની દિશામાં વિચારવું જરૂરી છે. - મુખ્ય કચેરી અને પાણીના છ ટાંકા ઉપર સોલાર જરૂરી : રામબાગ પાણીના ટાંકા ઉપર સોલાર લગાડવામાં
આવ્યું છે અને તેમાં દર મહિને લગભગ બે લાખ રૂપિયાની આસપાસનું બિલ ઓછું આવે છે અને સિક્સ
ઇન્ડસ્ટ્રીના ટાકાનું બિલ શૂન્ય થયું છે અન્ય છ ટાકાઓનું બિલ 20 લાખની આસપાસ આવે છે અને કચેરીનું
સવા લાખની આસપાસ આવે છે. અહીં સોલાર માટે સર્વે થયો હતો, પરંતુ હજુ સુધી તેમાં કોઈ પગલાં ભરાયાં નથી,
જો મુખ્ય કચેરી ઉપરાંત છ ટાંકા ઉપર સોલાર લગાડવામાં આવે તો લાઈટ બિલનો
ખર્ચ ઘટી શકે તેમ છે, તેવું જાણકારો કહી રહ્યા છે. - લાઈટ વિભાગ
પાછળ વર્ષમાં 3.19 કરોડનો ખર્ચ : મહાનગરપાલિકાના લાઈટ વિભાગ પાછળ એક એપ્રિલ-2025થી લઈને 31 માર્ચ-2026 દરમિયાન કુલ 3,19,16,346 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો
છે, જેમાં કાયમી મહેકમ પાછળ રૂા. 9,23,412, હંગામી મહેકમ પાછળ રૂા. 2,76,341, ઈલેક્ટ્રિક લાઈટ ફિક્ચર્સ તથા
સાધન સામગ્રી ખરીદવા પાછળ રૂા. 41,84,177, વીજ
વપરાશ પાછળ સૌથી વધુ 2,24,28,726 રૂપિયા ખર્ચવામાં આવ્યા છે,
તો નવા સ્ટ્રીટ લાઇટ પોલ તથા જૂના પોલને કલર તથા રિપેરિંગ કામ પાછળ રૂા.
7,18,403, સ્ટ્રીટ લાઇટ માટે નવા થાંભલા
તથા વીજવાયર ખેંચવા પાછળ રૂા. 7,03,027, જ્યારે
લાઈટોની આઉટસોર્સિંગથી જાળવણી તેમજ નિભાવણી પાછળ 26,06,600 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તો આઉટસોર્સિંગથી મહેકમ પાછળ 72 હજાર અને અન્ય પરચૂરણ ખર્ચ
3660 રૂપિયા કરવામાં આવ્યો છે.