• સોમવાર, 27 જુલાઈ, 2026

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો 3-0થી સફાયો કર્યો

હરારે, તા. 26 : પ્રતિભાશાળી 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના આક્રમક 81 રન બાદ મયંક યાદવ સહિતના યુવા બોલર્સના શાનદાર દેખાવથી ઝિમ્બાબ્વે સામેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતનો 3પ રને સરળ વિજય થયો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે ટીમની 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમે પહેલી ટી-20 શ્રેણી જીતી છે. ભારતના 5 વિકેટે 192 રનના જવાબમાં ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 7 વિકેટે 157 રન થયા હતા. વૈભવ સૂર્યવંશી પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બન્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી રાયન બર્લે પ4 રનની લડત આપી હતી. તેના સાથમાં વેસ્લી મઘેવેરે 28 રન કરી પાંચમી વિકેટમાં 60 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી મયંક યાદવે 29 રનમાં 3, યશ ઠાકુરે 45 રનમાં 2 અને અશોક શર્માને 20 રનમાં 1 વિકેટ મળી હતી. આ પહેલાં ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનાર ભારતીય ટીમના 20 ઓવરમાં પ વિકેટે 192 રન થયા હતા, જેમાં યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીના 49 દડામાં 8 ચોગ્ગા-4 છગ્ગાથી ધુંઆધાર 81 રન મુખ્ય હતા. જો કે, તે પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ સદી ચૂકી ગયો હતો. તેના અને ઇશાન કિશન વચ્ચે બીજી વિકેટમાં પ0 દડામાં 7પ રનની ભાગીદારી થઇ હતી. ઇશાન 29 રને આઉટ થયો હતો, જ્યારે કપ્તાન શ્રેયસ અય્યરે 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિંકુ સિંહે ઈનિંગ્સના અંતિમ દડે 2પ રને આઉટ થયો હતો. તેણે 14 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા 11 રને અણનમ રહ્યો હતો. સ્ટાર ઓપનર અભિષેક શર્મા (2)ની નિષ્ફળતા યથાવત્ રહી હતી. ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ એવિન્સે સર્વાધિક બે વિકેટ લીધી હતી. ભારતીય ઈલેવનમાં શિવમ દુબે અને પ્રિંસ યાદવને રેસ્ટ આપી સૂર્યાંશ શેડગે અને અશોક શર્માને તક અપાઇ હતી. 

Panchang

dd