• સોમવાર, 27 જુલાઈ, 2026

યુનિ.ના એક્સ્ટેન્શન સેન્ટર દીકરીઓ માટે આશીર્વાદરૂપ

ભુજ, તા. 26 : કચ્છ યુનિવર્સિટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે પહોંચતું કરવા માટે એક્સ્ટેન્શન સેન્ટરો શરૂ કરાયાં છે. આ વર્ષે નવાં પાંચ એક્સ્ટેન્શન સેન્ટરો ઉમેરી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણથી ઓળખ ધરાવતા ધોરડો અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને પણ એનો લાભ મળે તે હેતુથી ગોરેવાલી માધ્યમિક શાળામાં એક્સ્ટેન્શન સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, યુનિવર્સિટી એક્સ્ટેન્શન સેન્ટરના કો-ઓર્ડિનેટર ડો. રામ સોંદરવા, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર ચૈતન્ય શ્રોફ, ધોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મિયાંહુસેન મુતવા, સિદ્ધપુરથી આવેલા અશરફ મોમીન, સુગરાબેન, ધોરડો પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.ડી. ચુડાસમા, ગોરેવાલી ગ્રામ પંચાયતના સરપંચ ગુલમામદ મુતવા, બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ અલાજુડિયા લોંગ, પચ્છમના અગ્રણી ઉમર શેરા સમા વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના એક્સ્ટેન્શન સેન્ટરના કો-ઓર્ડિનેટર ડો. રામ સોંદરવાએ પ્રાસંગિક પ્રવચનમાં આ વિસ્તારની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું. ધોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચે ઉદ્બોધનમાં સંસ્થાના સંસ્થાપક મીરખાન પી. મુતવાના આ વિસ્તાર માટેના શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોને  બિરદાવ્યા હતા. એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર ચૈતન્ય શ્રોફે બન્નીની ભાતીગળ સંસ્કૃતિ વિશે પોતાના  અનુભવો જણાવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સદાય ઉપયોગી થવા આશ્વાસન આપ્યું હતું. અધ્યક્ષસ્થાને કુલપતિએ પ્રેરક વકતવ્યમાં પોતાના બાળપણથી લઇ યુનિવર્સિટીના કુલપતિના હોદ્દા પર કઇ રીતે પહોંચ્યા તે સફર વર્ણવી હતી. અંતરિયાળ ગામોમાં પાંચ એક્સ્ટેન્શન સેન્ટર ચાલુ વર્ષે ચાલુ કર્યાં છે, તેથી કચ્છની છેવાડાની દીકરીઓ વધુમાં વધુ આ તકનો લાભ લે તેવી આશા વ્યક્ત કરી હતી. યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીઝને લગતા અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારીથી ઉપસ્થિત સૌને અવગત કર્યા હતા. સંચાલન કલાધર મુતવાએ, આભારવિધિ મૌલાના આઝાદ હાઇસ્કૂલના આચાર્ય સી.બી. ગોહિલે કરી હતી. 

Panchang

dd