હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 26 : અમદાવાદ (સરખેજ)-ધોલેરા સેમી
હાઈસ્પીડ ડબલ લાઇન રેલ કોરિડોર પ્રોજેક્ટ હવે જમીન પર પણ આકાર લઈ રહ્યો છે. 13મી, મે 2026ના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ રૂ. 20,667 કરોડના આ પ્રોજેક્ટને ઔપચારિક
મંજૂરી આપી હતી અને હવે બે મહિના બાદ પ્રોજેક્ટ અમલીકરણના તબક્કામાં આગળ વધી ચૂક્યો
છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (એસઆઈઆર)ની
રચના વખતે લગભગ 15 વર્ષ પહેલાં
જ મોટા ભાગની જમીન સંપાદિત કરી લેવામાં આવી હતી. પરિણામ સ્વરૂપ અત્યાર સુધીમાં આશરે
80 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ચૂક્યું
છે, જેના કારણે મોટા ભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં
નડતો સૌથી મોટો અવરોધ અહીં લગભગ નથી. સાબરમતીથી સરખેજ વચ્ચે લગભગ 23 કિલોમીટરની ડબલ રેલવે લાઇનનું
બાંધકામ હાલમાં ચાલુ છે. આ પ્રોજેક્ટનો આશરે 55 ટકા ભાગ એલિવેટેડ-(ઊંચાઈ પર) બનાવવામાં આવશે. જ્યારે બાકીનો
ભાગ જમીન સ્તરે તૈયાર થશે. સમગ્ર પ્રોજેક્ટ 2030-31 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. આ કોરિડોર અમદાવાદ
જિલ્લામાં આશરે 134 કિલોમીટર
લાંબો બ્રોડગેજ ડબલ લાઇન ટ્રેક હશે, જે સરખેજથી ધોલેરા સુધી જોડાણ પૂરું પાડશે. ટ્રેનની ડિઝાઇન સ્પીડ 220 કિમી પ્રતિ કલાક રહેશે. જ્યારે
ઓપરેશનલ સ્પીડ 200 કિમી પ્રતિ કલાક જેટલી હશે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સરખેજ અને ધોલેરા વચ્ચેનું અંતર માત્ર 34 મિનિટમાં અને સાબરમતીથી ધોલેરા
48 મિનિટમાં કાપી શકાશે. આ કોરિડોરને
ભવિષ્યમાં ભાવનગર સુધી લંબાવવાની યોજના પણ પ્રગતિમાં છે. બાવલિયારીથી ભાવનગર સુધીના
રૂટ માટે હાલમાં સર્વે કામગીરી ચાલી રહી છે. સર્વે પૂર્ણ થયા બાદ ભાવનગરને પણ ધોલેરા
અને સરખેજ સાથે સીધું રેલ જોડાણ મળશે, જેનાથી ભાવનગરથી અમદાવાદ વચ્ચેની મુસાફરી પણ વધુ ઝડપી બનશે. આ કોરિડોર અમદાવાદ
અને ધોલેરાની સાથે ધોલેરા એસઆઈઆર, આગામી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ
અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને પણ સીધું જોડાણ આપશે. આ પ્રોજેક્ટથી
લગભગ 284 ગામડાંને સીધો ફાયદો થશે, જેની કુલ વસ્તી આશરે 5ાંચ લાખ જેટલી છે. આ પ્રોજેક્ટ પીએમ ગતિ
શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટીયલ કોરિડોર (ડીએમઆઈસી)નો પણ ભાગ
છે.