વોશિંગ્ટન, તા. 26 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
ઈરાન પર સતત 13 દિવસ સુધી ચાલેલા લશ્કરી હુમલાઓ
બાદ અચાનક તમામ નવા હુમલાઓ રોકી દેવાનો સેનાને આદેશ આપ્યો છે. `ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' અને `એક્સિઓસ'ના અહેવાલો
અનુસાર, શુક્રવારે વ્હાઇટ હાઉસમાં ટોચના સલાહકારો અને કેબિનેટ
સભ્યો સાથે યોજાયેલી મહત્ત્વની બેઠક બાદ ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો હતો. રોજના ક્રમ મુજબ શુક્રવારે પણ લશ્કરે હુમલાનું નવું
પ્લાનિંગ રજૂ કર્યું હતું, પરંતુ ટ્રમ્પે તેને મંજૂરી આપવાનો
સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ટ્રમ્પના આ નિર્ણય પાછળ અમેરિકન સેનાની મહત્ત્વની ચેતવણી
જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેન અને
અન્ય લશ્કરી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, જો ઈરાન સામે આ
જ રીતે મોટો મોરચો ચાલુ રાખવામાં આવશે, તો મધ્ય-પૂર્વમાં તૈનાત
અમેરિકન સેના પાસે પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને એર ડિફેન્સ શત્રોનો જથ્થો ખતરનાક
સ્તરે ઘટી જશે. આનાથી ત્યાં તૈનાત અમેરિકન સૈનિકો અને મિત્ર દેશોની સુરક્ષા જોખમમાં
મુકાઈ શકે છે. લશ્કરી કાર્યવાહી અટકાવ્યા બાદ
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, `અમેરિકા પાસે ઈરાન પર ફરીથી ગમે ત્યારે
ત્રાટકવાનો અને તેની તમામ સંપત્તિઓ નષ્ટ કરવાનો વિકલ્પ ખુલ્લો જ છે, પરંતુ મારી નજરમાં લશ્કરી તાકાત બતાવવા કરતાં
ઈરાન સાથે સમજદારીપૂર્વકનો કરાર કરવો એ વધુ યોગ્ય વ્યૂહરચના છે.' તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકા અત્યારે ઈરાન સાથે વાટાઘાટો
કરી રહ્યું છે અને ઈરાન પણ આ સંવાદને લઈને ગંભીર બની રહ્યું છે. અમેરિકાના આ અચાનક
નિર્ણય પહેલાં ઈઝરાયલ અત્યંત હાઈએલર્ટ પર હતું, કારણ કે તેમને
ભય હતો કે જો અમેરિકા વધુ એક હુમલો કરશે તો ઈરાન વળતો પ્રહાર ઈઝરાયલ પર કરી શકે છે.
હાલ પૂરતો આ નિર્ણય અસ્થાયી છે કે લાંબા ગાળાનો તે સ્પષ્ટ નથી, પરંતુ અમેરિકન સેનાએ ટૂંક સમયમાં ફરી હુમલા શરૂ કરવાની યોજનાઓ તૈયાર રાખી છે.
વ્હાઇટ હાઉસે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.