• સોમવાર, 06 જુલાઈ, 2026

ભુજનું રોટરી તોરલ ગાર્ડન ત્રણ વર્ષથી વેન્ટીલેટર પર

ભુજ, તા. 5 : શહેરમાં ભુજના વોર્ડ નંબર 11 ખાતે પ્રમુખ સ્વામી નગર ગેટ નં. 2 પાસે આવેલું રોટરી તોરલ ગાર્ડન છેલ્લાં ત્રણ વર્ષથી યોગ્ય રખરખાવ અને જાળવણીના અભાવે બિસમાર હાલતમાં છે. આ બગીચો હાલ લોકભોગ્ય રહ્યો નથી. એક સમયે વસાહતની શાન ગણાતો આ બગીચો દુર્દશાનો કાયમી ઉકેલ માગે છે તેવી ફરિયાદો ઊઠી છે. હાલમાં ગાર્ડનમાં લીલાછમ વૃક્ષોની બદલે ઘાસનો પથારો થઇ ગયો છે, બાળકો માટેના રમતના સાધનો, બેસવા માટેના બાંકડા અને લાઇટિંગની વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી છે. વેરાન ભાસતા બગીચાના માહોલમાં બહાર પણ લાઈનો નાખવા થયેલાં ખોદકામ અને પેવરબ્લોકના ખડકલા વિસ્તરેલા પડયા છે તેવું અહીં નિયમિત ફરવા આવનારા જણાવી  રહ્યા છે. વર્ષ 2005માં દાતા પ્રેમલતાબેન કાકુભાઈ રંગવાલાના હસ્તે, તત્કાલીન કલેક્ટર અને ભાડાના ચેરમેનની ઉપસ્થિતિમાં આ તોરલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન રોટરી તોરલ ચેરિટેબલ સોસાયટી ભુજ દ્વારા કરવામાં આવતું હતું. સ્થાનિક રહીશોની માંગ છે કે, આ બગીચાની ખરાબ હાલત સુધારીને તેને વહેલી તકે લોકભોગ્ય બનાવવામાં આવે. જો અહીં ફરીથી ગ્રીનરી, લાઈટિંગ અને બાળકો માટેના સાધનો વ્યવસ્થિત કરીને ગાર્ડન ત્વરિત શરૂ કરવામાં આવે, તો આ વસાહતની રોનક અને શાન ફરી પાછી આવી શકે તેમ છે. - બગીચો નગરપાલિકા હસ્તક લેવાઈ રહ્યો છે : બિંદિયાબેન ઠક્કર : બગીચાના પુન:ઉદ્ધાર અંગે માહિતી આપતાં વોર્ડના કાઉન્સિલર  નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, સ્થાનિક રહેવાસીઓની સતત માંગ અને બગીચાના બ્યૂટીફિકેશનને ધ્યાને લઈને અમે આગળ વધ્યા છીએ. આ બગીચાને નગરપાલિકા હસ્તક લેવા માટે ગત વર્ષે જ પ્રક્રિયા કરી દેવાઈ છે. બગીચાને ફરીથી ધમધમતો કરવા માટે ભાડાને નિયત થતું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે. સંભવત: આ વર્ષના અંત સુધીમાં બધી કામગીરી પૂર્ણ થઈ જશે અને આવતાં વર્ષે આ બગીચો ફરી લોકોને સોંપી દેવાશે.  

Panchang

dd