કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 5 : કચ્છની નગરપાલિકાઓમાં જન્મ-મરણ
વર્ષ 2019 પહેલાના દાખલા મેળવવામાં અરજદારોને
નાકે દમ આવી જતો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. સરકારના સીઆરએસ પોર્ટલમાં વારંવાર કોઈ
ને કોઈ ક્ષતિથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. વળી, છેલ્લા એકાદ માસથી એન્ટ્રી જિલ્લા કક્ષાએ જાય
છે, જ્યાં મંજૂરીને લાંબો સમય લાગી જતો હોવાથી સમસ્યા વધી હોવાના
આક્ષેપ ઊઠયા હતા. આ પ્રશ્નોને પગલે કોઈકના એડમિશન તો કોઈકના પાસપોર્ટની પ્રક્રિયા અટકી
છે. નગરપાલિકાઓ મારફતે ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. - ભુજ સુધરાઈમાં જૂની અરજી લેવાનું
બંધ : વર્ષ 2015 પહેલાના જન્મ-મરણના દાખલાની એન્ટ્રી કોમ્પ્યુટરમાં કરતાં જ તે
સીધી જિલ્લા રજિસ્ટ્રારમાં હાલી જાય અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ કામ આગળ વધી શકે, જેથી હાલમાં જૂની એન્ટ્રી લેવાતી ન હોવાની માહિતી
ભુજ સુધરાઈમાંથી પ્રાપ્ત થઈ હતી. વળી, મલ્ટિ લોગઈન સિસ્ટમ પણ
બંધ થઈ જતાં પડતર અરજીઓની સંખ્યા વધી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. દરરોજ જૂની 20થી 25 અરજી આવતી હોય છે, પણ મંજૂરીમાં લાંબો સમય નીકળતો હોવાથી અરજી લેવાની ના પડાતી હોવાનું પણ જાણવા
મળ્યું હતું. જો પહેલાની
માફક સુધરાઈને જ પાવર્સ અપાય તો હજારો લોકોને રાહત પહોંચી શકે તેવી લાગણી વ્યક્ત થઈ
રહી છે. - અંજારમાં 2015 પહેલાના દાખલામાં વિલંબ : અંજાર સુધરાઈમાં જન્મ-મરણના દાખલાની નોંધની
પૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં જ અરજદારોને 10થી 15 મિનિટમાં ઈસ્યૂ કરવામાં આવે છે. ગત વર્ષે સુધરાઈના રેકર્ડ ઉપર
3,417 જન્મ થયાની નોંધ અને 479 મરણ થયાની નોંધ દફતરે થઈ હતી. માત્ર 2015 પહેલાના જન્મ-મરણના દાખલા અપાતા
નથી, કોમ્પ્યુટરમાં ઉપર સિસ્ટમમાં ક્યુઆર કોડ છે,
તે આ દાખલાની વિગત સ્વીકારતા ન હોવાથી ઉપરની સિસ્ટમથી જ દાખલાઓ ઈસ્યૂ
કરી શકાતા નથી. રેગ્યુલર દાખલા ઈસ્યૂ કરવાની કામગીરી સરળતાથી થતી હોવાનું અધિકારીઓએ જણાવ્યું
હતું. - ગાંધીધામમાં
400 અરજી : ગાંધીધામ મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી
વિભાગમાં ભારત સરકારના સીઆરએસ પોર્ટલમાં વારંવાર કોઈ ને કોઈ ક્ષતિ સર્જાતી હોવાથી અરજદારોને
સમયસર જન્મના પ્રમાણપત્રો આપી શકાતા નથી, જેના કારણે લોકોમાં આક્રોશ છે. મહાનગરપાલિકાએ જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી
છે, સમસ્યાનું સમાધાન હજી સુધી આવ્યું નથી, તેના કારણે કર્મચારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. ઓપરેટરની યુઝર આઈડીમાં
જૂની એન્ટ્રીઓની વ્યવસ્થા ન હોવાથી વ્યાપક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, ટેકનિકલ ક્ષતિનાં કારણે સબ રજિસ્ટ્રારની આઈડીમાંથી જૂની એન્ટ્રીઓ સબમિટ કરતાં
તે સીધી જિલ્લા રજિસ્ટ્રારની આઈડીમાં ફોરવર્ડ થાય છે. શરૂઆતી તબક્કામાં સી.આર.એસ. પોર્ટલ
ઉપર જૂની એન્ટ્રીઓ સબ રજિસ્ટ્રારની આઈડીમાંથી જ વેરિફાય થતી હતી અને રાબેતા મુજબ કામગીરી
પણ થઈ રહી હતી, પરંતુ ટેકનિકલ ક્ષતિ સર્જાયા પછી તમામ એન્ટ્રીઓ
જિલ્લા રજિસ્ટ્રારની આઈડીમાં ફોરવર્ડ થાય છે, જેના કારણે સમયસર
અરજીઓનો નિકાલ થતો નથી, હાલના સમયે 400થી વધુ અરજીઓ પેન્ડિંગ છે.
કોમ્પ્યુટર ઓપરેટરોની યુઝર આઇડીમાં જૂની એન્ટ્રીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે
તો સમસ્યાનું સમાધાન આવી શકે તેમ છે. - રાપરમાં મંજૂરી અને સહીએ જફા વધારી : રાપર નગરપાલિકાના જન્મ-મરણના દાખલાની કામગીરી
સંભાળતા સંજયાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 2015 પહેલાં જે ઓનલાઈન એન્ટ્રી ન
હતી ત્યારના દાખલા માટે જિલ્લા પંચાયતનું એપ્રૂવલ જરૂરી હોય છે અને તે મળવામાં વિલંબ
થતો હોવાથી એવી પચાસેક અરજી પેન્ડિંગ છે. હવે ઓનલાઈન જન્મ-મરણના દાખલા માટેના સોગંદનામાંમાં
મુખ્ય અધિકારીની સહી કરાવવાની રહેતી હોય છે. હાલમાં મુખ્ય અધિકારીનો ચાર્જ ભચાઉના મુખ્ય
અધિકારી પાસે હોવાથી સહી કરવામાં સમય નીકળી જાય છે,
જેથી આવા દાખલામાં વિલંબ થતો હોય છે. આવી 80થી 100 જેટલી અરજી પેન્ડિંગ હતી,
જે મુખ્ય અધિકારીની સહી થઈ જતાં તેનો નિકાલ ટૂંક સમયમાં જ થઈ જશે. - મુંદરા પરેશાન : મુંદરા નગરપાલિકા વિસ્તારને સંબંધ છે ત્યાં
સુધી નગરવાસીઓ અવારનાવાર એવી ફરિયાદો કરે છે કે,
જન્મ-મરણના દાખલા માટે ઘણા ધક્કા ખાવા પડે છે. ક્યારેક નાના એક કાગળ
માટે કામ અટકી જાય છે. મરણના દાખલા વખતે રેકર્ડ ઉપલબ્ધ થતા નથી અને પંચાયતમાંથી નગરપાલિકા
બન્યા બાદ રેકર્ડ ન હોવાનું જણાવી ના કરી દેવાય છે. એને કારણે ખોટા અને બિનજરૂરી એફિડેવિટો પણ કરવા પડે છે. સ્ટાફ અને કોમ્પ્યુટરની સંખ્યા પણ ઓછી પડે છે. - લોગઈન મર્યાદાથી મુશ્કેલી : ગત સપ્ટેમ્બર '25થી `સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સિસ્ટમ' અમલમાં લાગુ કર્યા પછી જન્મ સહિતની નોંધણીના
દાખલા પ્રમાણપત્રોનું કેન્દ્રીયકરણ થઈ જતાં અધિકૃત સ્થળેથી એપ્રૂવલ ન આવે ત્યાં સુધી
અરજદારોને ધક્કા સાથે ઈંતેજાર કરવો પડતો હોવાથી તંત્ર સાથે ઘણીવાર સંઘર્ષની ઘડી લમણે
લખાતાં બળાપો સર્જાયો છે. આ બંદરીય નગર સેવા સદનની કચેરીએ લગભગ દોઢ-બે મહિનાથી 250 કરતાં વધારે અરજીઓ નિકાલની
વાટ જોઈ રહી છે. ત્રણ-ત્રણ કોમ્પ્યુટર અને એટલા જ ઓપરેટરો હોવા છતાં એક જ કોમ્પ્યુટર
ઉપર લોગઈન મર્યાદિત હોવાથી સમયની બરબાદી વળી લટકાંમાં તેવી હાલત જાણવા મળી હતી. 2019 પછીના કિસ્સામાં ત્વરિત નિરાકરણ, પરંતુ એ પહેલાંની નોંધ કેન્દ્રીયકરણ હેઠળ છે.
આ સંબંધે અનેકવાર લેખિત- મૌખિક રીતે ઉપલી કક્ષાએ
રજૂઆતો વડે ધ્યાન દોરવામાં આવ્યું છે. અપાતી વિગતો પ્રમાણે ત્રણ કોમ્પ્યુટર,
ત્રણ ઓપરેટર છે, પરંતુ લોગઈન કેબલ એક જ કોમ્પ્યુટર
ઉપર સંભવ હોવાથી લાઈનો લાગે તે સ્વાભાવિક છે. પોર્ટલ નવું છે. અપડેટ કરાતું રહે છે.
લોગઈન ન થાય, એન્ટ્રી સબમિટ ન થાય, સર્વર
ધીમું હોય, લાઈન ડિસકનેક્ટ થઈ જાય, `રેકર્ડ નોટ ફાઉન્ડ', સર્વર બંધ થઈ જાય વિગેરે મુશ્કેલીઓનો સામનો
કરવો પડે. શાળાઓ ખૂલતાં આધારકાર્ડ અપડેટ કરાવાય, જન્મ નેંધણી
હોય. અત્યારે અઢીસો કરતાં વધારે અરજીઓ પડતર છે. શહેરી વિસ્તાર, તાલુકાની 45 જેટલી ગ્રામ
પંચાયત વગેરે જોતાં તમામનું એક જ સ્થળે કેન્દ્રીકરણ વિકેન્દ્રિત કરવામાં આવે તે અનિવાર્ય
છે અથવા પેશ એન્ટ્રી ગણતરીના કલાકમાં એપ્રૂવલ થાય કે નિરાકરણ પામે તે સમયની માંગ છે.
- લાભ મેળવવામાં મુશ્કેલી : નખત્રાણા : વર્તમાન સમયમાં નોકરી, અભ્યાસ, વિવિધ સરકારી
યોજનાઓની સહાય મેળવવા, બેન્ક લોન, વારસાઈ,
હક્કપત્રકોમાં ફેરફાર, દર્દીઓને સહાય મેળવવા સહિત
અનેક પ્રશ્ને નગરપાલિકામાં પ્રમાણપત્ર મેળવવા જતા અરજદારોને આવશ્યક સને 2015થી અગાઉના વર્ષોના પ્રમાણપત્ર
મળતા ન હોવાથી અરજદારોમાં નારાજગી ફેલાઈ છે. આ સમસ્યા અંગે પાલિકાની વહીવટી શાખાના
સૂત્રોનો સંપર્ક કરતાં જણાવ્યું કે, વર્ષ 2015 અગાઉના જન્મ, મરણના પ્રમાણપત્રો ગાંધીનગરથી જ ઓનલાઈન સિસ્ટમ
બંધ કરવામાં આવવાથી અરજદારોની માગણી મુજબના પ્રમાણપત્ર જિલ્લા આરોગ્ય વિભાગ કચેરીએથી
થતા હોવાના કારણે દાખલા માટે જિલ્લા મથકે ઓનલાઈન રિક્વેસ્ટ કરાય છે અને તે માટે અનેક
અરજદારોના પ્રમાણપત્ર મેળવવા અરજી કરવામાં આવી છે, પણ તે વિસેક
દિવસથી હજી સુધી પ્રમાણપત્રો આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ દાખલા મળવા માટે એક
માસ જેટલો સમય લાગશે, તેવું અરજદારોને કહેવામાં આવે છે. અત્રે
ઉલ્લેખનીય છે કે, નખત્રાણા નગરપાલિકામાં સમાવિષ્ટ કુલ છ ગામની
32,000થી ઉપરની વસ્તી છે. - નવી સિસ્ટમ
કાર્યરત કરાઈ, પણ ટેકનિકલ
ક્ષતિને પગલે મુશ્કેલી સર્જાઈ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ
ભંડેરીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કૌભાંડ બહાર આવતાં ગુજરાતમાં સિસ્ટમમાં ફેરફાર કરાયો,
પણ તેની જાણ મોડી કરાતાં અને ટેકનિકલ ક્ષતિને પગલે અરજીઓ પડતર રહી. ઉપરાંત
એક અરજી દીઠ એક ઓટીપી આવે અને ત્યારબાદ અલગ-અલગ સ્તરની ચકાસણી કરી મંજૂરી અપાતી હોય,
આવી 2300થી વધુ અરજી
પડતર હોવા ઉપરાંત નવી અરજીઓ અલગથી આવે, જેથી સ્વાભાવિકપણે જ અરજદાણરને સર્ટિ. મળતા વાર લાગે. અમુક કિસ્સામાં અરજદારના
એટેચમેન્ટમાં ક્ષતિ હોય તો રિજેક્ટ કરવા પડે છે. જો કે, તત્કાળ
જરૂરિયાત હોય તો 24 કલાકમાં પ્રમાણપત્ર
અપાતું હોવાનું શ્રી ભંડેરીએ ઉમેર્યું હતું.