કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : મૂળ બિદડા (કચ્છ)ના અને
કર્મભૂમિ પશ્ચિમ બંગાળને બનાવીને દેશની રાજનીતિમાં કાઠું કાઢનારા દિનેશ ત્રિવેદીને
બાંગલાદેશમાં હાઇકમિશનર જેવું ઉચ્ચ રાજદ્વારી પદ મળતાં ઇતિહાસ રચાયો છે. શ્રી ત્રિવેદીએ
હોદ્દો સંભાળીને તુરત જ બાંગલાદેશી નાગરિકો માટે પ્રવાસી વિઝા સુવિધા પુન: સ્થાપિત કરી દીધી છે. બાંગલાદેશમાં રાજકીય ઊથલપાથલને
પગલે ભારત સાથેના સંબંધોમાં કેટલાક સમયથી કડવાશ આવી છે. એ પછી ત્યાં ચૂંટણીઓ થઇ અને
નવી સરકારે સત્તા સંભાળી લીધી છે. બાંગલાદેશ આપણું પડોશી છે. પાકિસ્તાન અને ચીનના રવાડે
ચડીને ભારત સાથેની મિત્રતા અભેરાઇએ મૂકી દીધી... ધીરે ધીરે માહોલ સુધરી રહ્યો છે. મોદી
સરકારને દિનેશભાઇની કુનેહમાં વિશ્વાસ છે કે તેઓ પોતાની મીઠાશ અને મુત્સદ્દીગીરીથી દ્વિપક્ષીય
સંબંધોની ગાડી પાટે ચડાવી દેશે. કોઇ દેશના એલચી,
રાજદૂત કે હાઇકમિશનર બનવું એ મોટી પ્રતિષ્ઠાની વાત છે. રાષ્ટ્રમાં ભારતના
મુખ્ય દૂત તરીકે તેમણે દ્વિપક્ષીય સંબંધો સુદૃઢ બને અને એ દેશમાં પોતાના નાગરિકોનું
હિત જળવાય, વેપાર - સાંસ્કૃતિક આદાન - પ્રદાન થાય એ કામગીરી પણ
બજાવવાની હોય છે. દિનેશભાઇ ઢાકા ગયા એ પહેલાં કચ્છમાંથી એમ.સી. ચાગલા, મહારાવ મદનસિંહજી, ભૂપત ઓઝા પણ અનેક દેશમાં રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે.મહારાવ મદનસિંહજીને
નોર્વેની સેવા માટે જાણીએ છીએ, પણ તેમણે વિવિધ સ્તરે આપેલી સેવાની
વિગત રસપ્રદ છે. મદનસિંહજી 1953માં ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા હતા. 1953થી 1956 સુધી લંડનમાં માનદ્ મિનિસ્ટર
કાઉન્સેલર તરીકે સેવા આપી હતી. 1957થી 1960 સુધી નોર્વેમાં એમ્બેસેડર
પદે કાર્યરત રહ્યા. 1960થી 1661 દરમ્યાન ચિલીના રાજદૂત તરીકે
પણ ફરજ બજાવી હતી. લંડન ખાતે ભારત સરકારની ફોરેન સર્વિસમાં માનદ્મંત્રી તરીકે તેમની
કામગીરીમાં ભારતના પ્રધાનો કે અન્ય અધિકારીઓ લંડન આવે તેમની સાથે ઇંગ્લેન્ડના અધિકારીઓની
મુલાકાત - ચર્ચા ગોઠવવાનું હતું. હાઇકમિશનરની ગેરહાજરીમાં તેમનું પ્રતિનિધિત્વ કરતા
અને લંડનની રાજકીય મિટિંગમાં પણ ભાગ લેવા જવાનું થતું. બીજાં વિશ્વયુદ્ધ દરમ્યાન ભારતને
થયેલાં નુકસાનનાં વળતરની કામગીરીમાં અને ભારતના ભાગે કેટલું વળતર નક્કી કરવું તેમાં
મદનસિંહજીએ ખૂબ મહેનત કરી હતી. એ પ્રક્રિયા દરમ્યાન તે વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ
નેહરુ બે - ત્રણ વખત લંડન આવ્યા હતા. એમની સાથે મહારાવ બેઠકોમાં ભાગ લેતા. દેશી રાજ્યો
ભારતમાં સામેલ થયા પછી સરકારની ફોરેન સર્વિસમાં બેથી ત્રણ રાજવીઓને લેવામાં આવ્યા હતા, તેમાં કચ્છના મહારાવનો સમાવેશ થતો હતો. મદનસિંહજીની
કામગીરીથી નેહરુ ખૂબ પ્રભાવિત હતા. લંડનમાં ચાર વર્ષ રહ્યા પછી મદનસિંહજી નોર્વે ગયા.
ત્યાં ઇંગ્લેન્ડનો અનુભવ ખૂબ કામ આવ્યો હતો. `વતનનો વાર્તાલાપ'માં મદનસિંહજીએ નોંધ્યું છે કે નોર્વેના રાજવીને
કચ્છ વિશેની વાતો સંભળાવી તો તે સાંભળીને ખુશ થઇ ગયા. નોર્વેનાં રાજકુટુંબ સાથે કચ્છનાં
રાજકુટુંબનો ગાઢ પરિચય થયો હતો. મદનસિંહજીનાં પાંચ વર્ષ નોર્વેમાં રોકાણ દરમ્યાન પંડિત
નેહરુ ઉપરાંત સર્વપલ્લી રાધાકૃષ્ણન્, વિજયાલક્ષ્મી પંડિત,
સાહિત્યકાર કનૈયાલાલ મુનશી તથા લીલાવતી મુનશીએ નોર્વેની મુલાકાત લીધી
હતી. નોર્વેથી લેટિન અમેરિકન દેશ ચિલીમાં મદનસિંહજીની બદલી થઇ અને તેમને બાજુના બે
દેશ બુલોવિયા અને કોલંબિયાના રાજદૂત તરીકે પણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ચિલીની જીવનશૈલી
- આબોહવા - રીતભાત મહારાવને પસંદ ન પડયાં. તબિયતને અસર થવા લાગી એટલે એકાદ વર્ષ બાદ
તેમણે નેહરુજીને ચિલીમાંથી મુક્ત કરવા અનુરોધ કર્યો અને ડિસેમ્બર - 1961માં ભારતની વિદેશસેવામાંથી
તેઓ છૂટા થયા. મહારાવ મદનસિંહજીને નેહરુ ઉપરાંત ભારત સ્થિત છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ
માઉન્ટ બેટન સાથે પણ મૈત્રીભર્યા સંબંધો હતા. મૂળ કચ્છના ભૂપતરાય મહાશંકર ઓઝા 1978 - 81 દરમ્યાન સિંગાપોર, 1984થી 1988 સ્વિડન, 1988થી 92 ચેકોસ્લોવાકિયા અને 1992થી 94 દક્ષિણ કોરિયામાં હાઇકમિશનર
રહ્યા હતા. આ સમૃદ્ધ - પ્રગતિશીલ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત કરવામાં
તેમણે યોગદાન આપ્યું હતું. એક સમયે શ્રી ઓઝા ભુજના પબુરાઇ ફળિયામાં રહેતા. 1961ની બેચના આઇએએસ હતા. ચીન, જાપાન અને શ્રીલંકામાં ભારતીય એમ્બેસીમાં વિવિધ
પદ પર તેમણે સેવા આપી હતી. મૂળ કચ્છી ઇસ્માઇલી ખોજા મોહંમદઅલી કરીમ ચાગલા ભારતીય ન્યાયવિદ્, રાજનીતિજ્ઞ અને કેબિનેટ મંત્રી હતા. 1947થી 1958 સુધી બોમ્બે હાઇકોર્ટના મુખ્ય
ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી હતી. સપ્ટેમ્બર - 1957થી 1959 દરમ્યાન હેગ
ખાતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના એડહોક ન્યાયાધીશ બન્યા. સેવાનિવૃત્તિ બાદ તેમણે 1958થી 1961 સુધી અમેરિકામાં ભારતીય રાજદૂત
તરીકે કાર્ય કર્યું. એ પછી 1962થી 1963 દરમ્યાન યુ.કે.માં ભારતીય ઉચ્ચાયુક્ત
તરીકે ફરજ બજાવી હતી. યુ.કે.થી પણ ફરતાં શ્રી ચાગલાને કેબિનેટ મંત્રીપદ ઓફર થતાં તે
સ્વીકારી લીધું અને શિક્ષણ મંત્રાલય તથા વિદેશ મંત્રાલયમાં સેવાઓ આપી હતી. બાંગલાદેશ
સાથે સંબંધો સુધારવા ખૂબ પડકારભર્યું છે. ત્યાંના વડાપ્રધાન તારિક રહેમાને પોતાની પહેલી
વિદેશયાત્રા મલેશિયાની કરી, એ પછી ચીન
ગયા. દિનેશ ત્રિવેદી પર ભારતને ઘણી અપેક્ષા છે. વડાપ્રધાન મોદીએ તેમની પસંદગી કુનેહપૂર્વક
કરી છે. તેમના વિશે વધુ ફરી ક્યારેક.