શિવપુરી (મધ્યપ્રદેશ), તા. 5 (પીટીઆઈ)
: મધ્યપ્રદેશમાં હવે અત્યાધુનિક મિસાઈલો બનશે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીયમંત્રી
જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે શિવપુરી જિલ્લામાં સ્થાપિત થઈ રહેલા અદાણીના સંરક્ષણ
ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ દક્ષિણ એશિયાનો સૌથી મોટો ખાનગી પ્લાન્ટ
છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ યુનિટ
અદાણી ગ્રુપની પેટા કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા લગભગ 2500 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત
કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ વિરાટ રોકાણને આવકારતાં
જણાવ્યું હતું કે, `આ રોકાણ વ્યૂહાત્મક ઉત્પાદનનાં સ્થળ તરીકે
મધ્યપ્રદેશની એક પસંદગીનાં સ્થળની ઓળખને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની અતિ મહત્ત્વની સ્વદેશી સંરક્ષણ ઇકોસિસ્ટમને
મજબૂત બનાવવા સાથે આ પ્રકલ્પ ઔદ્યોગિક વિકાસને વેગવંતો બનાવશે તેથી રાજ્યમાં વધુ મોટાં
રોકાણોને આકર્ષશે. ગુનાના સંસદ સભ્ય અને કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે,
આપણા રાજ્યની ધરતીમાં આ અદ્યતન સંરક્ષણ ઉત્પાદન એકમ ઉચ્ચ ગુણવત્તાની
રોજગારીની તકોનું નિર્માણ કરી ભવિષ્યની એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના નિર્દેશક જીત અદાણીએ
આ પ્રસંગે જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રના પરીઘ બહાર આ એક
ઐતિહાસિક પ્રથમ ઘટના અંતર્ગત પ્રસ્તાવિત આ સુવિધા કાચો માલ અને મિશન-તૈયાર મિસાઇલોને
એક છત નીચે લાવશે. આત્મનિર્ભર તરફની આ યાત્રામાં અમે મધ્યમથી લાંબાં અંતરની મિસાઇલ
સિસ્ટમ્સનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ અંતરની, સંકલિત મિસાઇલ
ઇકોસિસ્ટમ લાવીને વિદેશી અવલંબનને સ્થાનિક શક્તિથી બદલી રહ્યા છીએ તે દૃષ્ટિએ આ શિવપુરીની
આગામી હરણફાળ છે, એમ તેમણે કહ્યું હતું. આગામી ત્રણ વર્ષમાં,
અમે રૂા. 2,500 કરોડનાં રોકાણ
સાથે આ અત્યાધુનિક સુવિધાનું નિર્માણ કરીશું, જેનાથી 5,000 પ્રત્યક્ષ
અને પરોક્ષ મળી 5,000 રોજગારીની
તકોનું સર્જન થશે અને 50થી વધુ સુક્ષમ
અને લઘુ-મધ્યમ ઔદ્યોગિક એકમોને ઉચ્ચ કક્ષાની એક વિશિષ્ટ સપ્લાય ચેઇનમાં જોડવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ
ઇકોનોમિક ઝોનલના મેનેજિંગ ડાયરેક્ટર અને અદાણી સિમેન્ટના ડાયરેક્ટર કરણ અદાણી પણ ઉપસ્થિત
રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, યાદવ અને સિંધિયાએ 211.29 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટસનું
ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.