• સોમવાર, 06 જુલાઈ, 2026

રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળશે

અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે જામ્યું છે અને આગામી દિવસોમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનત્તમ આગાહી અનુસાર, રાજ્યમાં હજુ  આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. દરમ્યાન અમરેલીના રાજુલામાં 10 ઇંચ વરસાદને લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે, તો ખાંભામાં 8 ઇંચ વરસાદ પડયો હતો. અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બાટિંગ કરતાં સમગ્ર વિસ્તાર જળબંબોળ બન્યો છે. નદી-નાળાંઓ બે કાંઠે વહેવા લાગતાં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે અને ડેમ ઓવરફ્લો થવા લાગ્યા છે. રાજુલામાં 10 ઇંચ અને ખાંભામાં 8 ઇંચ વરસાદ ખાબકતાં રાયડી ડેમના દરવાજા ખોલાયા છે, જેના કારણે ધારાબંદર અને જોલાપુરીના ઘરોમાં ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું પડયું છે. વરસાદી આફતના લીધે બોરાળા ગામનો પૂર સંરક્ષણ પાળો તૂટતાં ગામ સંપર્કવિહોણું બન્યું છે, જ્યારે ઓલિયા નજીક સ્ટેટ હાઈ-વે ધોવાઈ જતાં અમરેલી-સાવરકુંડલા માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે. બીજી તરફ, માળિયા હાટીના અને કુતિયાણા પંથકમાં ત્રણેક દિવસમાં 25થી 30 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ખેતરો ધોવાઈ ગયા છે  રાજ્યના વિવિધ ભાગોમાં આગામી બે દિવસ આકાશી આફત  જેવા સાબિત થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા, ત્યાં અત્યંત ભારે વરસાદનું  રેડ એલર્ટ  જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદની શક્યતાને પગલે  ઓરેન્જ એલર્ટ  આપવામાં આવ્યું છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જેને પગલે વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં આગામી સમય ભારે કટોકટીભર્યો રહી શકે છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની આશંકાને પગલે સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા ધમધમશે. આ વિસ્તારો માટે `ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકનારો વરસાદ સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી શકે છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના બંદરો પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વાવાઝોડાં જેવા તેજ પવન સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામશે. ધૂળની ડમરીઓ અને તેજ ગતિએ ફૂંકાતા પવનને કારણે વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.  8 જુલાઇ બાદ 11 જુલાઇ સુધી વરસાદનું જોર રાજ્યમાં ઘટશે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં મોન્સૂન સિઝનનો સરેરાશ કુલ વરસાદ 15.26 ટકા નોંધાયો છે. આજે દિવસ દરમિયાન 96 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ખાંભામાં 8 ઇંચ, ધારીમાં 6.85 ઈંચ, લીલિયામાં 4.21 ઇંચ, બગસરામાં 4.17 ઇંચ, સાવરકુંડલામાં 3.98 ઇંચ અને જાફરાબાદમાં 3.82 ઇંચ વરસાદ થયો છે.  

Panchang

dd