નવી દિલ્હી, તા. 5 : સરહદ પર હથિયાર
નહીં, પરંતુ આ વખતે ચીને પોતાની ગુપ્ત નજર મજબૂત કરી
હોય તેમ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ચીને મ્યાનમાર
સરહદને અડીને આવેલા પોતાના યુનાન પ્રાંતમા સક્રિય થયેલું નવું લાર્જ ફેસ્ડ એર રડાર
(એલપીએઆર) ભારત માટે નવી વ્યૂહાત્મક ચિંતા ઊભી કરી શકે છે. જો કે, આ તૈનાતી અંગે ભારત કે ચીન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું
નથી. એવો દાવો કરાઈ રહ્યો છે કે, પાંચ હજાર કિમીની રેન્જ ધરાવતું
આ રડાર ભારતના મિસાઈલ પરીક્ષણોને ટ્રેક કરવા અને હિંદ મહાસાગરના મોટા હિસ્સા પર નજર
રાખવા માટે સક્ષમ છે. આથી, સુરક્ષાના દ્રષ્ટિકોણથી તેને ભારત
માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું
છે. ચીન છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની સર્વેલન્સ સિસ્ટમને સતત મજબૂત કરી રહ્યું છે.
આ જ કડીમાં યુનાનમાં લગાવવામાં આવેલું આ નવું એલપીએઆર રડાર ખૂબ મહત્ત્વનું છે,
જેની મદદથી દૂરથી જ બેલિસ્ટિક મિસાઈલ શોધી શકે છે, તેની ઉડાન પર નજર રાખી શકે છે અને તેની સચોટ માહિતી એકત્રિત કરી શકે છે. તેની
5000 કિલોમીટરથી વધુની ક્ષમતાને
કારણે ચીન ભારતના પૂર્વીય ભાગ, બંગાળની
ખાડી અને હિંદ મહાસાગરના વિશાળ વિસ્તાર પર સરળતાથી નજર રાખી શકશે. આ રડાર ઓરિસ્સાના
ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી થતા મિસાઈલ પરીક્ષણોને પણ ટ્રેક કરી શકે છે. ભારત
આ જ સ્થળેથી અગ્નિ-5, કે-4 અને અન્ય આધુનિક મિસાઈલોનું પરીક્ષણ કરે
છે. જો કોઈ દેશને આ મિસાઈલોની ઉડાન અને અન્ય ટેકનિકલ માહિતી મળી જાય, તો તે પોતાની સંરક્ષણ તૈયારીઓને તે જ મુજબ મજબૂત
કરી શકે છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.હિંદ મહાસાગર ભારત
માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વનો છે, જ્યાં ભારતીય નૌસેનાની
મજબૂત હાજરી છે અને દુનિયાના ઘણા મોટા દરિયાઈ વેપાર માર્ગો અહીંથી પસાર થાય છે. ચીન
પાસે અગાઉથી જ શિનજિયાંગ અને કોરલામાં આવા લાંબા અંતરના રડાર છે. હવે યુનાનમાં નવું
એલપીએઆર રડાર શરૂ થતાં, તેની સર્વેલન્સ ક્ષમતા વધુ મજબૂત થઈ છે.