• સોમવાર, 06 જુલાઈ, 2026

વિસ્ફોટના વધતા બનાવોથી એસીનો ઉપયોગ જોખમી

વિશ્વભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે તાપમાનની સામે રક્ષણ માટે એર કંડિશનરનો ઉપયોગ વધી રહ્યો છે.  ભારત જેવા દેશમાં તો દાયકાઓથી એસી એ શ્રીમંત વર્ગનાં સાધન પૂરતું મર્યાદિત રહેવાને બદલે સમાન્ય પરિવારો સુધી પહોંચી ચૂક્યું છે. 40 ડિગ્રી કરતાં વધુ ગરમીનો તાપ અનુભવતા મોટાભાગના ભારતીય વિસ્તારોમાં એસીનો ઉપયોગ હવે રોજબરોજના ઉપયોગમાં અનિવાર્ય બની ગયો છેપણ તાજેતરમાં બનેલા અકસ્માતોએ ઠંડકના પર્યાય બની ગયેલા આ વીજ ઉપકરણના ઉપયોગ અંગે ભારે ચિંતા જગાવી છે. ઉનાળામાં ઘર કે કચેરીઓમાં સતત ધમધમતા એસીના ઉપયોગથી વીજ અકસ્માતોનું જોખમ વધી રહ્યંy છે.  સતત ચાલતા આ ઉપકરણથી તેમાં વિસ્ફોટને લીધે આગ લાગવાના બનાવોથી સલામતીના ચિંતાજનક  મુદ્દા સામે આવી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિના અગાઉ દેશભરમાં એસીમાં વિસ્ફોટ અને તેને પગલે આગના સંખ્યાબંધ બનાવ બન્યા છે, જેમાં લોકોનાં મોત અને માલ-મિલકતને ભારે નુકસાન પણ થયું છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશના નોઈડામાં એક ઈમારતના 21મા માળે એક ફ્લેટમાં એસી ફાટયું હતું તેને લીધે ભીષણ આગ લાગી હતી.  સદ્ભાગ્યે તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ તેને બુઝાવવામાં ફાયર બ્રિગેડને ભારે મહેનત કરવી પડી હતી. સ્વાભાવિક રીતે બહુમાળી ઈમારતોની સલામતીનો મુદ્દો તો જાગ્યો હતો, પણ ઉનાળામાં એસીના અમર્યાદ ઉપયોગ અને જોખમોની ચર્ચા પણ છેડાઈ છે. મળતા અહેવાલ મુજબ બે મહિનામાં એકલા નોઈડામાં જ એસીમાં ધડાકાના લગભગ દોઢસોથી વધુ બનાવ બની ચૂક્યા છે. એસીમાં ધડાકાના સંખ્યાબંધ કારણ હોઈ શકે છે.  સતત ઉપયોગને લીધે કમ્પ્રેશર પર બોજો, ગેસ લીક કે પછી વીજળીના વાયરોમાં શોર્ટસર્કિટ જેવાં કારણ એસીમાં ધડાકા માટે જવાબદાર હોઈ શકે છે.  આવામાં વપરાશકારોની જવાબદારી વધી જાય છે. પોતાની અને આસપાસની જગ્યાઓની સલામતી માટે એસીના વપરાશકારોએ વધુ સભાન બનવાની ખાસ જરૂરત વર્તાઈ રહી છે. એસી ઉત્પાદક કંપનીઓએ તેમનાં ઉત્પાદનોને વધુ સલામત બનાવવા પર ધ્યાન આપવાની સાથોસાથ વપરાશકાર ગ્રાહકોને સલામત ઉપયોગ અંગે  માહિતગાર રાખવાની પણ ખાસ જરૂરત છે.  વળી આજકાલ એસેમ્બલ કરીને સસ્તાં એસી વેચનારાનો રાફડો ફાટ્યો છે.  આવા એસેમ્બલ એસી ગુણવત્તાનાં ધોરણોને અનુરૂપ ન હોવાનું સામે આવતું રહે છે. આવામાં અકસ્માતનું જોખમ પણ વધી જતું હોય છે.   ઉનાળાના સમયમાં વીજ વપરાશ વધી જતો હોય છે.  એકસાથે સંખ્યાબંધ એસી ચાલુ થઈ જવાને લીધે વીજ લોડ વધી જાય છે.  પરિણામે એસી સહિતનાં વીજ ઉપકરણો માથે જોખમ સર્જાય છે. એસી સતત ચાલતા હોય છે તેવામાં વીજ લોડમાં અચાનક વધરા કે ઘટાડાને લીધે વીજ ઉપકરણોમાં જોખમ વધી જાય છે. સરકારના જવાબદાર તંત્રોએ વીજ પુરવઠાને નિયમિત રાખીને લોડની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને અકસ્માત નિવારવામાં સહયોગ આપવો જોઈએ. 

Panchang

dd