ગાંધીધામ, તા. 5 : અહીંની જાણીતી ખાનગી હોસ્પિટલના
અતિ સંવેદનશિલ ગણાતા આઈસીયુ વોર્ડમાંથી એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે તેવો બનાવ
સામે આવ્યો છે. અહીં સારવાર અર્થે આવતા એક અસહાય વૃદ્ધાના કાનના દાગીનાની અજ્ઞાત શખ્સોએ
ચોરી કરી હતી. શહેરના સેક્ટર-7માં રહેતા
ફરિયાદી ચેતન નરશી મહેશ્વરીના દાદી હાંસબાઈ મંગલ મહેશ્વરી (ઉ.વ. 80)ની તબિયત ખરાબ થતાં તેમને તા.
12/6ના શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં
લઈ જવાયા હતા, તેમની ગંભીર સ્થિતિને જોતાં
તેમને તબીબોએ તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ તા. 14/6ના વૃદ્ધાને એમઆરઆઈ ટેસ્ટ માટે
લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના સગા-સંબંધીઓને ત્યાં બોલાવાયા હતા. આ વૃદ્ધાના
દીકરા વિનોદભાઈ ત્યાં આવતાં તેમનું ધ્યાન પોતાની માતાના કાન તરફ ગયું હતું અને કાનમાં
40 વર્ષ જૂનું સાડાત્રણ તોલાનું
ઘરેણું ગાયબ જણાયું હતું. સોનાનું ઠોઠીયું ગાયબ જણાતાં પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલના
સુરક્ષાકર્મી અને સ્ટાફને જાણ કરી તપાસ હાથ ધરી હતી,
જ્યારે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ કરાતાં સ્પષ્ટ થયું
હતું કે, જ્યારે વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે સોનાનો દાગીનો તેમના કાનમાં
પહેરેલો જ હતો. આઈસીયુ વોર્ડમાં ઘૂસી કોઈ અજાણ્યા શખ્સે તા. 12/6થી 14/6 દરમ્યાન દાગીનાની ઉઠાંતરી કરી
હતી. આ ચકચારી બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે ગુનો નેંધી આગળની તપાસ હાથ ધરી છે. જે વોર્ડમાં
દર્દીના સગાને પણ જવા માટે કડક નિયમો હોય, જ્યાં 24 કલાક સ્ટાફ
તૈનાત હોય ત્યાં એક લાચાર વૃદ્ધાના કાનમાંથી દાગીના ચોરાઈ જાય તે હોસ્પિટલ મેનેજમેન્ટની
સુરક્ષા વ્યવસ્થા પર બહુ મોટું પ્રશ્નાર્થચિહ્ન ખડું કરે છે. શું આમાં કોઈ અંદરના સ્ટાફની
મિલિભગત છે ? તે દિશામાં પણ પોલીસે
તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.