ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં
મહાનગરપાલિકાના વહીવટી તંત્રે 3500થી વધુ દબાણ
હટાવ્યાં છે, પરંતુ દેખરેખના અભાવે ફરીથી
દબાણ થવા લાગ્યાં છે. મુખ્ય બજારથી લઈને આંતરિક વિસ્તારો તેમજ માર્ગો ઉપર જે જગ્યાઓ
ખાલી કરવામાં આવી હતી ત્યાં ફરીથી દબાણ ગોઠવાઈ રહ્યાં છે. પગલાં ભરવામાં ન આવતા તંત્ર
સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીએ જે-તે
વખતે ચાર્જ સંભાળ્યા પછી પહેલું કામ દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ
પટેલના સર્કલથી લઈને મહાત્મા ગાંધી માર્કેટ સુધી મુખ્ય બજારમાં તેમજ બંને બાજુ જેમના
રહેણાક વિસ્તારમાં જે પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની હતી, ત્યાં
દબાણો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અને બે પાર્કિંગ પ્લોટ બનાવ્યા હતા. આ ઉપરાંત
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અતિક્રમણો દૂર કર્યા હતા. ખાસ કરીને 80 ફૂટ તથા 60 ફૂટ અને 40 ફૂટના માર્ગો ખુલ્લા કરાવ્યા
હતા અને 3500થી વધુ દબાણ દૂર કર્યાં હતાં, પરંતુ તેમની બદલી પછી દબાણ હટાવવાની કાર્યવાહી
બંધ કરવામાં આવી છે, હવે ચોમાસાંનું બહાનું ધરીને દબાણ ઉપર કાર્યવાહી
કરાતી નથી. ચોમાસાં દરમિયાન ઝૂંપડપટ્ટી ન હટાવે તે સમજી શકાય છે, પણ પાકા રહેણાક મકાનોના માલિકોએ જે રોડ દબાવ્યા છે, તે
ખુલ્લા કરી શકાય તેમ છે, પરંતુ આવું થતું નથી, સદંતર દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરવામાં આવી છે સૂત્રોનું માનીએ તો ફરિયાદો ઉપર કામગીરી થાય છે,
જે વિસ્તારોમાંથી ફરિયાદો આવે છે ત્યાં નોટિસ આપવામાં આવે છે. આ ઉપરાંત
ગટરલાઈનને નડતરરૂપ દબાણોને નોટિસ અપાય છે, પરંતુ ઝડપથી કાર્યવાહી
થતી નથી. ફરીથી જોડિયા શહેરોમાં દબાણો શરૂ થયાં છે, તેવા ગંભીર
આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા
માર્ગો ઉપર થયેલાં દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવે તો જે પાણી નિકાલમાં અવરોધ
આવી રહ્યો છે, તે દૂર થવાની સંભાવના છે. એટલે સદંતર કાર્યવાહી
બંધ કરવાના બદલે માર્ગો ખુલ્લા કરાવવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં
આવી રહી છે. - સિંધુવર્ષામાં લોકો સામેથી દબાણ હટાવવાનું કહે છે : મહાનગરપાલિકાના
તંત્ર દ્વારા સિંધુવર્ષામાં દબાણો દૂર કરવા 60 નોટિસ આપવામાં આવી છે. ત્રણ દિવસની મર્યાદા હતી, 15 દિવસથી વધુનો
સમય વીતી ગયો છે, અહીં સમસ્યાઓ
છે જો દબાણ દૂર થાય તો જ સમસ્યાઓનું સમાધાન આવે તેવી સ્થિતિ છે. દબાણ ઉપર કાર્યવાહી ન કરતા લોકો કચેરીએ આવ્યા હતા
અને દબાણો હટાવવા માટે તંત્રને રજૂઆત કરી હતી. અહીં આક્ષેપ મુજબ નોટિસ આપ્યા પછી વગદારોએ
પાલિકા પાસે આ કામગીરી અટકાવી છે. જો આવું
હોય તો તે ખરેખર ગંભીર છે. તંત્રે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ લોકોએ કરી હતી. - ઝંડાચોકમાં રાત્રિના ટ્રાફિક
સમસ્યા : શહેરના ઝંડાચોકમાં વરસાદી નાળાંની કામગીરી
કરવામાં આવી રહી છે. આંતરિક માર્ગ બંધ છે તેવામાં અહીં રાત્રિના સમયે ઠંડા પીણાની લારીઓની
જમાવટ રહેતાં ટુ વ્હીલ અને ફોર વ્હીલ રોડ ઉપર પાર્ક થાય છે, તેના કારણે વ્યાપક ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી
છે. લોકો હેરાન થાય છે, પણ પાલિકા ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં રહેતા
સવાલો ઊઠી રહ્યા છે.