• સોમવાર, 06 જુલાઈ, 2026

દાતાઓ સથવારે બે દાયકામાં દર્દીઓની 90 કરોડની સેવા

ભુજ, તા. 5 : ડાયાલિસીસ અને આંખના કેમ્પો દ્વારા દર્દીઓની અદ્વિતીય સેવાની કટિબદ્ધતાને કારણે હોસ્પિટલમાં બે દાયકામાં સવા બે લાખથી વધુ ડાયાલિસીસ અને નેત્રમણિ આરોપણ ઓપરેશનનો આંક અડધા લાખને આંબવા જઇ રહ્યો હોવાની માહિતી ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં યોજાયેલા 250મા આઇ કેમ્પ પ્રસંગે અપાઇ હતી. ચાર દિવસીય કેમ્પમાં 106 દર્દીનાં ઓપરેશન કરાયાં હતાં. મૂળ સુખપર કચ્છના લંડન સ્થિત દાતા હરજીભાઇ કાનજીભાઇ વેકરિયા અને રામુબેન હરજીભાઇ વેકરિયા પરિવારના સહયોગથી યોજાયેલા આઇ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે લાયન્સ હોસ્પિટલના ચેરમેન અને  પૂર્વ ગવર્નર ડો. ભરતભાઇ મહેતાએ પ્રાસંગિક માહિતી આપતાં કહ્યું હતું કે, છેલ્લાં 22 વર્ષથી સેવારત લાયન્સ હોસ્પિટલને દેશ-વિદેશથી દાતાઓ આર્થિક સહયોગ આપવા તત્પર હોય છે. દાતાઓ થકી જ હોસ્પિટલમાં ડાયાલિસીસની સંખ્યા સવા બે લાખથી વધુ અને આંખના ઓપરેશનની સંખ્યા 47 હજારથી વધુ થઇ ચૂકી છે. આવા દાતાઓની દિલેરી થકી બે દાયકામાં માત્ર ડાયાલિસીસ અને આંખના ઓપરેશન મળીને જ 90 કરોડની સેવા પહોંચી હોવાની માહિતી આપી હતી. પ્રારંભમાં ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ ગવર્નર ચેરમેન ડો. ભરતભાઇ મહેતા, ગવર્નર અભયભાઇ શાહ, પ્રમુખ ચંદ્રકાન્તભાઇ સોની, નવા પ્રમુખ અનુપભાઇ કોટક, કમલેશભાઇ સંઘવી તથા મહેમાનોની ઉપસ્થિતિમાં આઇ કેમ્પને દીપ પ્રાગટય દ્વારા ખુલ્લો મુકાયો હતો. દાતા પરિવારનું શાલ, સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરાયું હતું. લાયન્સ કોમ્યુનિટી હોલ પર થતી ક્લબની વિવિધ સેવાઓનો ચિતાર શૈલેષભાઇ માણેકે આપ્યા બાદ આંખના ઓપરેશનનો લાભ લેનારા પરિવાર વતી હેત પંડયાએ લાયન્સ હોસ્પિટલની સુવિધાઓ અને સેવાને બિરદાવી હતી. આઇ કેમ્પની વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. દાતા શ્રી વેકરિયાને આંખની તકલીફ થતાં બીજો પ્રતિભાવ મેળવવા લાયન્સ હોસ્પિટલમાં નિયમિત આંખના ડોક્ટરને બતાવ્યું હતું. સંતોષ મળ્યા બાદ આઇ કેમ્પમાં સહયોગ આપવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ગવર્નરે હોસ્પિટલના બધા વિભાગો, સ્વચ્છતા અને કામગીરી જોઇ સમગ્ર સામાજિક સંસ્થાઓ માટે ઉદાહરણરૂપ હોવાનું ઉમેર્યું હતું. સંચાલન પ્રફુલ્લભાઇ શાહે કર્યું હતું. 

Panchang

dd