ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ સંકુલમાં પીવાનાં
પાણીની ગંભીર કટોકટીને પહોંચી વળવા આપાતકાલમાં શિણાય ડેમથી લાઈન નાખીને આઠ એમએલડી પાણી
કિડાણા તથા અંતરજાળ અને આદિપુરને આપવામાં આવશે. પાણીની સમસ્યાને હળવી કરવા અને લોકોની
મુશ્કેલીઓ દૂર કરવા માટે તાકીદે આ નિર્ણય લઈને લોકાર્પણ કરી નાખવામાં આવ્યું છે, પરંતુ પાણી શુદ્ધીકરણ કરવાની દિશામાં કોઇ પગલાં
ભરવામાં આવ્યાં નથી જેનાં પગલે હવે સવાલો ઊઠી રહ્યા છે. શિણાય ડેમથી દૈનિક આઠ એમએલડી
પાણી ઉપાડવામાં આવશે, જેમાં બે એમએલડી કિડાણા તથા બે એમએલડી અંતરજાળ
અને ચાર એમએલડી એચએસઆરના ટાંકા મારફતે આદિપુરને આપવામાં આવશે. પાણી પુરવઠા બોર્ડના
અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું હતું અને આદિપુર-કિડાણા અને અંતરજાળની સમસ્યા દૂર કરવા
માટે આ પગલું લેવાયું છે તેમ કહીને તેમણે વરસામેડીથી મહાનગરપાલિકાને 40 એમએલડી પાણી અપાઈ રહ્યું છે
તે તો યથાવત્ જ રહેશે. આ ઉપરાંતનું આદિપુરને દરરોજ ચાર એમએલડી પાણી અપાશે તેમ જણાવ્યું
હતું, પરંતુ જેટલો જથ્થો ગાંધીધામને આપવામાં આવે છે
તે યથાવત્ રહે તે જરૂરી છે, તો જ ગાંધીધામ-આદિપુરની પીવાનાં પાણીની
સમસ્યા હલ થાય તેવી સંભાવના છે. હાલના સમયે ગંભીર કટોકટીનાં કારણે અલગ-અલગ વિસ્તારોમાંથી
લોકો દરરોજ રજૂઆતો કરવા આવે છે અને હવે કર્મચારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું
છે તેવામાં તંત્ર આ સમસ્યાનું ઝડપથી સમાધાન કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. - શિણાય ડેમ-તળાવમાં અનેક લોકોનાં મોત થયાં છે : શિણાય ડેમ અને તળાવમાં અનેક લોકોનાં મોત થયા છે. તે ઉપરાંત પશુ, તેમજ જીવજંતુનાં મોત થયાં છે તેવું આ ડેમનું
અશુદ્ધ પાણી ટીડીએસના સહારે લોકોને વિતરણ કરવામાં આવશે તો લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ
જોખમ છે. પાણીના શુદ્ધીકરણ માટે તત્કાલ પગલાં ભરવામાં આવે તે અતિ જરૂરી અને આવશ્યક
છે. - શિણાય ડેમનાં
પાણીમાં 500 ટીડીએસ : શિણાય ડેમથી કિડાણા, અંતરજાળ અને આદિપુરને પીવાનું પાણી આપવાનું
છે, પરંતુ આ પાણીમાં ખનિજ, ક્ષાર અને ધાતુઓની
માત્રા વધુ હોવાનું સામે આવી રહ્યું છે. ડેમનાં પાણીનું ટીડીએસ 500 છે અને પીએચ લેવલ પણ વધુ હોવાનું
સામે આવી રહ્યું છે. ગાંધીધામ- આદિપુર જોડિયા શહેરોના લોકો ફિલ્ટર વગરનું પાણી પી રહ્યાં
છે અને તેવામાં આ ડેમનાં પાણીમાં ટીડીએસ 500 છે. વહીવટી તંત્રએ પાણીના શુદ્ધીકરણ માટે યોગ્ય પગલાં લેવાં
જરૂરી છે. - ગેરકાયદે
લેવાયેલાં જોડાણો ક્યારે કપાશે : વરસામેડીથી ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તકના
રામબાગ પાણીના ટાંકા સુધી આવતી લાઈનમાંથી ગેરકાયદે પાણીનાં જોડાણો લેવાયાં હોવાની વ્યાપક
ફરિયાદો છે તેના કારણે જ રસ્તામાં 15 એમએલડીની આસપાસનું પાણી પગ કરી જતું હોવાના આક્ષેપો છે. જનપ્રતિનિધિઓએ
ગેરકાયદે જોડાણો કાપવાનો આદેશ પાણી પુરવઠા બોર્ડને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે
છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પરિણામે
વરસામેડીથી પાણી પુરવઠા બોર્ડ જે જથ્થો રામબાગ માટે આપે છે તેટલો જથ્થો અહીં પહોંચતો
નથી તેવા આક્ષેપો છે. તપાસ કરીને પગલા લેવાય તેવી માંગ પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા
છે.