ભુજ, તા. 5 : કચ્છમાં વૈશાખી તાપના આકરા માર વચ્ચે ભુજ અને
અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. કમોસમી
વરસાદની હાજરી વચ્ચે અગનવર્ષાનો દોર યથાવત્
રહ્યો છે. અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા પોર્ટમાં મહત્તમ પારો દોઢ ડિગ્રી ઊંચકાઇને
41 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં રાજકોટ પછી
અંજાર-ગાંધીધામ બીજા નંબરના ગરમ મથક બન્યાં હતાં. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો સહેજ
નીચે ઊતરીને 39 ડિગ્રીએ
પહોંચતાં થોડી રાહત મળી હતી. ભેજનાં
કારણે ઉકળાટ વધુ પ્રમાણમાં અનુભવાયો હતો. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં
ફેરફાર જોવા મળ્યો હતો. ભુજના જવાહરનગર, મોડસર અને મોકાણા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
વરસ્યો હતો. કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડયો હતો. આ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતો
મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને કેસર કેરી અને ખારેક જેવા પાકોને નુકસાન થવાની ભીતિ
વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાઈનાકલે ઉદ્યોગના કાચા માલને પણ નુકસાન થયાનું જાણવા મળ્યું
છે. ભારે પવન અને વરસાદનાં કારણે કાચો માલ ભીનો થઈ જતાં ઉદ્યોગકારોને નુકસાન સહન કરવું
પડી શકે છે. પદ્ધર અને મમુઆરા સહિતના વિસ્તારોમાં બપોર બાદ પવન ફૂંકાતાં વાદળછાયું
વાતાવરણ સર્જાયું હતું. અંજારના નવાગામ, હીરાપર સહિતના વિસ્તારમાં
પણ બપોર બાદ પવન સાથે ઝાપટાં વરસતાં ક્યાંક પાણી વહી નીકળ્યાં હતાં. હવામાન વિભાગે
લોકલ સિસ્ટમ વિકસિત થતાં આ વરસાદ પડયાનું જણાવી બે-ત્રણ દિવસમાં ફરી પાછો મહત્તમ પારો
ઊંચકાવા સાથે ગરમી-ઉકળાટ અનુભવાશે તેવી આગાહી કરી છે.