• મંગળવાર, 16 જૂન, 2026

સેવા અને સ્નેહનું સંયોજન એટલે ભોજાય હોસ્પિટલ

નરેશ અંતાણી દ્વારા : ભોજાય (તા. માંડવી)તા. 15 : આજે લીલુંછમ કચ્છ ભલે એક વખત સૂકો પ્રદેશ કહેવાતું હશે, પરંતુ અહીં માનવતાની લીલોતરીનાં કાયમ દર્શન કર્યાં છે અને એમાં પણ દરિયાદિલ `અધા'એ કચ્છની પ્રજાને પિતાનું વાત્સલ્ય આપ્યું છે, એ જોઈ આંખો વધારે લીલપ અનુભવે છે. ભોજાય સર્વોદય હોસ્પિટલ ખાતે લીલાધર ગડા `અધા'ના પ્રેમીઓથી ઊભરાયેલા વિશાળ શમિયાણામાં અમદાવાદના દર્શક ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ વિતરણ સમારોહના અધ્યક્ષસ્થાનેથી જાણીતા સાહિત્યકાર, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા એકમાત્ર ગુજરાતી સર્જક રઘુવીર ચૌધરીએ આ મુજબના ઉદ્ગારો વ્યક્ત કરી અધાના તથા ભોજાય સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ઓવારણા લીધાં હતાં. આ સમારોહમાં  પ્રતિવર્ષ અપાતો ગ્રામપુનર્રચના એવોર્ડ ભોજાય હોસ્પિટલને તથા સાહિત્ય એવોર્ડ ગુજરાતના જાણીતા સર્જક મોહન પરમારને એનાયેત કરવામાં આવ્યો હતો. દર્શક ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય, શિક્ષણ તથા ગ્રામપુનર્રચના ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારને પ્રતિવર્ષ આ એવોર્ડ આપી સન્માનિત કરાય છે. અત્યાર સુધી કચ્છમાં આ એવોર્ડ મેળવનારા ભાગ્યશાળીઓમાં ડો. ધીરેન્દ્ર મહેતાવીનેશ અંતાણી, ગ્રામ સ્વરાજ સંઘ-નીલપર તથા કાંતિસેન શ્રોફનો સમાવેશ થાય છે. ભોજાય હોસ્પિટલને મળેલો આ કચ્છનો પાંચમો  દર્શક એવોર્ડ છે. ભોજાય ખાતે એવોર્ડ મેળવનાર પ્રત્યેકને  સ્મૃતિ ચિહ્ન, શાલ, પુસ્તક તથા રૂા. એક લાખની રાશિ ઉપસ્થિત મહાનુભાવોના હાથે અર્પણ કરાઈ હતી. સમારોહના અધ્યક્ષ રઘુવીરભાઈએ ભોજાય હોસ્પિટલમાં વહેતી પ્રેમની સરવાણીની ભૂરી ભૂરી પ્રસંશા કરતાં કહ્યું કે, એક નાના ટચુકડા ગામમાંથી વહેતી આ સરવાણી તથા અધાનો `થઈ જશે' શબ્દ વિશ્વમાં આત્મવિશ્વાસનો સંદેશ આપે છે. એમણે ભોજાય હોસ્પિટલમાંથી માનવતાની મહેકની  વાત કરતાં તેમણે કચ્છના એક ખૂણામાં રહીને અશક્ય એવું કાર્ય કરી બતાવ્યું છે. ભોજાયને ઓવોર્ડ એ નિમિત્તમાત્ર છે. હકીકતમાં આ એવોર્ડ લીલાધરભાઈને જ અપાય છે. એવું જણાવી અધાના પુસ્તકો પગમેં ભમરી, `થઈ જશે'ની સરાહના કરતાં એવોર્ડ મેળવનારા સર્જક મોહનભાઈ પરમાર તથા ભોજાય હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સ્ટાફને અભિનંદન આપ્યા હતા. આરંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હાથે દીપ પ્રાગટય કરી સમારોહને ખુલ્લો મુકાયો હતો. સર્જક અને દર્શક ફાઉન્ડેશનના ટ્રસ્ટી સંજય ચૌધરીએ સમગ્ર આયોજનની ભૂમિકા આપી મોહન પરમાર તથા ભોજાય હોસ્પિટલને અપાયેલા આ એવોર્ડ પસંદગીની પ્રક્રિયાની સમજ આપતાં  લીલાધરભાઈ ગડાની આલ્બર્ટ સ્વાઈજર સાથે તુલના કરી હતી. તો ભોજાય હોસ્પિટલને પ્રેમ, કરુણા અને વહાલનો પર્યાય લેખાવી  કચ્છ માટે અફાટ રણમાં લીલા દ્વીપ સમાન ગણાવી હતી. જાણીતા સર્જક મનસુખભાઈ સલ્લાએ પોતાના વકતવ્યમાં દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતા સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનર્રચનાના અવોર્ડના આરંભની વિગતો આપતાં  મનુષ્યની સંવેદનાને ઘાટ આપવાનું કાર્ય સાહિત્ય કરે છે, તો સમાજમાં ફેલાયેલાં અંધારા દૂર કરવાનું કામ ભોજાય જેવી સંસ્થાઓ કરતી હોવાનું જણાવી ભોજાય હોસ્પિટલે સામાજિક વિસમતાને દૂર કરવાનું કાર્ય કર્યું હોવાની પોતાની વાત મૂકતાં તેના દાખલા અને પ્રમાણો આપ્યા હતા. એવોર્ડી ભોજાય હોસ્પિટલ વતી સન્માનનો પ્રતિભાવ આપતાં લીલાધર ગડાએ માત્ર 1300ની વસ્તીવાળા એક અંતરિયાળ નાના એવાં ગામમાં થતી મૂકસેવાની નાની જ્યોત તરફ નજર નાખનાર દર્શક ફાઉન્ડેશનના અવોર્ડ પસંદગી સમિતિના સભ્યો તથા તેના ટ્રસ્ટીઓને સાચા દૃષ્ટા ગણાવી આભાર માન્યો હતો. અધાએ ભોજાય હોસ્પિટલના 29 વર્ષના ઈતિહાસને ટૂંકમાં વર્ણવી સેવા અને સ્નેહનું મિશ્રણ ભોજાયને બીજા બધાયથી જુદું પાડતું હોવાનું કહેતાં દર્દી સાથે જ્યાં સુધી નિસ્બત ન કેળવવામાં આવે ત્યા સુધી થતું તમામ કામ લુખું લેખાવ્યું હતું. તેમણે આ એવોર્ડ ભોજાયમાં સારવાર મેળવનારા તમામ લાખો દર્દીઓ, તબીબો, કર્મચારીઓ, ટ્રસ્ટીઓને અર્પણ કરતાં  એવોર્ડ મેળવતી વખતે તમામ સાથીઓને મંચ પર બોલાવ્યા હતા. આ અવસરે સર્જક મોહન પરમારે પણ પ્રતિભાવ આપી ફાઉન્ડેશનનો આભાર માની પોતાની સર્જન યાત્રાની વિગતે વાત કરી હતી. ભોજાય હોસ્પિટલ સાથે સંકળાયેલા જાણીતા તબીબ અને ભોજાય હોસ્પિટલમાં 60 ઓપરેશન કરી લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દાખલ કરાવનારા ડો. કૌશિક શાહે ભોજાય હોસ્પિટલને એક વિશ્વ વિદ્યાલય  લેખાવતાં હોસ્પિટલની દીર્ઘ યાત્રાનો પરિચય આપી પોતાને મળેલી સિદ્ધિ માટે ટ્રસ્ટનો આભાર માન્યો હતો. અગ્રણી સુષ્મા આયંગરે પોતાના પ્રાસંગિક વકતવ્યમાં ભોજાય હોસ્પિટલને કચ્છનો ફેમિલી ડોક્ટર લેખાવતાં અહીં સામાજિક પરિવર્તનનું કાર્ય થતું હોવાનું જણાવ્યું હતું. એવોર્ડ મેળવનાર મોહન પરમારનો પરિચય સર્જક અજય રાવલે તથા ભોજાય સર્વોદય ટ્રસ્ટનો પરિચય કચ્છના લેખક, સર્જક અને ચિંતક હરેશભાઈ ધોળકિયાએ આપ્યો હતો. કાર્યક્રમના અંતે લાલ રાંભિયા અને સાથીદારોએ ગ્રામીણ મહિલાની વ્યથાના ગીતો `મુંગી રે વેદના' રજૂ કર્યાં  હતાં. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ મંચસ્થ રહ્યા  હતા. સમારોહનું સંચાલન ડો. રમજાન હસણિયાએ તથા આભારવિધિ સંજય ચૌધરીએ કરી હતી. આ અવસરે શ્રોફ પરિવારના દીપેશભાઈ શ્રોફ, અશ્વિનભાઈ શ્રોફ, રાજ્યના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ સાંસદ બાબુભાઈ શાહ, ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લહેરચંદભાઈ નાગડા, ભુજના પૂર્વ નગરપતિ અરુણભાઈ વછરાજાની, પૂર્વ કુલપતિ ડો. કાંતિભાઈ ગોર, સર્જક ડો. ધીરેન્દ્ર મહેતા, ડો. દર્શના ધોળકિયા, માંડવીના અગ્રણી વાડીલાલ દોશી, મુલેશ દોશી, દિનેશભાઈ શાહ, ગોરધન પટેલ `કવિ', દલપત દાણીધારિયા, સંજય ઠાકર, નરેશ અંતાણી, વિશ્રામ ગઢવી, ભોજાય હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો, લીલાધરભાઈના પરિવારજનો, માંડવી શહેર અને તાલુકાના અગ્રણીઓ, સ્નેહીઓ સહિતના હાજર રહ્યા હતા.

Panchang

dd