નલિયા, તા 15 : અબડાસાના ગરડા પંથકનાં 32 ગામમાં
છેલ્લા દોઢેક માસથી પીવાનાં પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તિ રહી છે. નર્મદાનું પાણી
સંપૂર્ણપણે બંધ છે, જ્યારે મીઠી ડેમનું પાણી પણ
અનિયમિત અને માંડ અઠવાડિયે કે પંદર દિવસે મળે છે, જેનાથી
ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રભાતાસિંહ
જાડેજા દ્વારા નલિયા કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા અધિકારીને
અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવ્યું નથી. ફુલાય ગામના સરપંચના જણાવ્યા
મુજબ ફુલાય, વાગાપદ્ધર, ભોવા, સારગવાડામાં મળતું જંગડિયા ડેમનું પાણી પીવાલાયક નથી. ભોવાના યુવા આગેવાન
ખેતુભા ચૌહાણ અને ફુલાયના પ્રતાપાસિંહ સોઢાએ આ પાણીને ગંદું અને હાનિકારક ગણાવી,
20 લિટર
પાણી 30 રૂપિયામાં
ખરીદવું પડતું હોવાની વ્યથા ઠાલવી હતી. ઉકીર ગામના સરપંચ કેર અલી હાજી હસણે છ
માસથી પાણી ન મળતું હોવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રામજનો પીવાના, નાહવા-ધોવા અને પશુધન માટે એક જ કૂવામાંથી પાણી ભરવા મજબૂર બન્યા હોવાનું
જણાવ્યું હતું. ચરોપડી મોટીના સરપંચે મોહાડી ગામની વિકટ સ્થિતિ વર્ણવી તાત્કાલિક
નિરાકરણ માગ્યું હતું. અકરી મોટી ગામના સરપંચ રાજુભા જાડેજાએ અકરી મોટી, થુમડી, વાલાવારીવાંઢમાં પાણીની ભયંકર સમસ્યા હોવાનું
જણાવી, માલધારીઓને પશુધનની ચિંતા સતાવતી હોવાનું કહ્યું
હતું. તેમણે પાણીના ટાંકા-અવાડા બનાવવાને બદલે મૂળભૂત સમસ્યા ઉકેલવા સરકારને અપીલ
કરી હતી. મોટી બેર જૂથ ગ્રામ પંચાયત હેઠળના બેર નાની, નવાવાસ,
રામવાડા, ભગોડીવાંઢ, ગોલાય,
રોહારો, હોથિયાય જેવાં ગામોમાં મહિનામાં બે
વાર પાણી મળે છે, તો ક્યારેક બિલકુલ મળતું નથી. ઠેકેદારો ફોન
પણ ઉપાડતા ન હોવાની ફરિયાદ કરાઇ હતી. ગરડા પંથકના 32 ગામોના
રહેવાસીઓએ હાલના વાયોર પાણી પુરવઠા સપ્લાય પરના ઠેકેદારોને બદલીને યોગ્ય ઠેકેદારને
વહીવટ સોંપવાની માંગ કરી છે. વાયોર, ઉકીર, ફુલાય, અકરી મોટી અને મોટી બેરના સરપંચોએ આ
કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બદલવા ઉગ્ર રજૂઆત કરી હોવાનું યાદીમાં જણાવાયું
હતું.