ભુજ, તા. 15 : કચ્છમાં ઉનાળુ વેકેશન ખૂલતાં શાળાઓ શરૂ થવાની
સાથે જ વહેલી સવારથી માર્ગો સ્કૂલ બસો અને વિદ્યાર્થી પરિવહન માટેના છકડા રિક્ષાના
ધમધમાટથી ગાજી રહ્યા છે ત્યારે નિયમોના ભંગની ફરિયાદો વચ્ચે આરટીઓ દ્વારા તપાસની
ઝુંબેશ શરૂ કરતાં શાળા પરિવહન સાથે સંકળાયેલા વાહનના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી વિગતો મુજબ આરંભિક ચાર દિવસમાં પશ્ચિમ કચ્છ આરટીઓ દ્વારા 92 વાહન
સામે દંડાત્મક કાર્યવાહી વડે 3.38 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. ભુજ આરટીઓ
તરફથી મળેલી વિગતો અનુસાર ઉનાળુ વેકેશન ખુલ્યા બાદના આરંભના ચાર દિવસ દરમ્યાન
કચેરીના ઈન્સ્પેક્ટરોની ટુકડી દ્વારા નગર અને નગરની ભાગોળે હાથ ધરાયેલી અલગ અલગ
તપાસમાં છકડા રિક્ષા, વેન અને સ્કૂલ બસોને તપાસવામાં
આવી હતી. તપાસ દરમ્યાન 92 વાહન મોટર વાહન કાયદાની વિવિધ જોગવાઈનો ભંગ
કરતાં જણાઈ આવતાં તેમના સાથે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 3.38 લાખના
દંડની વસૂલાત કરવામાં આવી હતી. કચેરીના રોડ સેફટી નોડલ અધિકારી જે.કે. પટેલે આગામી
દિવસો દરમ્યાન પણ તપાસ કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવી શાળા પરિવહન વાહનોને
નિયમોનું પાલન કરવાની તાકીદ કરી હતી. દરમ્યાન, છકડા રિક્ષા
અને વેનમાં નિયત સંખ્યાથી વધુ માત્રામાં વિદ્યાર્થીઓના વહન અને કાયદા મુજબની
સલામતી જોગવાઈના અભાવની ફરિયાદ સામે દર વર્ષે શાળા ખુલ્યાથી થોડા દિવસ સુધી તંત્ર
દ્વારા તપાસનો દોર હાથ ધરાતો હોય છે પરંતુ તે પછી બધું `જૈસે
થે'
માફક થઈ જતું હોવાથી તપાસ ઝુંબેશ પણ કાયમી ધોરણે રહેવી જોઈએ એવી
માંગ જાણકારો અને વાલીઓ કરી રહ્યા છે.