નવી
દિલ્હી,
તા. 15 : અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલા એર ઈન્ડિયાના
વિમાન એઆઈ-171ના
તૂટી પડવાના ભેદભરમમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે. એક વર્ષ પૂર્વે બનેલી આ ભયાનક
કરુણાંતિકામાં `ફેડરેશન
ઓફ ઈન્ડિયન પાયલટસ' (એફઆઈપી) તરફથી દુર્ઘટના તપાસ
બ્યુરો (એએઆઈબી)ને એક પત્ર લખીને પુન: તપાસની માગણી કરવામાં આવી છે. આ પત્રમાં
અનેક મહત્વના સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ પત્રના માધ્યમથી શરૂઆતી તપાસ રિપોર્ટમાં
બહાર આવેલી ટેક્નીકલ જાણકારીઓને પડકારવામાં આવી છે. પાયલટ સંગઠનનો દાવો છે કે,
સરકારી એજન્સીનો રિપોર્ટ અને તાજેતરમાં કરવામાં આવેલા સીમ્યુલેટર
ટેસ્ટના નિષ્કર્ષમાં 14 સેકન્ડનું મોટું અંતર સામે આવ્યું છે. જે આ
દુર્ઘટનાની સમગ્ર તપાસની દિશા પણ બદલી શકે છે. જો આમાં ફરીથી તપાસ શરૂ થાય તો નવી
ચોંકાવનારી વિગતો પણ સામે આવી શકે છે માટે જ પાયલટના આપઘાતી પગલા જેવી અટકળો ઉપર
ફરીથી ચર્ચા થવી જોઈએ. પાયલટ સંગઠનના અધ્યક્ષ કેપ્ટન સી.એસ.રંધાવાએ એઁએઆઈબીને જે
પત્ર પાઠવવામાં આવ્યો છે તેમાં કહ્યું છે કે, તેમને
અમેરિકાની કાનૂની પેઢી બીજલી એલનના વકીલ ડી.માઈકલ એન્ડ્રુઝનો પત્ર મળ્યો છે. આ
પત્રમાં દાવો કરવામાં આવેલો છે કે, બોઈંગ-787 વિમાન
ઉપર કરવામાં આવેલા સિમ્યુલેટર ટેસ્ટ પ્રાથમિક તપાસમાં દર્શાવવામાં આવેલી સમય
સીમાનું સમર્થન કરતો નથી. એએઆઈબીના પ્રારંભિક રિપોર્ટ અનુસાર ઈંધણનો પુરવઠો
અવરોધાતા 4 થી
5 સેકન્ડ
બાદ રેટ સીસ્ટમે હાઈડ્રોલિક પાવર આપવાનું શરૂ કરી દીધું હતું. જો કે, સીમ્યુલેટર પરીક્ષણમાં આ સમય આશરે 18 સેકન્ડ જેટલો લાગ્યો
હોવાનું બહાર આવ્યું છે. એટલે કે બંને વચ્ચે આશરે 14 સેકન્ડ જેટલો તફાવત
જોવામાં આવ્યો છે. એફપીઆઈનું કહેવું છે કે, જો સીમ્યુલેટર
પરીક્ષણ સાચા હોય તો એવી સંભાવના ઉભી થઈ જાય છે કે, ઈંધણ
મળતું બંધ થયા પહેલા જ રેટ સક્રિય થઈ ગયું હતું. આનો અર્થ એવો પણ થાય કે વિમાનમાં
અગાઉથી જ કોઈ ઈલેક્ટ્રિક કે પછી ટેક્નીકલ ખરાબી હતી. એફઆઈપી સંગઠને એવો પણ દાવો
કર્યો છે કે, કેટલાક વીડિયો અને તસવીરોમાં રેટ ટેકઓફ પછી
તુરંત જ નહીં બલ્કે, રનવે ઉપર વિમાન ઉડાન ભરતું હતું ત્યારે
પહેલાથી જ બહાર નીકળેલું દેખાય છે. જો આ તમામ નવી જાણકારી સાચી હોય તો દુર્ઘટનાના
ઘટના ક્રમ સામે પણ નવા સવાલો ખડા થઈ શકે છે. આ દુર્ઘટનામાં જીવિત બચેલા યાત્રીના
બયાનમાં તીવ્ર વિસ્ફોટ અને કેબીનમાં ઓછા પ્રકાશનો ઉલ્લેખ હતો. જો આ તથ્યોને જોડીને
જોવામાં આવે તો ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ક્ષતિ આ અકસ્માતનું મોટું કારણ હોઈ શકે છે.